Surat Limbayat Child Death: સુરત શહેરમાં કાળઝાળ ગરમીની સાથે હવે રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. શહેરના લીંબાયત વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના કારણે એક 6 વર્ષીય માસૂમ બાળકનું કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે, તો બીજી તરફ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
પેટમાં દુખાવા બાદ તબિયત લથડી
મળતી માહિતી મુજબ, લીંબાયત વિસ્તારમાં રહેતા આ 6 વર્ષીય બાળકને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને સતત ઝાડા-ઉલ્ટી શરૂ થઈ ગયા હતા. બાળકની હાલત બગડતી જોઈ પરિવારજનોએ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જોકે, ત્યાં સ્થિતિમાં સુધારો ન થતાં તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો.
Surat સિવિલમાં ટૂંકી સારવાર દરમિયાન તોડ્યો દમ
સિવિલ હોસ્પિટલના તબીબોએ માસૂમની હાલત જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. પરંતુ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી (ડીહાઈડ્રેશન) બાળકની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ હતી. તબીબોના અથાગ પ્રયત્નો છતાં માસૂમ બાળકને બચાવી શકાયો નહોતો અને ટૂંકી સારવાર બાદ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ
એક તરફ ઉનાળાનો પારો વધી રહ્યો છે, ત્યારે દૂષિત પાણી કે ખોરાકના કારણે રોગચાળો ફેલાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની જાણ થતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે. લીંબાયત વિસ્તારમાં પાણીના સેમ્પલ લેવાની તેમજ ઘરે-ઘરે સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય.
આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે ઉનાળાની ગરમીમાં બાળકોને ઉકાળેલું પાણી આપવું અને બહારનો ખુલ્લો ખોરાક ખવડાવવાનું ટાળવું.
આ પણ વાંચો: સુરત લિંબાયત ડબલ મર્ડરના આરોપીઓ જેલહવાલે, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન
આ પણ વાંચો: સુરતમાં ડમ્પરની ટક્કરે L&Tના યુવાન એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત, CCTV ફૂટેજ આવ્યા સામે
આ પણ વાંચો: સુરત મનપામાં નવા હોદ્દેદારોની પસંદગીનો ધમધમાટ, નિરીક્ષકો તૈયાર કરશે 3 નામોની પેનલ
