Surat News : સુરત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ નટવરલાલ મોદીને ₹45 હજારની લાંચ (Bribe)સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દ્વારા સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઇન નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ મોદીએ ₹50 હજારની લાંચ (Bribe)ની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ACB દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી અને ફરિયાદી વચ્ચે થયેલી વાતચીતમાં લાંચ (Bribe)ની રકમ અંતે ₹45 હજાર નક્કી થઈ હતી.
મંગળવારે (3 જૂન, 2026) ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ₹45 હજારની લાંચ સ્વીકારી હતી. ત્યારબાદ ACBની ટીમે ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટની બહાર રોડની સાઇડ પરથી તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ટ્રેપ દરમિયાન સ્વીકારવામાં આવેલી સમગ્ર ₹45 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી હતી.
અગાઉ પણ લાંચ કેસમાં ઝડપાયા હતા
ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશભાઈ મોદી અગાઉ વર્ષ 2021માં પણ લાંચ કેસમાં ACBના હાથે ઝડપાઈ ચૂક્યા છે. તે સમયે તેઓ રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા અને ડ્રેનેજ જોડાણની મંજૂરી માટે ₹15 હજારની લાંચ લેતા પકડાયા હતા. તે મામલે પણ સુરત શહેર ACB પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ફરી એકવાર લાંચ સ્વીકારતા ઝડપાતા સુરત મહાનગરપાલિકાના તંત્રમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ACB દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
