Ahmedabad News/ વિદ્યાર્થીઓને સરકારી નોકરીનું સપનું બતાવી 4.48 લાખ પડાવ્યા! ગુજરાત કોલેજનો પૂર્વ PTI અંજારથી ઝડપાયો

Air Force માં નોકરી અપાવવાની લાલચ આપી ગુજરાત કોલેજના પૂર્વ PTIએ વિદ્યાર્થીઓ સાથે કરી ઠગાઈ. 4.48 લાખથી વધુની ઠગાઈના કેસમાં એલિસબ્રિજ પોલીસે આરોપીની અંજારથી કરી ધરપકડ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Air Force

Ahmedabad News: ગુજરાત કોલેજમાં પૂર્વ PTI તરીકે કામ કરી ચૂકેલા પ્રજ્ઞેશ હનુભા બારહટે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી (Air Force Job Scam) હોવાનું સામે આવ્યું છે. આરોપીએ વિદ્યાર્થીઓ પાસેથી 4.48 લાખથી વધુની રકમ પડાવી હતી. એલિસબ્રિજ પોલીસે તેને અંજારથી ઝડપી પાડ્યો છે.

Air Forceમાં વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી ઠગાઈ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 41 વર્ષીય પ્રજ્ઞેશ હનુભા બારહટે (Pragnesh Hanubha Barhate)ચાલુ વર્ષના માર્ચ દરમિયાન એલિસબ્રિજ સ્થિત ગુજરાત કોલેજ (Gujarat College)માં ફિઝિકલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન તેનો વિદ્યાર્થીઓ સાથે સંપર્ક થયો હતો.

રમતગમત અને સરકારી નોકરીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને આરોપીએ પોતાની ઉચ્ચ સ્તરે ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે એરફોર્સમાં ભરતી કરાવવાની અને ક્રિકેટ ટીમમાં સિલેક્શન અપાવવાની વાત કરીને પૈસાની માંગણી શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને સરકારી નોકરીનું સપનું બતાવીને તેમની પાસેથી અલગ-અલગ રકમ લેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટ, ગાંધીનગર અને કચ્છ સુધી ફેલાવી ઠગાઈની જાળ

તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીએ અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, કચ્છ અને રાજકોટમાં પણ વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો હતો. ગાંધીનગરના ઈન્ફોસિટી, કચ્છના નખત્રાણા તેમજ રાજકોટના બી-ડિવિઝન અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station)વિસ્તારના વિદ્યાર્થીઓ પણ તેની જાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધીની તપાસ મુજબ આરોપીએ વિવિધ વિદ્યાર્થીઓ પાસેથી કુલ 4.48 લાખ જેટલી રકમ મેળવી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી નોકરીની જાહેરાતો જોઈને તે ઉમેદવારોનો સંપર્ક કરતો અને પોતાની ઓળખાણથી નોકરીનું સેટિંગ કરાવી આપવાની વાત કરતો હતો. વિદ્યાર્થીઓ પૈસા પરત ન માગે તે માટે તેણે નોકરી છોડ્યા બાદ વારંવાર મોબાઈલ નંબર બદલ્યા હતા. આ કારણે પોલીસ માટે પણ તેને શોધી કાઢવાનો પડકાર ઊભો થયો હતો.

અંજારથી ઝડપાયો, અગાઉ પણ છેતરપિંડીના કેસ

એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ બારહટ અંજાર વિસ્તારમાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે 21 ઓગસ્ટે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી સામે રાજકોટ બી-ડિવિઝન, ગાંધીનગર ઈન્ફોસિટી, કચ્છના નખત્રાણા અને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. ઉપરાંત અંજાર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.

હાલ એલિસબ્રિજ પોલીસે (Ellisbridge Police)ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ મેળવી તેની પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ તેની ઠગાઈનો ભોગ બન્યા છે અને કુલ કેટલી રકમ પડાવવામાં આવી છે.


આ પણ વાંચો:સુરતમાં દંપતીએ રૂ. 15.57 કરોડની ઠગાઈ આચરી

આ પણ વાંચો: અમદાવાદમાં ‘બંટી-બબલી’ જેવો પરિવાર ઝડપાયો: બિલ્ડર બનવાનો ઢોંગ કરી જ્વેલર્સ સાથે ₹4.45 કરોડની ઠગાઈ

આ પણ વાંચો: અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે ₹4.77 લાખની ઠગાઈ, વડોદરાના કન્સલ્ટન્સી સંચાલક સામે ફરિયાદ