સિડની,
સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટે ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી છે.
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ચેતેશ્વર પુજારાના ૧૯૩ રનના સ્કોરે આઉટ થયા બાદ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.

જો કે આ ઇનિંગ્સ દરમિયાન પંતે પોતાના કેરિયરની બીજી સદી ફટકારી હતી. આ સાથે જ ભારતના આ વિકેટકીપર બેટ્સમેને ઈતિહાસ રચી દીધો છે.
હકીકતમાં, કેરિયરની માત્ર ૯મી ટેસ્ટ મેચ રમી રહેલા ઋષભ પંતે એ રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે આજ દિવસ સુધી કોઈ ભારતીય વિકેટકીપર બેટ્સમેન કરી શક્યો નથી.

ઋષભ પંત ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારનારો એક માત્ર ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ પોતે એમ એસ ધોની પણ કરી શક્યો ન હતો, પરંતુ પંતે સદી બનાવી ઈતિહાસ રચ્યો છે.
આ ઉપરાંત પંત SENA (સાઉથ આફ્રિકા, ઈંગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ)ની વિદેશી ધરતી પર બે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
આ પહેલા ગત વર્ષે ઈંગ્લેંડની ધરતી પર ઓવલ ટેસ્ટમાં ૧૪૬ બોલમાં ૧૧૪ રન બનાવ્યા હતા.
