Surat News: સુરતના કીમ નજીક ચાલુ લક્ઝરી બસમાંથી ત્રણ વર્ષનું બાળક નીચે પટકાવાની ઘટના (Surat Bus Incident) સામે આવી છે. બાળકની માતા મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી, ત્યારે બાળક રમતાં-રમતાં ડ્રાઈવર કેબિન સુધી પહોંચી ગયું હતું. આ દરમિયાન બાળક બસમાંથી નીચે પડી ગયું હતું. જોકે, બસચાલકની સતર્કતાને કારણે સમયસર બસ રોકાઈ જતાં બાળકનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
Surat Bus Incident: માતા ફોન પર વાત કરતી રહી, બાળક કેબિન સુધી પહોંચ્યું
મળતી માહિતી મુજબ, 7 નવેમ્બરે એક ખાનગી લક્ઝરી બસ સૌરાષ્ટ્રથી મુસાફરોને લઈને સુરત આવી રહી હતી. બસમાં એક મહિલા પોતાના બે નાના બાળકો સાથે મુસાફરી કરી રહી હતી. મુસાફરી દરમિયાન મહિલા ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન તેનું આશરે 2થી 3 વર્ષનું બાળક બસની ગેલેરીમાંથી આગળના ભાગે ડ્રાઈવર કેબિન પાસે પહોંચી ગયું (Parental Carelessness) હતું.
ચાલુ બસમાંથી નીચે પટકાયું બાળક
બાળક કેબિન પાસેની આડી સીટ પર ચડીને બેસવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ત્યારે ડ્રાઈવરનું ધ્યાન તેના પર ગયું હતું. ચાલકે સ્ટિયરિંગ એક હાથે પકડીને બીજા હાથે બાળકને પકડવાનો પ્રયાસ કર્યો અને બૂમ પણ પાડી હતી. જોકે, તે બાળક સુધી પહોંચી શક્યો નહોતો. થોડી જ ક્ષણોમાં બાળકનું સંતુલન બગડતાં તે બસના દરવાજા પાસેની સીટ પરથી નીચે રોડ પર પટકાયું (Child Falls From Bus) હતું.
ડ્રાઈવરે તાત્કાલિક બસ રોકી
આ ઘટના કીમ નજીક બની હતી. તે સમયે બસની ઝડપ અંદાજે 25થી 30 કિલોમીટર પ્રતિ કલાક હતી. બાળક નીચે પડતાં જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી બસ રોકી દીધી (Bus Driver Alertness) હતી. ત્યારબાદ માતા ઝડપથી નીચે ઉતરી બાળકને પોતાની પાસે લઈ ગઈ હતી.
પાછળ આવતાં તબીબે બાળકની તપાસ કરી
સદનસીબે બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી અને શરીર પર સામાન્ય છોલા પડ્યા હતા. બસની પાછળ કારમાં આવી રહેલા એક તબીબે પણ વાહન રોકીને બાળકની પ્રાથમિક તપાસ કરી હતી. તેમણે બાળક સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
CCTV ફૂટેજથી વાલીઓને જાગૃત કરવાનો પ્રયાસ
બસ માલિકે ઘટનાની હકીકત જાણવા CCTV ફૂટેજ તપાસ્યા હતા. ત્યારબાદ વાલીઓ મુસાફરી દરમિયાન નાના બાળકો પર સતત ધ્યાન રાખે તેવા હેતુથી આ ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાળકો સાથે મુસાફરી કરતી વખતે માતા-પિતાએ સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે.
આ પણ વાંચો: માંજલપુર રોયલ મેળામાં દુર્ઘટના, રાઈડનું લોક અચાનક ખુલતા બાળક નીચે પટકાયું
આ પણ વાંચો: આમોદમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી નીચે પટકાયો, બાળકનો આબાદ બચાવ
આ પણ વાંચો: સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત
