Shafali Verma Record vs Netherlands: TCC મહિલા T20 વિશ્વ કપ 2026 માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ધમાકેદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે પોતાના બીજા મુકાબલામાં નેધરલેન્ડ્સને 95 રનના મોટા અંતરથી ધૂળ ચટાડીને સતત બીજી જીત નોંધાવી છે. આ મેચમાં ભારતની સ્ટાર ઓપનર શેફાલી વર્માએ (Shafali Verma) બેટિંગ અને બોલિંગ બંનેમાં અદભુત પ્રદર્શન કરીને એક એવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે ક્રિકેટ જગતમાં અત્યાર સુધી માત્ર બે જ ખેલાડીઓ કરી શક્યા છે.
એક જ મેચમાં ફિફ્ટી અને 3 વિકેટ ઝડપનારી ખેલાડી
નેધરલેન્ડ્સ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં શેફાલી વર્માએ(Shafali Verma) વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 38 બોલમાં 55 રનની શાનદાર અર્ધસદી ફટકારી હતી. આ આક્રમક ઇનિંગ બાદ જ્યારે તે બોલિંગ કરવા આવી ત્યારે તેણે પોતાની ફિરકીથી નેધરલેન્ડ્સની બેટર્સને ઘૂંટણિયે લાવી દીધી હતી. શેફાલીએ(Shafali Verma) 3.2 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી.
આ સાથે જ તે વિમેન્સ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એક જ મેચમાં અર્ધસદી અને 3 વિકેટ લેનારી દુનિયાની માત્ર ત્રીજી પ્લેયર બની ગઈ છે. શેફાલી પહેલા વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝે (2018 માં) અને સાઉથ આફ્રિકાની સુને લૂસે (2020 માં) આ અશક્ય કારનામું કર્યું હતું.
સ્મૃતિ મંધાનાની 74 રનની ધમાકેદાર ઇનિંગ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ક્લાસિક બેટિંગ કરતા 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્મૃતિ અને શેફાલીની(Shafali Verma) ઓપનિંગ જોડીના દમ પર ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 209 રનનો હિમાલય જેવો સ્કોર ઉભો કર્યો હતો. આ સિવાય રિચા ઘોષે 20, જેમિમા રોડ્રિગ્સે 19, કેપ્ટન હરમનપ્રીત કૌરે 12 અને દીપ્તિ શર્માએ 10 રનનું યોગદાન આપ્યું હતું. નેધરલેન્ડ્સ તરફથી કેરોલીન ડી લેંગે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
નેધરલેન્ડ્સનું બેટિંગ લાઇનઅપ ધ્વસ્ત, શ્રી ચારણીની 4 વિકેટ
210 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમ ભારતીય બોલરો સામે તાસના પત્તાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી. તેમની કેપ્ટન બેબેટ ડી લીડે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા, જ્યારે હીધર સીગર્સે 21 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બોલિંગમાં શેફાલીની (Shafali Verma) 3 વિકેટ ઉપરાંત યુવા બોલર શ્રી ચારણીએ તરખાટ મચાવતા 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નંદની શર્માને 2 અને દીપ્તિ શર્માને 1 વિકેટ મળી હતી. આ શાનદાર બોલિંગના કારણે ભારતે 95 રનથી એકતરફી જીત મેળવી લીધી હતી.
