રાજકોટ/ બક્ષીપંચ સમાજના ઉમેદવારોને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર માટે મામલતદારની કચેરીમાં કરવાની રજૂઆત

પંચાયત વિભાગની ખૂબ જ મોટી ભરતીના કારણે યુવાનોને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્રની જરૂરિયાત રહે છે.

Gujarat

હાલમાં રાજ્ય સરકારશ્રી દ્વારા શરૂ કરાયેલ વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા અનુસંધાને રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવે બક્ષીપંચ સમાજના ઉમેદવારોને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર રાજકોટ શહેરની તમામ મામલતદારની કચેરીમાં મળી શકે તેવી વ્યવસ્થા કરવા કલેકટર અરુણ મહેશ બાબુને એક પત્ર પાઠવી રજૂઆત કરેલ છે. આ સંદર્ભે મેયરએ કલેકટરસાથે ટેલીફોનીક વાતચીત કરી પ્રવર્તમાન ઉપરોક્ત પરિસ્થિતિમાં ઉમેદવારોની સરળતા માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા અંગે ચર્ચા પણ કરી હતી.

કલેકટરને પાઠવેલા પત્રમાં મેયરડૉ. પ્રદિપ ડવે એવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ યુવાનોને રોજગાર મળી શકે તે દિશામાં નિર્ણય કરવામાં આવી રહેલ છે. તાજેતરમાં જ પંચાયત વિભાગમાં ખૂબ જ મોટી ભરતી કરવાની જાહેરાત આવેલ છે તેમજ અન્ય વિભાગોમાં પણ ભરતીની જાહેરાત પણ આવતી રહે છે.

પંચાયત વિભાગની ખૂબ જ મોટી ભરતીના કારણે યુવાનોને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્રની જરૂરિયાત રહે છે. જેથી નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર માટે બહુમાળી ભવનમાં આવેલ જનસેવા કેન્દ્ર પર પ્રમાણપત્ર કઢાવવા ખૂબ જ ઘસારો જોવા મળેલ. જેના અનુસંધાને દૈનિક પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આ અંગે સમાચારો પ્રસિદ્ધ થયેલ છે.

સરકારદ્વારા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર આપવાની સતા મામલતદારઓને પણ આપવામાં આવેલ છે. જેથી મામલતદાર કચેરી હસ્તકના જનસેવા કેન્દ્રમાં પણ નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે તો યુવાનોને ભોગવવી પડતી હાલાકીનો ઉકેલ લાવી શકાય. ઉપરોક્ત હકીકત ધ્યાનમાં લઈ બક્ષીપંચના ઉમેદવારોને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર શહેરની તમામ મામલતદાર કચેરીએ કાઢી આપવાની વ્યવસ્થા થાય તો ખૂબ જ સરળતા રહેશે .

ઝોન વાઈઝના કારણે ઘસારો પણ ખૂબ જ ઓછો થશે તેમજ મામલતદાર કચેરીએ આવકના દાખલા પણ કાઢી આપવામાં આવે છે. જેથી જુદીજુદી કચેરીઓએ ધક્કા ખાવા ન પડે સબબ શહેરની તમામ મામલતદાર કચેરીઓએ નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર કાઢી આપવાની વ્યવસ્થા માટે સંબંધક અધિકારીને સુચના આપવા મેયરશ્રીએ કલેકટરશ્રીને અનુરોધ કરેલ છે