Gandhinagar News: વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavalia)એ જણાવ્યું કે અત્યાર સુધીમાં રાજ્યનાં કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે.
જે અંતર્ગત, જૂથ યોજનામાં લગભગ તમામ ગામોની ઓકટોબર-2022 સુધીમાં આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેતાં કામોમાં પણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કામગીરી હાલ ચાલુ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
‘જલજીવન’ મિશન અંતર્ગત ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય રહેલું છે.
આ અંગે મંત્રીએ કહ્યું કે 15મી ઓગષ્ટ, 2019ના રોજ વડાપ્રધાને જળશકિત મંત્રાલય-જલ જીવન મિશન, ‘નલ સે જલ’ યોજના (Nal Se Jal) ની જાહેરાત કરી, તે પહેલાં રાજ્યમાં આંતરિક પેય જળ વ્યવસ્થા, સેક્ટર રિફોર્મ પાયલોટ પ્રોજેકટ અને વર્ષ-2002માં આંતરિક પેય જળ વ્યવસ્થાના ભાગરૂપે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ની રચના કરી, ગ્રામ પંચાયત સુધીની વિવિધ વ્યવસ્થા કરી હતી.
ત્યાર બાદ, 10 ટકા લોકભાગીદારીથી સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અને વર્ષ-2012 થી 2019 સુધી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજનાની નવી ગાઈડલાઈન સાથે વાસ્મો મારફતે સમગ્ર રાજ્યમાં કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારે રાજ્યના કુલ 91લાખ ઘર પૈકી 65 લાખ ઘર, એટલે કે 71 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જ્યારે 2019થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-2024 સુધીમાં બાકીનાં 26 લાખ ઘરોમાં પણ નવા નળ કનેકશન (Tap Connections) આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે કુલ ખર્ચના10 ટકા લોકફાળા રૂપે એકત્ર કરવામાં આવતાં, પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે બાકી રહી ગયેલા, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં, જ્યાં પંચાયત/પાણી સમિતિની આર્થિક સ્થિતિ નબળી હોય, તેવા આદિજાતિ વિસ્તારો માટે 10 ટકા લોકફાળો રાજ્ય સરકારે ભોગવી આ કામગીરી કરવામાં આવી છે.
એટલું જ નહીં, આદિજાતિ વિસ્તારોમાં ઘરો છૂટાછવાયા હોઈ, શરૂઆતમાં 20 ઘરોનું કલ્સ્ટર બનાવીને અને છેલ્લે 10 ઘરોના કલ્સ્ટરને જોડીને પણ ‘નલ સે જલ’ હેઠળ આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી કરી છે. ઉપરાંત, પાણીના સોર્સને ટકાઉપણા માટે જૂથ યોજનાઓના મજબૂતીકરણ અને સરફેસ સોર્સ માટે બલ્ક પાઈપ લાઈનના કામો હાથ ધરવામાં આવી છે.
‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મળેલ ફરિયાદો અંગેની કાર્યવાહી વિશે માહિતી આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં કુલ 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે ઘરે નળ માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી અંગેની ફરિયાદો અંગે 630 ગામમાં તપાસ કરાતાં અનિયમિતતાઓ ધ્યાને આવતાં 112 એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવેલ છે. જ્યારે 122 એજન્સી તેમજ 41 પાણી સમિતિ સામે રિકવરીના આદેશ કરીને આજ દિન સુધીમાં રૂ. 2.97 કરોડની વસૂલાત કરવામાં આવી છે. તદુપરાંત, 12 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ
આ પણ વાંચો:રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ: મુકેશ પટેલ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-2025નું ઉદ્ઘાટન
