Shamlaji Temple: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં આગામી ફાગણી પૂનમના પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 3 માર્ચ, મંગળવારના રોજ ફાગણ સુદ પૂર્ણિમાની સાથે સૂર્ય ગ્રહણનો સંયોગ હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના શેડ્યૂલમાં ફેરબદલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વહેલી સવારે 5 વાગ્યે ખુલશે Shamlaji Templeના કપાટ
સામાન્ય રીતે મંદિર જે સમયે ખુલે છે તેના કરતા સૂર્ય ગ્રહણને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે મંદિર એક કલાક વહેલું એટલે કે સવારે 5:00 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. ગ્રહણના સૂતક અને શાસ્ત્રોક્ત વિધિઓને પગલે ભક્તોને દર્શનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

નવો આરતી અને દર્શનનો સમય (3 માર્ચ, મંગળવાર)
| ક્રમ | કાર્યક્રમ / વિગત | સમય |
| ૧ | મંદિર દ્વાર ખુલશે | સવારે 05:00 કલાકે |
| ૨ | મંગલા આરતી | સવારે 05:45 કલાકે |
| ૩ | શણગાર આરતી | સવારે 08:00 કલાકે |
| ૪ | રાજભોગ ધરાશે (મંદિર બંધ) | સવારે 09:00 કલાકે |
| ૫ | રાજભોગ આરતી | સવારે 09:45 કલાકે |
| ૬ | મંદિર પુનઃ બંધ થશે | સવારે 10:30 કલાકે |
| ૭ | ઉત્થાપન (મંદિર ખુલશે) | બપોરે 12:30 કલાકે |
| ૮ | સંધ્યા આરતી | બપોરે 01:30 કલાકે |
સૂર્ય ગ્રહણ અને સૂતક પાલનની વિગત
બપોરે 01:30 વાગ્યાથી રાત્રિના 08:30 વાગ્યા સુધી ઠાકોરજી આગળની ઝાળી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જોકે ભક્તો ઝાળીની બહારથી ભગવાનના દર્શનનો લ્હાવો લઈ શકશે. આ સમયગાળા દરમિયાન ગ્રહણનો પ્રારંભ બપોરે 03:20 વાગ્યે થશે અને સાંજે 06:47 વાગ્યે ગ્રહણનો મોક્ષ એટલે કે સમાપ્તિ થશે. સાંજે 06:47 કલાકે ગ્રહણ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સમગ્ર મંદિરનું શુદ્ધિકરણ અને પ્રક્ષાલન કરવામાં આવશે, અને ત્યારબાદ જ તમામ અન્ય ધાર્મિક વિધિઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
ફાગણી પૂનમે શામળાજીમાં ભક્તોનો ભારે ઘોડાપૂર ઉમટી પડતું હોય છે, ત્યારે દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને આ સમયના ફેરફારની નોંધ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો:શામળાજીમાં જન્માષ્ટમી મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી, જાણો મંદિરમાં દર્શનનો સમય
આ પણ વાંચો:શામળાજીમાં વરસાદી માહોલ, 15 દિવસના વિરામ બાદ ગાજવિજ સાથે વરસાદ
આ પણ વાંચો:શામળાજી મંદિરમાં ભગવાનને 400 ગ્રામ સોનાની પાદુકા અર્પણ કરાઈ, ભક્તની અનોખી શ્રદ્ધા

