શરદ ઋતુમાં આકાશ સ્વચ્છ હોય છે. રાત હવે વહેલી પડવાની શરૂ થઈ છે. થોડા દિવસો પહેલાં સુધી સાત વાગ્યા સુધી અજવાળું રહેતું હતું તેના બદલે હવે વહેલું અંધારું થવા લાગ્યું છે. જ્યારે ઋતુ બદલાય છે ત્યારે શરીરમાં ફેરફાર આવતા હોય છે. ઠંડી શરૂ નથી થઈ પરંતુ ઠંડો પવન રાત્રે અને સવારે વહેતો હોય છે. પરંતુ ગરમી હજુ ઉનાળા જેવી જ પડે છે.
આવી ઋતુમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું પડે. તેમાંય શરદ ઋતુ તો બીમારીની ઋતુ જ કહેવાય છે અને એટલે જ તો આપણાં હિન્દુ શાસ્ત્રોમાં શતમ્ જીવ શરદઃના આશીર્વાદ આપવાનું કહેવાયું છે.
શરદ ઋતુમાં પિત્ત (એસિડ) વધી જાય છે. આપણું લોહી પણ પહેલાંની સરખામણીમાં ગંદુ થઈ જાય છે. આથી આ ઋતુમાં તાવ, ઉલટી, ખંજવાળ, ચર્મ રોગ થવા અથવા વકરવાની સંભાવના વધુ હોય છે. આથી ખાણીપીણીમાં ફેરફાર જરૂરી છે.
લસણ, રીંગણાં, કારેલા, મરી, સરસવનું તેલ, અડદની દાળ, કઢી વગેરે ન ખાવાં. છાશ પણ તાજી અને મોળી પીવી અને તેમાંય મીઠું, ધાણાજીરું વગેરે નાખીને પીવો તો વધુ સારું.
ગરમ પડે તેવા, કડવા અને ચટપટા ખાદ્ય પદાર્થો ન લો તો વધુ સારું.
ઘઉં, જવ, જુવાર, મસૂર, મગની દાળ, ગાયનું દૂધ, માખણ, ઘી, મલાઈ, શ્રીખંડ વગેરે લઈ શકો છો. શાકમાં ચોળી, દૂધી, પાલક, પરવળ, ફ્લાવર વગેરે ખાઈ શકાય. ફળોમાં આમળાં, સફરજન, સિંગોડા, કેળાં, દાડમ વગેરે લઈ શકાય.
ઉપરાંત સવારે ખીર ખાવી સારી. ઘી પણ ખાવું જોઈએ કારણ કે ઘી પિત્તને શાંત કરે છે. આ ઋતુમાં પેટ સાફ કરવા હરડે લઈ શકાય.
દિવસે સૂવાનું અને રાત્રે જાગવાનું ટાળવું. જોકે અત્યારે વિવિધ કારણોસર દિનચર્યા જ એવી બની ગઈ છે કે રાત્રે સૂતાં સૂતાં બાર તો વાગી જ જાય છે, પરંતુ પ્રયત્ન કરવા જોઈએ કે રાત્રે ૧૦ આસપાસ સૂવાનું થઈ જાય