Gandhinagar News: ગાંધીનગરમાં સરકારી ખર્ચમાં કાપ (Cost Cutting) ના સરકારે આદેશ આપ્યા છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે. ઇંધણ બચત માટેના નવા નિયમો અમલમાં આવશે. અધિકારીના વિદેશ પ્રવાસ પર નિયંત્રણ રહેશે. સરકારી વાહનોના ઉપયોગમાં પણ કાપ મૂકવાની સૂચના છે. ઓનલાઇન મીટિંગને પ્રાધાન્ય આપવાની પણ સરકારે સૂચના આપી છે.
જાહેર પરિવહન-ઇવીનો ઉપયોગ કરવાની સૂચના
આ ઉપરાંત જાહેર પરિવહન (Public Transport) અને ઇવી (EV)ના ઉપયોગ પર ભાર મૂકવા સૂચના આપવામાં આવી છે. સરકારી બેઠકો ઓનલાઇન માધ્યમથી કરવા સૂચના અપાઈ છે. તેની સાથે વધારાના સરકારી વાહનો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના બચત અને ખર્ચ નિયંત્રણ માટે સૂચના આપવામાં આવી છે.
પીએમ મોદીએ કરી ઇંધણ બચાવવા અપીલ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડીયુદ્ધના કારણે ઇંધણના ભાવ સળંગ ત્રણ મહિનાથી ઊંચા રહેવાની વૈશ્વિક કટોકટીના પગલે લોકોને ઇંધણનો ઉપયોગ સંયમપૂર્વક કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત તેની જરૂરિયાતના 88 ટકા ઇંધણની આયાત કરે છે, ભારત પાસે પેટ્રોલ-ડીઝલના કૂવા નથી. તેથી તેમણે પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવા અને બને તેટલો જાહેર પરિવહનનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.
આના પગલે ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલે તેમના કાફલાની ગાડીઓની સંખ્યા ઘટાડી નાખી છે. તેની સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ તેમનું અનુસરણ કર્યુ છે. તેની સાથે મંત્રીઓને મળતો ગાડીઓનો કાફલો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સરકારી અધિકારીઓને સરકારી ગાડીનો પણ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવા માટે જણાવાયું છે. સામાન્ય પ્રજાને કારપૂલિંગની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવનાં કારણે લોકોએ જીવન જરૂરિયાત વસ્તુઓ પર મુક્યો કાપ
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી પણ વધારો થવાની દહેશત, રાંધણ ગેસના બાટલાની તૈયારી
આ પણ વાંચો: ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર રાજ્ય સરકારની વિચારણા, પેટ્રોલ-ડીઝલ બચાવવા થશે બેઠક
