Surat News: સુરત નવરાત્રિ નજીક આવતાં જ ગરબા સ્થળો અને જાહેર જગ્યાઓ પર યુવતીઓ તથા બાળકીઓની સુરક્ષાને લઈને સુરત પોલીસ અને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘મિશન દુર્ગા’ (Surat Mission Durga) અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ ઉપરાંત કાયદાકીય અધિકારો અને સુરક્ષા અંગે જરૂરી માહિતી આપવામાં આવી રહી છે.
Surat Mission Durga: શાળાઓ અને આંગણવાડીઓ સુધી પહોંચ્યું અભિયાન
ગુજરાતમાં બાળકો સામેના જાતીય ગુનાઓ અને પોક્સો સંબંધિત કેસોને ધ્યાનમાં રાખીને આ અભિયાનને વ્યાપક બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને સુરત પોલીસની (Surat Police) ટીમો વિવિધ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં જઈને બાળકો અને વિદ્યાર્થિનીઓ સાથે સીધો સંવાદ કરી રહી છે.
તાલીમ દરમિયાન દીકરીઓને કોઈ વ્યક્તિ દ્વારા અયોગ્ય રીતે પરેશાન કરવામાં આવે અથવા હુમલાની સ્થિતિ સર્જાય તો ગભરાયા વગર સુરક્ષિત રીતે પોતાનો બચાવ કેવી રીતે કરવો (Self Defence Training) તેની માહિતી આપવામાં આવે છે. સાથે જ ઘટનાની જાણ પરિવાર, પોલીસ અથવા સંબંધિત હેલ્પલાઇન સુધી કેવી રીતે પહોંચાડવી તે પણ સમજાવવામાં આવે છે.
સ્વરક્ષણ સાથે કાયદાની પણ જાણકારી
અભિયાનનો એક મહત્વનો હિસ્સો કાયદાકીય જાગૃતિ છે. સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ટીમો બાળકોને તેમના અધિકારો, પોક્સો કાયદો અને જાતીય સતામણી જેવી પરિસ્થિતિમાં ઉપલબ્ધ કાનૂની મદદ અંગે માહિતી આપી રહી છે.
તાલીમમાં બાળકોને એ સમજાવવામાં આવે છે કે જોખમની સ્થિતિમાં પોતાની સુરક્ષાને પ્રાથમિકતા આપવી, શક્ય હોય ત્યાંથી દૂર થવું અને તાત્કાલિક વિશ્વસનીય વ્યક્તિ અથવા પોલીસની મદદ લેવી જરૂરી છે. જરૂર પડે ત્યારે 112 જેવી ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવાની માહિતી પણ આપવામાં આવી રહી છે.
‘ગુડ ટચ-બેડ ટચ’ અંગે પણ જાગૃતિ
શાળાઓમાં બાળકોને ‘ગુડ ટચ અને બેડ ટચ’ અંગે (Girls Safety) પણ સમજ આપવામાં આવી રહી છે. કોઈ વ્યક્તિનું વર્તન અસ્વસ્થ બનાવે અથવા અયોગ્ય સ્પર્શ થાય તો તેને ઓળખીને વિશ્વાસુ વાલી, શિક્ષક અથવા અન્ય જવાબદાર વ્યક્તિને જાણ કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.આ પ્રકારની જાગૃતિથી બાળકોમાં પોતાના શરીર અને વ્યક્તિગત સીમાઓ અંગે સમજ વિકસે અને તેઓ મુશ્કેલીની સ્થિતિમાં મૌન ન રહે તેવો મુખ્ય ઉદ્દેશ્ય છે.
નવરાત્રિ દરમિયાન ‘શી ટીમ’ પણ રહેશે સક્રિય
નવરાત્રિ દરમિયાન સુરત પોલીસની ‘શી ટીમ’ પણ જાહેર સ્થળો અને ગરબા આયોજનો પર નજર રાખશે. મહિલા પોલીસકર્મીઓ સામાન્ય વસ્ત્રોમાં ગરબા સ્થળોએ હાજર રહીને મહિલાઓ (Surat Mission Durga) અને યુવતીઓની સુરક્ષા પર ધ્યાન આપશે.પોલીસ દ્વારા યુવતીઓને રાત્રિના સમયે અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ ન લેવા, અજાણ્યા લોકો પાસેથી ખાણીપીણીની વસ્તુ ન સ્વીકારવા અને કોઈ વ્યક્તિ સતત પરેશાન કરે તો તાત્કાલિક પોલીસ અથવા પરિવારની મદદ લેવા અપીલ કરવામાં આવી છે.
મુશ્કેલીની સ્થિતિમાં 112 ઇમરજન્સી સેવા અને 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે.
દીકરીઓમાં વધ્યો આત્મવિશ્વાસ
શાળાઓમાં આપવામાં આવી રહેલી જાગૃતિ અને સ્વરક્ષણની તાલીમની અસર વિદ્યાર્થીઓમાં પણ જોવા મળી રહી છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે અગાઉ અજાણી પરિસ્થિતિમાં શું કરવું તે અંગે મૂંઝવણ રહેતી હતી, પરંતુ હવે મુશ્કેલીના સમયે કોની મદદ લેવી અને પોતાને સુરક્ષિત રાખવા કયા પગલાં લેવા તે અંગે વધુ આત્મવિશ્વાસ આવ્યો છે.
નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા સ્થળોએ (Navratri Safety) એકઠા થતા હોય છે ત્યારે ‘મિશન દુર્ગા’ જેવા અભિયાન દ્વારા દીકરીઓને માત્ર તહેવારનો ઉત્સાહ જ નહીં, પરંતુ તેમની સુરક્ષા અંગે પણ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: નવરાત્રિના પર્વ પહેલાં વડોદરા પોલીસની કડક તૈયારી, ડાર્ક સ્પોટ્સ પર ખાસ વોચ
આ પણ વાંચો: નવરાત્રિમાં GEN Z માટે ‘નો સ્કૂલ, ઓન્લી ગરબા’?
આ પણ વાંચો: GMDCની વાઇબ્રન્ટ નવરાત્રિમાં ફ્રી એન્ટ્રી બંધ, હવે ટિકિટથી પ્રવેશ
