Surat News/ સુરતમાં 575 કરોડનું સોના-ચાંદી કૌભાંડ, જ્વેલર યતીન શાહની ધરપકડ

DGGI Raid Surat Jewelers: સુરતના ભાગળમાં DGGI એ 575 કરોડના સોના-ચાંદીના બિનહિસાબી વેચાણનું કૌભાંડ પકડી પાડ્યું છે. સુમિત સિલ્વરના માલિક યતીન શાહની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat
Surat Gold Silver GST Scam

Surat Gold Silver GST Scam: ડાયમંડ સિટી સુરતના ભાગળ રાજમાર્ગ પર આવેલી જ્વેલર્સ પેઢીઓમાં ચાલતા ટેક્સ ચોરીના મોટા રેકેટનો જીએસટીની DGGI (Directorate General of GST Intelligence) વિંગે પર્દાફાશ કર્યો છે. અંદાજે રૂ. 575 કરોડ ના સોના અને ચાંદીના દાગીના બિલ વગર વેચીને સરકારને કરોડોનો ચૂનો ચોપડવાના આરોપમાં ‘સુમિત સિલ્વર’ ના માલિક યતીન સુમિતલાલ શાહની ધરપકડ કરવામાં આવી છે.

કેવી રીતે આચરાતું હતું GST Scam?

DGGIની તપાસમાં સામે આવ્યું છે કે ભાગળ વિસ્તારમાં આવેલી આ પેઢી દ્વારા સોના-ચાંદીની લગડીઓ અને તૈયાર ઘરેણાઓનું કોઈપણ પ્રકારના સત્તાવાર બિલ વિના વેચાણ કરવામાં આવતું હતું. જીએસટીના નિયમ મુજબ સોના-ચાંદીની લગડી પર 3% GST ભરવો ફરજિયાત છે, જ્યારે તૈયાર દાગીના પર 3% GST અને ઘડામણ પર 5% સુધીનો ટેક્સ લાગુ પડે છે. જોકે, ‘સુમિત સિલ્વર’ દ્વારા કાચા ચોપડે વહીવટ કરીને દર મહિને કરોડો રૂપિયાની જીએસટી ચોરી આચરવામાં આવતી હતી. રૂ. 575 કરોડનું તોતિંગ ટર્નઓવર હોવા છતાં ટેક્સ ન ભરીને સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

DGGI ના દરોડા અને ધરપકડ

ચોક્કસ બાતમીના આધારે DGGI ની ટીમે ભાગળ વિસ્તારની પેઢીઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન મોટાપાયે બિનહિસાબી વ્યવહારો અને કાચા લખાણો મળી આવ્યા હતા. આ પુરાવાઓના આધારે પેઢીના માલિક યતીન શાહ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

ઝવેરી બજારમાં ફફડાટ

સુરતના ઈતિહાસમાં જીએસટી ચોરીના આટલા મોટા કૌભાંડનો પર્દાફાશ થતા શહેરના ઝવેરી બજારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને જે વેપારીઓ બિલ વગર ‘કાચામાં’ વ્યવહાર કરે છે, તેઓ હવે જીએસટી વિભાગની રડારમાં આવી ગયા છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં અન્ય કેટલીક પેઢીઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.


આ પણ વાંચો: ભાવનગરમાંથી કરોડોની જીએસટી ચોરી ઝડપાઈ

આ પણ વાંચો: દેશની આ બે મોટી કંપનીઓ પર જીએસટી ચોરીનો આરોપ, તપાસ શરૂ

આ પણ વાંચો: રાજ્યમાં જીએસટી વિભાગના મોટાપાયે દરોડા, 200 કરોડની કરચોરી પકડાઈ