Surat News/ સુરત ડાયમંડ બોર્સમાં રોનક! અમેરિકાના ‘પેન્ટાગોન’ને પાછળ છોડનાર બિલ્ડિંગમાં 250 ઓફિસો ધમધમતી થઈ

સુરત ડાયમંડ બોર્સ (Surat Diamond Bourse) માં વેપાર શરૂ થયો છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ અત્યાર સુધીમાં 250 ઓફિસો કાર્યરત થઈ છે. 2029 સુધીમાં તે ગ્લોબલ હબ બનશે.

Surat Top Stories Gujarat
Surat Diamond Bourse active offices

Surat Diamond Bourse active offices: ભારત અને અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ બાદ ગુજરાતની ડાયમંડ સિટી સુરતથી ખુશખબર સામે આવ્યા છે. વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ગણાતા ‘સુરત ડાયમંડ બોર્સ’ (Surat Diamond Bourse) માં હવે બિઝનેસ ગતિવિધિઓએ જોર પકડ્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયની બિલ્ડિંગ ‘પેન્ટાગોન’નો 80 વર્ષ જૂનો રેકોર્ડ તોડનાર આ બોર્સમાં હવે વેપારીઓનો જમાવડો વધી રહ્યો છે.

Surat Diamond Bourse active offices

Surat Diamond Bourseમાં કેટલી ઓફિસો ખુલી?

સુરત ડાયમંડ બોર્સમાં કુલ 4,500 ઓફિસો આવેલી છે, જેમાંથી તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં અંદાજે 250 ઓફિસો પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે. વેપારીઓમાં જોવા મળી રહેલા ઉત્સાહ વચ્ચે ગત 18 ફેબ્રુઆરીના રોજ જ એકસાથે 100 નવા ટ્રેડર્સ દ્વારા વિધિવત રીતે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ડાયમંડ બોર્સમાં વેપારના વધતા વ્યાપ અને વેપારીઓના સકારાત્મક પ્રતિસાદને જોતા આગામી સમયમાં કાર્યરત ઓફિસોની સંખ્યામાં ઝડપથી વધારો થશે તેવી પ્રબળ ધારણા સેવાઈ રહી છે.

બ્રોકર્સ માટે શરૂ કરાયો ખાસ હેલ્પલાઇન ગ્રુપ

SDB ના વાઈસ ચેરમેન લાલજી પટેલના જણાવ્યા અનુસાર, સુરત ડાયમંડ બોર્સ (SDB) ખાતે કામ શરૂ કરનારા બ્રોકર્સને પડતી મુશ્કેલીઓના ઝડપી નિવારણ માટે એક વિશેષ વોટ્સએપ હેલ્પલાઇન ગ્રુપ શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રુપની લોકપ્રિયતા અને જરૂરિયાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર એક જ દિવસમાં 950 જેટલા બ્રોકર્સ આ ગ્રુપમાં જોડાયા છે. હાલમાં દરરોજ 600 થી વધુ બ્રોકર્સ ડાયમંડ બોર્સની સક્રિય મુલાકાત લઈ રહ્યા છે અને હીરાના સોદાઓ સફળતાપૂર્વક કરાવી રહ્યા છે, જે SDB ના વેગ પકડી રહેલા વેપારનો સંકેત આપે છે.

Surat Diamond Bourse active offices

2029 સુધીમાં મુંબઈને ટક્કર આપશે સુરત

હીરા ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે વર્ષ 2029 સુધીમાં સુરત ડાયમંડ બોર્સ વિશ્વમાં હીરા વેચાણનું મુખ્ય કેન્દ્ર બની જશે. આ સમયગાળા સુધીમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પણ શરૂ થઈ જવાની શક્યતા છે, જેનાથી મુંબઈ અને સુરત વચ્ચેની કનેક્ટિવિટી અત્યંત ઝડપી બનશે. સુરત ડાયમંડ બોર્સ માત્ર મોટી બિલ્ડિંગ નથી, પણ તે વિશ્વસ્તરની સુરક્ષા અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક આધુનિક ટ્રેડિંગ ઇકોસિસ્ટમ છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના 92% નેચરલ ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય છે અને તેમાં સુરતનો સિંહફાળો છે. પીએમ મોદીએ 17 ડિસેમ્બર, 2023ના રોજ આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું, જે હવે ધીરે ધીરે ગ્લોબલ હબ બની રહ્યું છે.


આ પણ વાંચો: PM મોદીએ વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બોર્સનું કર્યું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસ

આ પણ વાંચો: PM મોદી માટે ઉદ્યોગપતિ દ્વારા તૈયાર કરાયું પંચધાતુનું ‘સુરત ડાયમંડ બોર્સ’,જુઓ

આ પણ વાંચો: શા માટે ખાસ છે સુરતમાં બનેલ વિશ્વની સૌથી મોટી ઓફિસ સંકુલ ડાયમંડ બોર્સ