Surat News/ સુમુલ ડેરીના સુકાની માટે 17 ઓગસ્ટે ચૂંટણી: પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે ફોર્મ ભરાશે, ભાજપ પેનલમાં લોબિંગ તેજ

સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે 17 ઓગસ્ટે ચૂંટણી (Sumul Dairy Election 2026) યોજાશે. આજે બપોરે 12 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરાશે. ભાજપ પ્રેરિત પેનલના 15 સભ્યો ચૂંટાઈ આવતા હવે બંને મહત્વના હોદ્દા માટે કોને મેન્ડેટ મળશે તેના પર સૌની નજર છે. સિનિયર નેતાઓ વચ્ચે લોબિંગ પણ તેજ બન્યું છે.

Top Stories Gujarat Surat Breaking News
Sumul Dairy Election 2026: 17 ઓગસ્ટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી, ભાજપ પેનલમાં લોબિંગ તેજ

Surat News: સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો સાથે સીધા જોડાયેલી સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી (Sumul Dairy Election 2026)ને લઈને રાજકીય અને સહકારી ક્ષેત્રમાં હલચલ તેજ બની છે. સુમુલ ડેરીના બંને મહત્વના હોદ્દા માટે 17 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 12 વાગ્યાથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

સુમુલ ડેરીના બોર્ડમાં ભાજપ પ્રેરિત પેનલના 15 સભ્યો ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોને મેન્ડેટ આપવામાં આવશે તેના પર સૌની નજર છે. પ્રદેશ ભાજપ મોવડી મંડળ દ્વારા બંને હોદ્દા માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવનાર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ભાજપ પ્રેરિત પેનલનો બોર્ડમાં દબદબો

સુમુલ ડેરીની સ્થાપનાના 75મા વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણી (Sumul Dairy Election 2026)માં ભાજપ (BJP) પ્રેરિત પેનલે નોંધપાત્ર સફળતા મેળવી છે. બોર્ડની કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે બાકીની 9 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ભાજપ પ્રેરિત પેનલે 8 બેઠકો પર જીત મેળવી હતી.

મૌવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલ (Dhananjay Patel) ભાજપના ઉમેદવાર જીગર નાયક (Jigar Nayak)ને હરાવીને એક બેઠક પોતાના નામે કરી હતી. પરિણામે ભાજપ પ્રેરિત પેનલ પાસે કુલ 15 સભ્યોનું સમર્થન હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ, ચૂંટણી (Sumul Dairy Election 2026) પરિણામ બાદ સુમુલ ડેરીના બોર્ડમાં કોંગ્રેસ (Congress)નું પ્રતિનિધિત્વ રહ્યું નથી. આ સાથે બોર્ડની રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે લોબિંગ શરૂ

હવે બોર્ડની ચૂંટણી (Sumul Dairy Election 2026) બાદ સૌથી વધુ ચર્ચા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીને લઈને થઈ રહી છે. બંને મહત્વના હોદ્દા મેળવવા માટે ભાજપ પ્રેરિત પેનલના નેતાઓ અને સમર્થકોમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ હોવાનું સહકારી ક્ષેત્રમાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રમુખ પદ માટે કેટલાક સિનિયર અને જૂના નેતાઓ દ્વારા ભાજપના મોવડી મંડળ સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે પણ વિવિધ નામોને લઈને ચર્ચા ચાલી રહી છે.બંને પદ માટે અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. તેથી આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ આગામી દિવસોમાં રાજકીય સમીકરણો વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.

લાખો પશુપાલકોના હિત સાથે જોડાયેલા નિર્ણયો

સુમુલ ડેરી માત્ર દૂધના વ્યવસાય સાથે જોડાયેલી સંસ્થા નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના મોટી સંખ્યામાં પશુપાલકોની આર્થિક વ્યવસ્થા સાથે તેનો સીધો સંબંધ છે. ડેરીના વહીવટ, દૂધ ઉત્પાદકોને મળતા ભાવ, ભાવફેર, પશુપાલકોના હિતના નિર્ણયો તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ભૂમિકા મહત્વપૂર્ણ રહે છે.આ કારણે સુમુલ ડેરીના આગામી સુકાની તરીકે કોની પસંદગી થાય છે તેના પર પશુપાલકો ઉપરાંત સહકારી અને રાજકીય ક્ષેત્રની પણ નજર છે.

Sumul Dairy Election 2026: 17 ઓગસ્ટની ચૂંટણી પર સૌની નજર

સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી (Sumul Dairy Election 2026) 17 ઓગસ્ટે યોજાવાની છે. આજે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ બંને પદ માટેની દાવેદારીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે.ભાજપ પ્રેરિત પેનલ પાસે બોર્ડમાં સ્પષ્ટ બહુમતી હોવાથી હવે મોવડી મંડળ કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે તે મહત્વનું બની રહેશે. સુમુલ ડેરીના નવા સુકાનીની પસંદગી દક્ષિણ ગુજરાતના સહકારી અને રાજકીય વર્તુળોમાં આગામી દિવસોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની રહે તેવી શક્યતા છે.


આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી; મહુવામાં અપક્ષે સર્જ્યો અપસેટ

આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણી 2026: 9 બેઠકો પર મતદાન 15 જુલાઈએ, 17 જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપ સામે બળવો: જયેશ દેલાડે ‘સહકાર પેનલ’ જાહેર કરી, મેન્ડેટ પ્રથા સામે ઉઠાવ્યા સવાલ