Gandhinagar News: ગુજરાતમાં મતદારયાદી સુધારણામાં જબરદસ્ત વાત બહાર આવી છે. આ મતદારયાદી સુધારણામાં અત્યાર સુધીમાં 41 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. તેમા 20 લાખ મતદારોના નામ કાયમ માટે સ્થળાંતર થતાં દૂર કરાયા હતા, લગભગ 15 લાખ મતદારોના નામ મૃત્યુ પામેલા હોવાના કારણે દૂર કરાયા તો સાડા ત્રણ લાખ મતદારોના નામ સરનામા પર સતત ગેરહાજર રહેવાના કારણે દૂર કરાયા હતા તો અઢી લાખ મતદારોના નામ રીપીટેડ હોવાથી દૂર કરાયા હતા.
આ બતાવે છે કે ગુજરાતમાં એક સમયે 60 લાખ મતદારોનો નામ બહાર નીકળશે તેમ કહેવાતું હતું, આંકડો તેની નજીક પહોંચી રહ્યો છે. હજી તો કામગીરી ચાલુ છે અને ચોથી ડિસેમ્બર સુધી ચાલવાની છે. તે જોતાં 60 લાખ નામ કમી થાય તો આશ્ચર્ય નહીં થાય.
ગુજરાતમાં મતદારયાદી સુધારણાની કામગીરી વેગ પકડી છે અને રાજ્યમાં ગઈ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મતદાન કરનારા પાંચ કરોડથી વધુ મતદારોના ગણતરી ફોર્મનું વિતરણનું કામ પૂરુ થઈ ગયું છે. હવે ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ગુજરાતમાં ગણતરીની કામગીરીમાં ડાંગ જિલ્લો ડિજિટાઇઝેશનમાં 92.39 ટકા સાથે મોખરે છે. ગણતરીનો આગામી તબક્કો ચોથી ડિસેમ્બર સુધી ચાલશે. રાજ્યમાં આ મતદારયાદી સુધારણામાં ઉડીને આંખે વળગે તેવી વાત એવી બહાર આવી છે કે લગભગ 14.96 લાખ એટલે કે 15 લાખ મૃત્યુ પામેલા મતદારો આ યાદીમાં સામેલ હતા. હજી સુધી આ મતદારોને હટાવાયા ન હતા અને જો મતદાર યાદી સુધારણા થઈ ન હોત તો હજી પણ આ મૃતકોના નામ યાદીમાં બોલતા હોત. આમ લગભગ 15 લાખ મૃતક મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
આટલું જ નહીં 20 લાખથી પણ વધુ મતદારો કાયમ માટે સ્થળાંતર પામ્યા હોવાનું કહેવાય છે. એટલે આટલા નામ પણ બહાર થઈ ગયા. આ બતાવે છે કે આટલા મતદારો રાજ્યમાં હોવા ન છતાં પણ તે યાદીમાંથી બહાર થઈ ગયા હતા. તેની સાથે લગભગ અઢી લાખ મતદારો રીપીટેડ હતા, તેના કારણે તેમને યાદીમાંથી દૂર કરાયા હતા અને એક જ સ્થળે નામ રાખવાની ફરજ પાડવામાં આવી હતી. આ સિવાય લગભગ 3.50 લાખ મતદારો તેમના સરનામે વારંવાર ગેરહાજર જોવા મળ્યા હતા. તેની નોંધ બીએલઓએ કરી હતી. બીએલઓના જણાવ્યા મુજબ ચૂંટણીપંચે તો ત્રણ જ વખત જણાવ્યું હોવા છતાં પણ વાતની ગંભીરતા પારખીને તેઓએ મતદારના ઘરની પાંચ-પાંચ વખત મુલાકાત લીધી હતી, છતાં પણ તેઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:PM મોદી-અમિત શાહ પણ SIR ફોર્મ ભરશે, જાણો ગુજરાતમાં ક્યાં મતદાન છે?
આ પણ વાંચો:SIR પ્રક્રિયામાં દિવ્યાંગો, સિનિયર સીટીઝન અને વિચરતી તથા વિમુક્ત જાતિ માટે જિલ્લાવાર કેમ્પ યોજાશે…

