Supreme Court’s verdict sentencing a juvenile: એક વ્યક્તિએ ગુનો કર્યો ત્યારે તેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. જોકે, તેનો કેસ સામાન્ય ક્રિમિનલ કોર્ટમાં પુખ્ત આરોપીની જેમ ચલાવવામાં આવ્યો અને તેને આજીવન કેદની સજા થઈ. બાદમાં અપીલ દરમિયાન તે સાબિત થયું કે ગુનો કર્યો ત્યારે આરોપી સગીર હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની સ્પષ્ટતા કરી છે.
દોષસિદ્ધિ અને સજા અલગ બાબતો
સુપ્રીમ કોર્ટે(Supreme Court) કહ્યું કે સગીર આરોપીનું ટ્રાયલ સામાન્ય કોર્ટમાં પુખ્ત વ્યક્તિની જેમ થયું હોય, તો માત્ર આ કારણસર તેની દોષસિદ્ધિ આપમેળે રદ થતી નથી. જો પુરાવાના આધારે ગુનો સાબિત થયો હોય તો કન્વિક્શન યથાવત રહી શકે છે. પરંતુ સગીરને પુખ્ત આરોપીની જેમ આપવામાં આવેલી સજા કાયદેસર રીતે લાગુ કરી શકાય નહીં.
જ્યુવેનાઇલ જસ્ટિસ કાયદાની ભૂમિકા
કાયદા મુજબ, ગુનો કર્યો ત્યારે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને બાળક તરીકે ગણવામાં આવે છે. ગંભીર ગુનામાં 16થી 18 વર્ષની ઉંમરના બાળક માટે અલગ કાનૂની પ્રક્રિયા છે. આવી સ્થિતિમાં જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ બાળકની માનસિક અને શારીરિક ક્ષમતા, ગુનાના પરિણામોને સમજવાની ક્ષમતા અને ઘટનાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ કાયદા મુજબ કેસ ચિલ્ડ્રન કોર્ટ સુધી જઈ શકે છે.
આ કેસમાં શું થયું?
આરોપીએ દલીલ કરી હતી કે તે ગુનો કર્યો ત્યારે સગીર હતો, તેથી સામાન્ય કોર્ટમાં ચાલેલો આખો ટ્રાયલ જ અમાન્ય ગણવો જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે (Supreme Court) દોષસિદ્ધિ અને સજાને અલગ-અલગ રીતે જોવાની વાત કરી. કોર્ટના જણાવ્યા મુજબ, સગીર હોવાના કારણે પુખ્ત વ્યક્તિને આપવામાં આવતી સજા લાગુ રહી શકતી નથી, પરંતુ પુરાવાના આધારે થયેલી દોષસિદ્ધિ માત્ર આ કારણસર રદ કરવાની જરૂર નથી.
Supreme Courtએ શું આદેશ આપ્યો?
કોર્ટે(Supreme Court) આરોપીના ગુના સમયે સગીર હોવાની દલીલ સ્વીકારી અને પુખ્ત આરોપીને આપવામાં આવેલી આજીવન કેદ સહિતની સજા, દંડ અને અન્ય શરતો તેની સામે લાગુ ન કરવાનો આદેશ આપ્યો. કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપી કાયદા હેઠળ નક્કી મર્યાદા કરતાં વધુ સમય જેલમાં રહી ચૂક્યો હતો. તેથી તેને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો. સરળ ભાષામાં કહીએ તો—સગીર વ્યક્તિની દોષસિદ્ધિ યથાવત રહી શકે છે, પરંતુ તેને પુખ્ત આરોપીની જેમ સજા આપી શકાય નહીં.
આ પણ વાંચો: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; વીર સાવરકર માનહાની કેસ અને સમન રદ
આ પણ વાંચો:રાહુલ ગાંધી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ; અલાહાબાદ હાઈકોર્ટના CBI-ED તપાસના આદેશને પડકાર્યો
આ પણ વાંચો:ટ્રાન્સજેન્ડર ઓળખપત્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી; કેન્દ્ર સરકારે માંગ્યો સમય
