Ahmedabad News: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતી વાઇબ્રન્ટ નવરાત્રિમાં આ વર્ષે પ્રવેશ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી સામાન્ય જનતા માટે નિઃશુલ્ક રહેતી ગરબા રાસની એન્ટ્રીમાં હવે પહેલા નોરતા સિવાયના દિવસોમાં ટિકિટ લાગશે. એટલે કે
ખેલૈયાઓ અને ગરબા જોવા આવતા લોકોએ ઓનલાઇન પાસ ખરીદવો પડશે.
GMDC Vibrant Navratriમાં પહેલા નોરતા બાદ ટિકિટ
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ (Vibrant Navratri)માં પ્રથમ નોરતાના દિવસે તમામ લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. જોકે, બીજા નોરતાથી નવમા નોરતા સુધી પ્રવેશ માટે ટિકિટ ફરજિયાત (Ticket mandatory) કરવામાં આવી છે. બુકમાયશો પર ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ ફેરફારને કારણે 23 વર્ષથી ચાલતી ફ્રી એન્ટ્રીની પરંપરામાં પ્રથમવાર બદલાવ આવ્યો છે. જોકે, ટિકિટ શરૂ કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા મળી નથી.
Celebration Zoneમાં 100થી 250 સુધીનો ચાર્જ
નવી વ્યવસ્થા હેઠળ GMDC ગ્રાઉન્ડને બે મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. સામાન્ય ખેલૈયાઓ માટેના ‘સેલિબ્રેશન ઝોન’માં બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ 100નો ચાર્જ રહેશે. જ્યારે ગ્રુપ બુકિંગ માટે 300થી 600 સુધીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. છઠ્ઠા નોરતાથી નવમા નોરતા સુધી આ જ ઝોનમાં પ્રતિ વ્યક્તિ 250 ચૂકવવાના રહેશે. ગ્રુપ બુકિંગ માટે 750થી 1,500 સુધીના ભાવ રાખવામાં આવ્યા છે.
Premium Experience Zoneમાં 500 સુધીની ટિકિટ
સ્ટેજની નજીક અને વિશેષ સુવિધાઓ ધરાવતા ‘પ્રીમિયમ એક્સપિરિયન્સ ઝોન’ માટે ટિકિટના દર વધુ રાખવામાં આવ્યા છે. બીજા નોરતાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ 200 અને ગ્રુપ બુકિંગ માટે 600થી 1,200 સુધીનો ચાર્જ રહેશે.
જ્યારે છઠ્ઠા નોરતાથી નવમા નોરતા દરમિયાન પ્રીમિયમ ઝોનમાં પ્રતિ વ્યક્તિ 500નો ચાર્જ રહેશે. ગ્રુપ માટે 1,500થી 3,000 સુધીના પાસ ઉપલબ્ધ રહેશે. આ રીતે સામાન્ય અને પ્રીમિયમ બંને ઝોન માટે અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. જોકે ટિકિટિંગ વ્યવસ્થામાં થયેલા ફેરફાર અંગે ગુજરાત પ્રવાસન વિભાગ આ અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
આ પણ વાંચો : નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી
આ પણ વાંચો : કોંગ્રેસની ‘ચૌદશ’ જીતે તો નવરાત્રી પર અસર: હર્ષ સંઘવી
આ પણ વાંચો : બોપલ ગરબામાં હુમલો: ટિકિટ વિવાદે નવરાત્રીની ઉજવણીમાં પાડી ખલેલ, પાંચની ધરપકડ
