Surat News: સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Surat District Court)ને મોડી રાતે અંગ્રેજીમાં ધમકીભર્યો ઈ-મેઈલ મળતા ચકચાર મચી જવા પામી છે. આ મેઈલમાં કોર્ટ બિલ્ડિંગને RDX વડે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે કોર્ટ પરિસરમાં તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી અને પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ઘટનાની વિગતો અનુસાર, કોર્ટના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર રાત્રે લગભગ 2 વાગ્યે આ ધમકીભર્યો સંદેશો આવ્યો હતો. સવારે કોર્ટના કર્મચારીઓએ મેઈલ ચેક કરતાં આ ગંભીર ધમકીની જાણ થઈ. તાત્કાલિક કોર્ટ સ્ટાફે આ બાબતની જાણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને કરી હતી.
સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં Surat District Court પરિસરમાં તપાસના આદેશ
પ્રિન્સિપલ જજે આ મામલાને અત્યંત સંવેદનશીલ ગણીને કોઈ વિલંબ કર્યા વિના પોલીસ વિભાગને જાણ કરી અને કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા તપાસના આદેશ આપ્યા હતા. જજના આદેશ બાદ કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી (SOG)ની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Surat District Court) અને ફાસ્ટ ટ્રેક કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી બિલ્ડિંગના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ અઘટિત ઘટના ન બને.સરકારી વકીલ નયન સુખડવાલાએ આ અંગે જણાવ્યું હતું કે, “રાત્રે 2 વાગ્યે કોર્ટના મેઈલ પર ધમકીભર્યો સંદેશો આવ્યો હતો, જેમાં કોર્ટને બોમ્બ કે RDXથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી.

સવારે સ્ટાફે મેઈલ જોયો અને તરત જ પ્રિન્સિપલ જજને જાણ કરી. જજ સાહેબે તુરંત પોલીસને માહિતી આપી અને હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ ચાલુ છે.”આ ઘટના બાદ કોર્ટની કામગીરીમાં અસ્તવ્યસ્તતા સર્જાઈ હતી અને વકીલો તેમજ કોર્ટ સ્ટાફમાં ભયનો માહોલ છવાયો હતો. પોલીસે મેઈલના સ્ત્રોતની તપાસ શરૂ કરી દીધી છે અને સાયબર ક્રાઈમ ટીમને પણ જોડવામાં આવી છે.
આ સાથે જ અમદાવાદમાં ઈન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને પણ તાજેતરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણ્યા વ્યક્તિએ ઈ-મેઈલ દ્વારા આ ધમકી (Threat) આપી હતી, જેના કારણે કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી હતી અને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી.
આ પણ વાંચો:વડોદરાની સ્કૂલને બોમ્બ ધમકી: મેઈલનો તમિલનાડુ સાથે સંબંધ ?
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલોને બોમ્બની ધમકીમાં હવે પાકિસ્તાનનું નામ ખૂલ્યું
