Lifestyle: આપણે બધા જ અઠવાડિયામાં એક વખત તો ચણાનું શાક બનાવતા જ હોઇએ છીએ, પણ અંકુરિત ચણા (Sprouted Chickpeas) કેટલી વાર ખાઇએ છીએ? ઘણી ઓછી માત્રામાં ફણગાવેલા કઠોળ (Sprouts)નો ઉપયોગ થતો જોવા મળે છે. અંકુરિત કઠોળ ખાવાના અનેક સ્વાસ્થ્યલાભ (Health Benefits) છે અને એનાથી આપણી તંદુરસ્તી પર હકારાત્મક અસરો થઇ શકે છે.
ચણામાં પ્રોટીન (Protein) સહિત અનેક પોષક તત્વો (Nutrition)ની માત્રા ભરપૂર જોવા મળે છે, જે તમારી સમગ્ર હૅલ્થને સુધારવામાં ઘણી કારગર સાબિત થાય છે. જો ચણાનું સેવન સાચી રીતે અને યોગ્ય માત્રામાં કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને ઉદભવતા એ રોકી શકે છે. સવારના નાસ્તા (Breakfast) માટે ઉત્તમ એવા પોષક તત્વોથી સભર અંકુરિત ચણાના સ્વાસ્થ્યલાભ અને એની ચટપટી રેસિપી (Tasty Recipe) વિશે ચાલો, હવે વિસ્તૃત રીતે જાણીશું…

સ્વાસ્થ્ય માટે ઉત્તમ વરદાન
જો તમે સવારના નાસ્તામાં અંકુરિત ચણાનું સેવન કરશો તો નિ:શંકપણે પોતાને આખો દિવસ ઊર્જા (Energy)થી તરબતર મહેસૂસ કરશો. વજન ઘટાડવા ઇચ્છતા લોકોને પણ એમની ડાયેટ જર્ની (Diet Journey)માં આ આહાર મદદરુપ સાબિત થાય છે. અંકુરિત ચણામાંથી પ્રાપ્ત થતા ઘટકો આપણા લોહીના દબાણને નિયંત્રિત (BP Control) કરવામાં પણ ઘણા સહાયક સિદ્ધ થાય છે. પાચન (Digestion) સુચારુ બનાવવા માટે પણ એનું સેવન ઉત્તમ ગણાય છે.

ફણગાવેલા ચણા શી રીતે બનાવશો?
રાત્રે સૂતા પહેલા ચણાને બે વાર ધોઇને પાણીમાં પલાળી દેવા. 6 થી 7 કલાક સુધી પલાળી રાખવા જરુરી છે. ત્યારબાદ, આ ચણાને 2 દિવસ સુધી સુતરાઉ કપડામાં બાંધીને રાખી મુકવા. એટલા સમયમાં એ સારી રીતે અંકુરિત થઇ જશે અને એમાંથી ફણગા ફૂટી જશે.
ફણગાવેલા ચણાની ચટપટી બનાવવા માટે તમને વધારે વસ્તુઓની જરુર નહિં પડે અને વધારે સમય પણ નહિં લાગે! આ રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.
સામગ્રી
2 કપ ફણગાવેલા ચણા
1 બારીક સમારેલું ટમેટું
1 બારીક સમારેલી ડુંગળી
2 ઝીણા સમારેલાં મરચાં
ઝીણી સમારેલી કોથમીર
1 ઇંચ આદુનો ટુકડો
સ્વાદાનુસાર સંચળ
ચાટ મસાલો
લીંબુનો રસ
પનીરના નાના કયુબ્સ
બનાવવાની વિધિ
અંકુરિત થયેલા ચણાને બારીક સમારેલી ડુંગળી, ટમેટા, લીલા મરચાં, કોથમીર, છીણેલું આદુ અને નાના કયુબ્સમાં કાપેલું પનીર મિક્સ કરી લો. આ મિશ્રણમાં લીંબુનો રસ, સંચળ અથવા ચાટ મસાલો ભભરાવવો. તમારી હૅલ્ધી અને ચટપટી ફણગાવેલા ચણાની રેસિપી તૈયાર છે!
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? ઝટપટ બનાવો દહીં વાળા મસાલા બટાટાની ચટપટી રેસિપી…
આ પણ વાંચો:મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!
આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…
