Ahmedabad News : સુનિતાની સલામત વાપસી માટે તેના પિતરાઈ ભાઈે મહાનૃત્યુંજયના પાઠ કર્યા હતા. તેના અમદાવાદી ભાઈે સુનિતાનો બીજો જન્મ હોવાનું કહીને બહેન પર ખૂબ જ ગર્વ હોવાનું કહ્યું હતું.સતત આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં 9 મહિના અને 13 દિવસ સુધી સતત રહ્યાં બાદ સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મર સહિત અન્ય બે અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત આવી ચૂક્યા છે. સુનિતા વિલિયમ્સ અને તેના સાથી મિત્રો પૃથ્વી પર ભારતીય સમય પ્રમાણે રાત્રે 3 કલાકને 27 મિનિટે પહોંચ્યા હતા.
17 કલાકની સફર બાદ સુનિતા વિલિયમ્સ અને તેના અન્ય ત્રણ સાથી અવકાશયાત્રીઓએ પૃથ્વી પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ દરમિયાન અમદાવાદમાં રહેતાં સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ અને તેમનો પરિવાર નાસા દ્વારા કરવામાં આવેલા પ્રસારણને લાઈવ નિહાળી રહ્યા હતા.
સુનિતા વિલિયમ્સના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે કહ્યું, જ્યારે સુનિતાને પરત લાવવા માટેની તૈયારી થઈ હતી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ હતી. પરંતુ છેલ્લા 24 કલાક હું ખૂબ જ ચિંતિત હતો. આ સમયે હું ભગવાનનાં દર્શન કરવા અને પ્રાર્થના કરવા માટે મંદિરમાં પણ ગયો હતો અને ઘરે પણ અખંડ દીવો પ્રગટાવ્યો હતો. પરિવારજનો પણ ચિંતામાં જ હતાં. કેમ કે અગાઉ કલ્પના ચાવલાનો દુઃખદ પ્રસંગ બની ગયો હતો એટલે વારંવાર કલ્પના ચાવલાનું દૃશ્ય સુનિતા વિલિયમ્સ માટે પણ યાદ આવતું હતું.
વધુમાં તેમણે કહ્યું, સુનિતા વિલિયમ્સને જેવી જ બહાર નીકળતા જોઈ તો અમારી ખુશીનો પાર ન રહ્યો અમે તેને ગુલાબની પાંખડીઓથી આવકારી અને સાથે જ પરિવારના સભ્યોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. અમે અમારા ઘરની બહાર પણ આસોપાલવનું તોરણ લગાવ્યું છે કેમ કે, હિન્દુ ધર્મના રીતિરિવાજ પ્રમાણે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હું તો આખા દિવસ દરમિયાન મહામૃત્યુંજયના જાપ કરી જ રહ્યો હતો. ભારતની દીકરીએ વિશ્વમાં નામ રોશન કર્યું છે તેનાથી એક પરિવારજન તરીકે ખૂબ જ ખુશી છે. અમારા ગામમાં પણ ખુશીનો માહોલ છે આજે ગામમાં પણ રેલી નીકળવાની છે.
નેશ રાવલે કહ્યું, ટ્રમ્પ અને મસ્ક સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ સુનિતાને પાછા લાવ્યા અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમને અમારી બહેન પર ખૂબ જ ગર્વ છે.પરિવારના પ્રજ્ઞાબેને કહ્યું, સુનિતા વિલિયમ્સ 9 મહિના સુધી સ્પેસમાં રહ્યાં હતાં જેના કારણે અમને પણ ડર, ચિંતા અને ભય રહ્યો હતો. સાથે એ પણ વિશ્વાસ હતો કે તેઓએ મહેનત કરી છે એટલે તેઓ ચોકક્સપણે પાછા તો આવી જ જશે. અમે લોકો જેવું જ લાઈવ શરૂ થયું એટલે ટીવીની સામે જ બેસી ગયાં હતાં અને બસ એ સહીસલામત પાછા આવી જાય તેવી પ્રાર્થના પણ કરી રહ્યાં હતાં. અમારા પરિવારની દીકરી માટે આજે આખું વિશ્વ ગૌરવ અનુભવી રહ્યું છે. આજ મહિનામાં મહિલા દિવસની ઉજવણી કરી છે સાચા અર્થમાં તેમના આ સાહસની સૌને ગિફ્ટ આપી છે.
પરિવારના કર્મ વ્યાસે કહ્યું કે અમે ખૂબ ચિંતામાં હતા, કેમકે તેઓ 9 મહિનાથી અવકાશમાં હતાં. પરંતુ તેઓ પૃથ્વી પર સુરક્ષિત રીતે પહોંચ્યા એ લાઈવ અમે જોયું ત્યારે અમે ખુશી અનુભવી. અમે સુનિતા વિલિયમ્સ પરત આવતા ઘરમાં ફૂલની વર્ષા કરી, એકબીજાને મીઠાઈ ખવડાવી, આજે અમે ખૂબ ખુશ છીએ.તેજસ રાવલે કહ્યું, જેવું જ નાસા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું ત્યારથી જ અમે લાઈવ જોવાનું શરૂ કર્યું હતું. ભગવાનને બસ એક જ પ્રાર્થના કરતાં હતા કે બસ તે સારી રીતે પરત આવી જાય. જ્યારે અમે તેમને બહાર આવતાં જોયાં ત્યારે ખૂબ જ ખુશી થઈ અને પ્રાઉડ ફીલ થયું.
મૂળ ઝુલાસણના અને હાલમાં અમદાવાદમાં રહેતાં રજની પટેલે કહ્યું, હાલમાં જે ખુશી થઈ રહી છે એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સુનિતા વિલિયમ્સ હિન્દુ ધર્મમાં ખૂબ જ આસ્થા રાખે છે એટલા જ માટે તે તેમની સાથે ગીતાનું પુસ્તક પણ લઈને ગયાં હતાં. આ બધી ભગવાનની જ મહેરબાની છે. સુનિતા વિલિયમ્સ પાછાં આવ્યાં છે ત્યારે એવું લાગે છે કે તેમનો આજે બીજો જન્મ થયો છે. ખરેખર ભગવાનની મહેરબાની જ છે.
દિનેશ રાવલે કહ્યું, અત્યારે સુનિતા વિલિયમ્સ પરત આવવા માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરથી નીકળી ચૂક્યાં છે. એક તરફ મનમાં ખૂબ જ ખુશી થઈ રહી છે. અત્યારસુધી ખરેખર મનમાં મને સાચાં-ખોટાં સપનાં આવી રહ્યાં હતાં. વચ્ચે તો એવું પણ થઈ રહ્યું હતું કે આ સરકાર પ્લેન નહીં મોકલે અને અનેક પ્રશ્નો થતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અમે તેમને પરત લાવવા માટે રજૂઆત કરી હતી. હાલમાં ટ્રમ્પ સરકાર તેમને સફળતાપૂર્વક લાવવા પ્રયત્ન કરી રહી છે, એ ખૂબ જ આનંદની વાત છે.જ્યાં સુધી તે સફળતાપૂર્વક નીચે નહીં આવે ત્યાં સુધી આનંદ કરતાં ચિંતાનું વાતાવરણ ખૂબ જ છે. કોઈ કહે કે હસો તો હસીએ છીએ, પણ એ અંદરથી હસાતું નથી.
સુનિતા ખૂબ જ સાહસિક છે. મને અમારા દોલો માતાજી પર વિશ્વાસ છે. સુનિતાને સુરક્ષિત રીતે 19 તારીખે ધરતી પર લાવી દીધી. સુનિતા વિલિયમ્સ પરત આવી જાય એ પછી તે 100 ટકા ભારતમાં અને અમારા ગામમાં દોલો માતાનાં દર્શન કરવા આવશે. જો એ નહીં આવે તો હું તેને કહીશ કે તારે અહીં આવવું જ પડશે. અહીં દર્શન કરીને તરત જતી રહેજે.બાળપણના પ્રસંગ અંગે વાત કરતાં દિનેશ રાવલે કહ્યું, 1958 સુધી સુનિતા વિલિયમ્સના પિતા ભારતમાં રહેતા હતા.
તેમના પિતાનો અભ્યાસ ભારતમાં જ થયો હતો અને ત્યાર બાદ તેઓ ડોક્ટર બન્યા હતા. ત્યાર બાદ આઈઝન હોવર સ્કીમ હેઠળ સુનિતાના પિતા અમેરિકા ગયા હતા, જ્યાં તેઓ અમેરિકાની હોસ્પિટલમાં નોકરી સાથે અભ્યાસ કરતા હતા. આ દરમિયાન તેમના લગ્ન થયા હતા. એ બાદ તેમને ત્રણ બાળકો થયાં હતાં, જેમાં બે દીકરી અને એક દીકરાનો જન્મ થયો હતો.
‘સુનિતા વિલિયમ્સના જન્મ પછી તેઓ ઘણીવાર ભારત આવી ચૂક્યાં છે. તેઓ જ્યારે પણ ભારત આવે એટલે અમારા ઘરે જ રોકાતાં હતાં. લગભગ સુનિતા પાંચેક વર્ષની હશે ત્યારે તેનું ફેમિલી ભારતમાં અમારા ત્યાં આવ્યું હતું. આ સમયે અમે તેને ઊંટ અને બળદગાડા પર બેસાડી હતી. આવા સમયે એવું બન્યું કે બળદગાડામાંથી બધા ઊતર્યાં એ પછી તે ત્યાં બેઠી હતી. ગાડાને કેવી રીતે ચલાવાય એ તેણે જોયું એટલે તેણે પણ બળદની જે રાસ(દોરડું) આવે એને ખેંચ્યું એટલે ગાડું ચાલવા માંડ્યું અને બધા ચિંતામાં આવી ગયા, પણ તે તો હસતી હતી. આ તો સારું થયું કે ગાડાના માલિકે સમયસર ગાડું રોકી લીધું.’
આ જ દિવસે અમે સરસ મજાના શણગારેલા ઊંટ પર બેસાડી હતી. તેને એટલી મજા આવી કે ગમે તેટલા પ્રયત્ન કરીએ… તે ઊતરે જ નહીં. બહુ પ્રયત્ન કર્યા તો તે ઊંટના ગળે લટકી ગઈ એટલે પાછા અમે ચિંતામાં આવી ગયા કે હવે મુશ્કેલી ઊભી થશે, પણ છતાં તેને કોઈ ડર કે ગભરામણ નહોતી, એટલે એ નાનપણથી જ સાહસિક છે.એકવાર અમારે તેના અમેરિકાના બોસ્ટનમાં આવેલા ઘરે જવાનું થયું હતું. આ સમયે તે બોસ્ટન સ્કૂલમાં ભણતી હતી અને તેની સ્કૂલમાં મેરેથોન દોડનું આયોજન થયું હતું, જેમાં તે પહેલા નંબરે વિજેતા બની હતી. જ્યારે તે ઘરે આવી એ પછી તેના ઘરનો ગાર્ડન સાફ કરવા લાગી ત્યારે મેં તેને કહ્યું કે આટલી લાંબી દોડ કરીને આવી છે, તને થાક નથી લાગતો? ત્યારે તેણે ખૂબ જ સહજતાથી કહ્યું- ના.. તે તેના કામમાં પાછી લાગી ગઈ.
‘નાની હતી ત્યારે બોટ લઈને દરિયામાં નીકળી પડતી’
તેમણે કહ્યું, સુનિતા અને તેના પરિવારને દરિયો ખૂબ જ પ્રિય હતો, એટલે તેનો પરિવાર બોસ્ટનથી ફેલમર્થ શિફ્ટ થયો હતો. તેમણે દરિયાકિનારે જ ઘર રાખ્યું હતું. સુનિતા નાની હતી એ સમયે પોતાની બોટ લઈને દરિયામાં નીકળી પડતી હતી. કેટલાય સમય સુધી તે દરિયામાં જ ફર્યા કરતી હતી, જાણે દરિયામાં જ પોતાનું ઘર હોય. આ સાહસ તે વારંવાર કરતી, તે ક્યારેય પાણીથી ડરતી નહોતી. તે પાણીની અંદર પણ ડૂબકી મારીને ઊતરતી હતી. આવું ઘણું બધું તે કરતી હતી.
હું ત્યાં ગયો હતો તો તેણે મને કહ્યું કે તમે પણ ચાલો મારી સાથે બોટમાં, એટલે હું તેની સાથે બોટમાં બેઠો, તેની પાસે ઈલેક્ટ્રિક બોટ હતી એટલે તે તો દરિયામાં ઊંચે ઉડાવે અને નીચે લઈ જાય. ત્યારે મેં તેને કહ્યું કે આવું કરીશ તો હું ક્યાંક મરી જઈશ. હું જેટલો ગભરાઉં એટલું તે જોરથી ચલાવે. પરાણે પરાણે મારો જીવ આવ્યો, મેં તેને કહ્યું, ભાઈસાબ… હવે મને કિનારે લઈ જા અને પછી હસતાં હસતાં મને કિનારા સુધી લઈને આવી હતી અને કહેતી હતી કે કેમ ડી ગભરાઈ ગયાને… ત્યારે મેં પણ હાથ જોડીને હસતાં હસતાં કહ્યું હતું કે હા.. ભાઈ ગભરાઈ ગયો.
દિનેશ રાવલે કહ્યું, મારી વાઈફ હાલમાં અમેરિકામાં મારા દીકરાને ત્યાં રહે છે અને ત્યાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે, એટલે હું ત્યાં અવારનવાર રહેવા માટે જતો હતો. હું જ્યારે-જ્યારે ભારતથી અમેરિકા જતો ત્યારે-ત્યારે સુનિતા નજીક હોય કે દૂર હોય, અમારા ઘરે ચોક્કસ આવે અને 2-3 દિવસ સુધી અમારે ત્યાં જ રોકાય, જે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. દોઢ વર્ષ પહેલાં જ્યારે હું અમેરિકા ગયો હતો ત્યારે સુનિતા મારા ઘરે આવી હતી. ત્યારે તેની સાથે મુલાકાત થઈ હતી. અમે સાથે ભોજન લઈને સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેને સહેજ પણ એવું નહોતું કે તે પોતે આટલી મોટી એસ્ટ્રોનોટ છે. તે મારી વાઈફને કેન્સર હોવા છતાં પણ એટલા જ સહજ ભાવે ગળે મળતી હતી અને બચીઓ ભરતી હતી.
આ સમયે મેં તેને વાત વાતમાં કહ્યું હતું કે હવે તું આવા કોઈ સ્પેસ મિશનમાં ન જતી, આપણે હવે શાંતિથી રહેવું છે. મેં આવું કહેતાં જ સુનિતા તરત જ હસવા લાગી. તેણે તરત જ મારો હાથ પકડી લીધો અને મારા હાથ ઉપર હાથ ફેરવવા માંડી અને અંગ્રેજીમાં કંઈક બોલી એટલે મેં મારા દીકરાને પૂછ્યું કે સુનિતા આવું કેમ કરી રહી છે. ત્યારે મારા દીકરાએ ટ્રાન્સલેટ કરીને કહ્યું કે તમારો હાથ તેને એના ડેડના હાથ જેવો જ લાગે છે. મારે કંઈ લઈને જવું નથી. મારાથી જે પણ કંઈ થશે એ હું કરીશ.
તે જ્યારે લશ્કરમાં હતી એ સમયે પણ અમારે ત્યાં આવી હતી. આ સમયે પણ તે એટલી સહજ હતી કે તે અમારા ઘરે ગમે ત્યાં સૂઈ જતી હતી, તેને એવો કોઈ હરખ શોક નહોતો. આ સમયે અમે બધા ઉદયપુર ફરવા માટે ગયા હતા. ત્યારે તે રાત્રે ફરવા નીકળી ગઈ અને રાત્રે દોઢ વાગે પાછી આવી. ત્યારે મેં તેને કહ્યું હતું કે તું છોકરી છે અને તેં ઉદયપુર જોયું નથી, એકલી ક્યાં જઈશ? કોઈક તને હેરાન કરશે તો? ત્યારે મારી સામે તે જોઈ રહી અને કહ્યું કે હું લશ્કરમાં કામ કરું છું. અમારે તો જંગલમાં પણ લડવા જવાનું થતું હોય છે તો આ તો શહેર છે. કોઈ દિવસ તમારે લેડીઝને અંડર એસ્ટિમેટ ગણવાની નહીં. આ મેસેજ તેણે એ સમયે આપ્યો હતો. આજે તેણે એ જ ઉદાહરણ વિશ્વાસમાં પૂરું પાડ્યું.
દિનેશ રાવલે સુનિતા વિલિયમ્સના લગ્ન સમયના એક કિસ્સાને વર્ણવતાં કહ્યું હતું કે સુનિતા વિલિયમ્સના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન એમ બન્ને રીતે કરવામાં આવ્યાં હતાં. એ સમયે તેનો ભાઈ જય ત્યાં આવી નહોતો શક્યો, જ્યારે હું ત્યાં જ હાજર હતો. ક્રિશ્ચિયન પરંપરા પ્રમાણે તેને ઉપર પાદરી પાસે લઈ જવાના હોય છે એટલે તેના ભાઈ તરીકે હું જ તેને પાદરી પાસે લઈ ગયો હતો. જ્યારે હિન્દુ રીત-રિવાજ પ્રમાણે પણ ભાઈ તરીકેની ભૂમિકા મેં ભજવી હતી. આ સમયે અમે લાડુ, ફૂલવડી અને દાળ-ભાત બનાવીને બધાએ ભોજન પણ કર્યું હતું. હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરવા અંગેના નિર્ણય અંગે પૂછતાં તેમણે કહ્યું કે આ નિર્ણય અમારા મોટા કાકા અને બધાનો સાથે મળીને લીધેલો હતો.
સુનિતા વિલિયમ્સ જ્યારે પહેલીવાર સ્પેસમાં ગયાં ત્યારની વાત કરતાં દિનેશ રાવલે કહ્યું, સુનિતાના પિતા ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા, એટલે જ્યારે સુનિતા પહેલીવાર સ્પેસમાં ગઈ ત્યારે મેં તેને ગણપતિ દાદાની મૂર્તિ અને ભગવદ્ ગીતા આપ્યાં હતાં. એ પછી તેઓ સરસ રીતે તેમની સાથે ઉપર પણ લઈ ગયાં હતાં. એટલે તેમના પિતાની જેમ તેમને પણ ભગવાનમાં ખૂબ જ આસ્થા છે. એસ્ટ્રોનેટ થઈ ગયાં પછી તે જ્યારે ધરતી પર પરત ફરી ત્યારે ભારત આવીને અમારા ગામ ઝુલાસણમાં કાર્યક્રમ યોજ્યો હતો. એ સમયે મેં અને સુનિતા બન્નેએ સાથે માતાજીનાં દર્શન કર્યાં હતાં. એટલું જ નહીં, ત્યાં પ્રસાદી હતી, જે મેં તેને ખવડાવી, તેણે પણ મને ખવડાવી હતી. આ સમયે મેં દોલો માતાને ખૂબ જ કાલાંવાલાં કર્યાં હતાં કે સુનિતાને ખૂબ જ મદદ કરજો.
દિનેશ રાવલ કહે છે, આ વખતે પણ સુનિતા ભગવાનની પ્રતિમા અને આ બધી જ વસ્તુઓ ઉપર લઈને ગઈ છે, પણ મને પૂરી ખબર નથી કે તે શું-શું લઈ ગઈ છે, કેમ કે આ વખતે જ્યારે સુનિતા જવાની હતી ત્યારે મારી તબિયત સારી નહોતી એટલે મારે તેની સાથે વાત થઇ નહોતી, પરંતુ મારી પત્નીએ તેની સાથે વાત કરી હતી. તેણે જ્યારે મારી પત્ની સાથે વાત કરી હતી ત્યારે મને યાદ કર્યો હતો. તેણે મારી પત્નીને પૂછ્યું હતું કે હાય જશોદા…. ડી શું કરે છે? તેની તબિયત કેમ છે?
સુનિતા વિલિયમ્સ સ્પેસમાં હતાં ત્યારે તેમણે ત્યાંથી દિનેશ રાવલના પરિવારનો કોન્ટેક્ટ કર્યો હતો. દિનેશ રાવલ કહે છે કે સુનિતાએ સ્પેસમાંથી ફોન કર્યો હતો. તેણે મારી વાઈફ અને દીકરાઓ સાથે વાતચીત કરી હતી. એ સમયે તેણે બધાની ખબર પૂછી હતી અને કહ્યું હતું કે આઈ એમ ઓકે. તેણે મારા દીકરાઓ સાથે વાત કરી એ સમયે કહ્યું હતું કે એ લોકો જે જગ્યાએ હતાં ત્યાં એક બહુ જ મોટા પથ્થર જેવું કંઇક આવ્યું હતું, ત્યારે એ લોકોએ સ્પેસ ક્રાફ્ટમાં છુપાઇ જવું પડ્યું હતું. તેમણે ત્યાં ભયંકર પરિસ્થિતિનો સામનો કરીને સર્વાઈવ કર્યું હતું.સુનિતા વિલિયમ્સની ભારત અને ગુજરાત મુલાકાતને યાદ કરતાં દિનેશ રાવલ કહે છે,
જ્યારે સુનિતા વિલિયમ્સ મોટી થઈ ત્યારે તે અને તેની બહેન દિના બન્ને ભારત ફરવા માટે આવ્યાં હતાં. આ સમયે મેં તેમની સાથે રહીને દિલ્હી, આગ્રા, મથુરા સહિતનાં સ્થળો પર તેમને ફેરવ્યાં હતાં. જ્યારે મારા દીકરા નિલેશ રાવલે સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ સહિતનાં સ્થળોની તેમને મુલાકાત કરાવી હતી. અમારા પરિવારની દીકરી તરીકે સુનિતા કાયમ અમારે ત્યાં જ આવીને રહેતી હતી. અત્યારસુધી સુનિતા વિલિયમ્સ અમારા અમદાવાદના ઘરે 5થી 6 વખત આવી ચૂકી છે, પરંતુ એ વખતે સુનિતા વિલિયમ્સ નહોતી, એ ફક્ત સુનિતા જ હતી.
સુનિતા વિલિયમ્સને ગુજરાતી ભોજન પસંદ હોવાનું જણાવતાં દિનેશ રાવલ કહે છે કે સુનિતા ગુજરાતને કે ગુજરાતી ફૂડને ક્યારેય ભૂલી નથી. તેણે કોઈ દિવસ અમેરિકન વસ્તુઓ માગી નથી. હા, એટલું ખરું કે સવારે નાસ્તામાં તે બ્રેડ લે છે. હું અને મારી વાઈફ સંપૂર્ણપણે વેજિટેરિયન છીએ એટલે એ આ વાતને સંપૂર્ણ રીતે માન આપે છે.સુનિતા અને બટાટાનાં ભજિયાંનો રસપ્રદ કિસ્સો વર્ણવતાં દિનેશ રાવલે જણાવ્યું, જ્યારે સુનિતા એસ્ટ્રોનોટ નહોતી ત્યારે પણ તે અમારા અમદાવાદના ઘરે આવતી હતી. એકવાર મારી વાઈફે બટાટાનાં ભજિયાં બનાવ્યાં હતાં.
સુનિતા ઓછું તીખું ખાય છે એટલે મારી વાઇફે ટેસ્ટમાં થોડાં મોળાં ભજિયાં બનાવ્યાં હતાં છતાં પણ સુનિતાને એ ખૂબ જ પસંદ આવ્યાં અને તેણે કહ્યું હતું કે આ તો બહુ જ સરસ લાગે છે, પણ તેને એ જાણવામાં રસ પડ્યો કે આ બટાટું મારી વાઇફે કેવી રીતે અંદર મૂક્યું એટલે મારી વાઈફે તેને બતાવ્યું કે આ રીતે આ બટાટું અંદર આવી ગયું.
દિનેશ રાવલ ઉમેરે છે કે અમારા જીવનનાં અનેક પાસાં સુનિતા સાથે જોડાયેલાં છે. આજની તારીખે અમદાવાદ શહેરમાં સુનિતા કે તેના પપ્પા વિશે કંઈપણ હોય, અમારું ઘર જ સુનિતાનો આશરો હોય છે. આજે પણ અમારા ગામમાં તેનું કંઈપણ કામ હોય, તે અમારી સાથે જ હોય છે. ક્યારેય અમે જુદાં પડ્યાં નથી.
દિનેશ રાવલ વર્ષોથી અમદાવાદમાં રહે છે અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. ગરીબો, અનાથ, ભૂલાં-ભટકેલાં બાળકોને સાચવવાનું કામ પણ તેમણે કર્યું છે. ભારતમાંથી દુનિયાભરમાં બાળકોને દત્તક આપવાનું પણ કાર્ય કરેલું છે. આ ઉપરાંત તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેરના ઓલ ઈન્ડિયાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ અખિલ ભારતીય સામાજિક સ્વાસ્થ્ય સંઘના પ્રમુખ છે. સુનિતા વિલિયમ્સ દિનેશ રાવલને ડી કહીને બોલાવે છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં