Surat News/ સુરતમાં લેબગ્રોન ડાયમંડના મશીનરીના નામે 3.50 કરોડનું ફુલેકું, બે ભાગીદારો ઝડપાયા

Suratમાં લેબગ્રોન ડાયમંડ મશીનરી મુકાવવાના નામે ૩.૫૦ કરોડની છેતરપિંડી આચરનાર ‘એશિયન લેબગ્રોન ડાયમંડ’ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની સુરત ઇકો સેલે ધરપકડ કરી છે.

Top Stories Gujarat Surat
Surat Labgrown Diamond Fraud

Surat Labgrown Diamond Fraud: હીરા નગરી સુરતમાં લેબગ્રોન ડાયમંડ મશીનરી અને હીરા ઉત્પાદનના નામે રોકાણકારોને મોટી લાલચ આપી કરોડો રૂપિયા પડાવી લેતી ગેંગનો સુરત પોલીસની ઇકો સેલ (Eco Cell) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેદ રોડ ખાતે આવેલી ‘એશિયન લેબગ્રોન ડાયમંડ એલએલપી’ કંપનીના ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની સુરત ઇકો સેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરી દીધા છે.

Surat : બહેન-બનેવી પાસેથી નાણાં મંગાવી કર્યું હતું રોકાણ

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, અડાજણ વિસ્તારમાં રહેતા અને ફર્નિચરના બિઝનેસ ઉપરાંત વરાછા શ્રેયસ ડાયમંડમાં ‘મનરોસો ઇમ્પેક્ષ પ્રા.લી.’ ના નામે હીરાનો વેપાર કરતા કેતન ભીખાલાલ પટેલે આ અંગે ઓફિશિયલ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2021 માં ફરિયાદી કેતન પટેલનો સંપર્ક તેમના મિત્ર રોહિત બલર મારફતે ‘એશિયન લેબગ્રોન ડાયમંડ’ ના ભાગીદાર સંદીપ જસાણી સાથે થયો હતો.

સંદીપે કેતનભાઈને લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં અઢળક કમાણી હોવાની ગુલાબી વાતો કરી હતી. ત્યારબાદ અન્ય ભાગીદારો ઘનશ્યામ જસાણી, અંકુશ નાકરાણી અને ઉમેશ નાકરાણી સાથે મુલાકાત કરાવીને પોતાની કંપનીમાં લેબગ્રોન હીરા બનાવવાની મશીનરી મુકાવવા માટે મોટી લાલચ આપી રોકાણ કરવા પ્રેરિત કર્યા હતા. આરોપીઓની વાતો અને વિશ્વાસમાં આવી જઈને કેતનભાઈએ અમેરિકા રહેતા પોતાના બહેન અને જીજાજી (બનેવી) પાસેથી કસ્ટમ અને કાયદેસરના માધ્યમથી મોટી રકમ મંગાવીને આ કંપનીમાં કુલ 3.50 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું.

Surat : પૈસા આપવાનો કર્યો ઇનકાર

રોકાણ મેળવ્યાના થોડા સમય બાદ આરોપીઓએ મશીનરી અને હીરાનું ઉત્પાદન અચાનક જ બંધ કરી દીધું હતું અને કંપની સકેલી લીધી હતી. કેતનભાઈને શંકા જતાં જ્યારે તેમણે પોતાના અને બહેન-બનેવીના રોકાણ કરેલા 3.50 કરોડ રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ પૈસા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. રોકાણના નામે ગોળ ગોળ જવાબો આપી છેતરપિંડી આચરવામાં આવતા આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો હતો.

Surat : આરોપીઓ જેલના સળિયા પાછળ

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય બે આરોપીઓ અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ સઘન પૂછપરછ પૂર્ણ થતાં જ બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે.


આ પણ વાંચો: TP સ્કીમોને મંજૂરી,અમદાવાદ-રાજકોટ-સુરતને વિકાસની ભેટ

આ પણ વાંચો: સુરતમાં પાલિકાના કચરાના ટેમ્પોમાંથી શંકાસ્પદ માંસના અવશેષો મળ્યા, FSL તપાસ શરૂ

આ પણ વાંચો: સાતમી હરોળથી મેયરની ખુરશી સુધી: સુરતમાં ભાજપનો મોટો ખેલ