સુરત
સુરતમાં ટ્રાફિક વિભાગ દ્વારા 16 વર્ષથી નીચેની ઉંમરના ટુ-વહીલર ચલાવતા સગીર બાળકોના વાહનો જપ્ત કરવાની કામગીરી ચાલુ થઈ છે. જે અંતર્ગત 71 જેટલા વાહનો જપ્ત કરાયા હતા.તથા 15 વાલીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હતો.
અધિકારીના જણાવ્યા પ્રમાણે, મોટરવ્હીકલ્સ એક્ટની જોગવાઈ પ્રમાણે, જે વ્યક્તિના નામ ઉપર વાહન રજિસ્ટર હોય તે વ્યક્તિ કોઈ સગીર ઉંમરના બાળકને વાહન ચલાવવા ન આપી શકે. પોલીસે સ્કૂલ અને વાલીઓને નોટિફિકેશન મોકલ્યું હતું.
જેમાં સગીર વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર ચલાવવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાનું જણાવાયું હતું. આ નોટિફિકેશન આપ્યા બાદ જ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સગીર છોકરા-છોકરીઓ અકસ્માત સર્જી શકે છે, જેના કારણે તેમને કે અન્ય વાહનચાલકને ક્યારેક ગંભીર ઈજા થઈ શકે છે.
કેટલીક શાળાઓએ ટુ-વ્હીલર લઈને શાળાએ આવતા સગીર વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાનો નિયમ બનાવ્યો છે. સગીર વાહનચાલકો પર પોલીસે કરેલી કાર્યવાહી શહેરમાં ટ્રાફિકની સ્થિતિ સુવ્યવસ્થિત કરવા માટે છે