મુંબઈ,
હાલમાં જ યુએઈમાં રમાયેલા એશિયા કપમાં ભારતની સીનીયર ટીમે બાંગ્લાદેશને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ જુનિયર ટીમે પણ આ કમાલ કરી બતાવ્યો છે. રવિવારે ભારતની અન્ડર ૧૯ ટીમે યજમાન બાંગ્લાદેશની ટીમને હરાવી અન્ડર ૧૯ એશિયા કપમાં ચેમ્પિયન બની છે.
અન્ડર ૧૯ એશિયા કપમાં રહ્યો મેન ઓફ ધ સિરીઝ
જો કે ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં એક ખેલાડીનો સિંહ ફાળો રહ્યો છે. આ ખેલાડીનું નામ છે યશસ્વી જયસવાલ. તેને આ ટુર્નામેન્ટમાં ૭૯.૫૦ની શાનદાર એવરેજથી કુલ ૩૧૮ રન બનાવ્યા હતા અને “પ્લેયર ઓફ સિરીઝ”નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
જો કે, આ ૧૭ વર્ષીય ખેલાડી ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જયારે ઓગષ્ટ મહિનામાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન અણનમ ૧૧૪ રન બનાવ્યા હતા. પરંતુ જોવામાં આવે તો, યશસ્વી જયસવાલનો એક ક્રિકેટર બનવાનો સફર ખુબ કઠિન રહ્યો છે અને આ આ દરમિયાન જયસવાલે જે પ્રકારનો સંઘર્ષ કર્યો છે તે એક ખુબ જટિલ છે.
૨૦૧૨માં ક્રિકેટનું સપનું લઈને પહોચ્યો મુંબઈ
હકીકતમાં, ઉત્તરપ્રદેશના ભદ્રોહીનો રહેવાસી આ યુવા ક્રિકેટર જયારે ૨૦૧૨માં ક્રિકેટનું સપનું લઈને પોતાના કાકા પાસે મુંબઈ પહોચ્યો, ત્યારે તે માત્ર ૧૧ વર્ષનો હતો. તેના કાકા પાસે એટલું મોટું ઘર ન હતું કે યશસ્વી તેઓના ઘરે રહી શકે. જો કે ત્યારબાદ તે ડેયરી દુકાનમાં રાત ગુજારતો હતો.
પોતાના ભરણપોષણ માટે વેચતો હતો પાણીપુરી
અન્ડર ૧૯ ટીમના ખેલાડી યશસ્વી જયસવાલે જણાવ્યું, “હું આ વિચારીને મુંબઈ આવ્યો હતો કે, મને મુંબઈમાંથી જ ક્રિકેટ રમવું છે. હું એક ટેન્ટમાં રહેતો હતો, જ્યાં વીજળી કે વોશરૂમ તેમજ પાણીની પણ સુવિધા ન હતી.
તેને વધુમાં કહ્યું, “પોતાના માટે બે સમય જમવા માટે ફૂડ વેન્ડરને ત્યાં કામ કરવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ રાત્રે પાણીપુરી વેચતો હતો”.
યશસ્વી જયસવાલે પોતાની સાથે થયેલી એક વાત અંગે જણાવતા કહ્યું, “હું ક્રિકેટ રમ્યા બાદ થાકી જતો હતો, ત્યારે એક દિવસે દુકાનદારે આ કહેતા મારો સામાન ફેંકી દીધો હતો કે, તે કઈ પણ કરતો નથી અને માત્ર નિદ્રામાં રહે છે”.
જીવનમાં નવો આવ્યો મોડ
જો કે ત્યારબાદ કઈક એવું થયું કે, યશસ્વીના જીવનમાં નવો મોડ આવ્યો હતો. આ સમયે કોચ જ્વાલા સિંહની નજર આ ખેલાડી પર પડી હતી. ત્યારબાદ તેઓએ પ્રતિભા પારખી હતી અને પોતાની સાથે રાખવા માંડ્યા હતા.
કોચ જ્વાલા સિંહ કહે છે કે, “૧૧-૧૨ વર્ષનો રહ્યો હશે, જયારે હું એ આ ખેલાડીને બેટિંગ કરતા જોયો હતો. તે એક ડિવિઝન બોલર વિરુધ એટલું સારું રમતો હતો કે, હું તેની રમતથી પ્રભાવિત રહ્યા વિના રહી શક્યો ન હતો.
યશસ્વી જયસવાલના કોચે વધુમાં કહ્યું, “મારા એક મિત્રએ મને બતાવ્યું હતું કે, “આ છોકરો ઘણી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે,અને હાલમાં કોઈ કોચ તેની પાસે નથી. તેના માતા અને પિતા પણ અહિયાં રહેતા નથી”.
ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે આ ખેલાડીને કોઈ રોકી શકશે નહિ
આ અન્ડર ૧૯ ખેલાડીના કોચે એ પણ દાવો કર્યો છે કે, “ડાબા હાથના બેટ્સમેન યશસ્વીએ છેલ્લા ત્રણ વર્ષમાં ૫૧ સદી ફટકારી છે અને પોતાના લેગ સ્પિન બોલિંગ દ્વારા ૩૦૦થી વધુ વિકેટ પણ ખેરવી છે. આ પરફોર્મન્સને જોતા તેઓનું માનવું છે કે, યશસ્વી જો આ જ પ્રકારે મોટી ટુર્નામેન્ટમાં રન બનાવતો રહેશે તો ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવવા માટે આ ખેલાડીને કોઈ રોકી શકશે નહિ”.
યશસ્વી જયસવાલના અત્યારસુધીના ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો, તેને ક્યારેય પાછા વળીને જોયું નથી. યશસ્વીએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું નામ શામેલ કરાયું છે, જયારે અન્ડર ૧૪ની એક મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા અણનમ ૩૧૯ રન અને ૧૩ વિકેટ ઝડપી હતી.
ત્યારબાદ જાઈલ્સ શિલ્ડમાં રાજા શિવાજી વિદ્યામંદિર વિરુધ તેના સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સને જોતા તેની પસંદગી મુંબઈ અન્ડર ૧૯ ટીમમાં થઇ હતી અને પછીથી ભારતીય અન્ડર ૧૯ ટીમમાં પણ થઇ હતી.