Navratri/ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓનો અનોખો તલવાર રાસ

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રાજકોટની ક્ષત્રિય મહિલાઓના અનોખા તલવાર રાસનું નામ છે નોંધાયું. ભગીની સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે.

Gujarat Rajkot Trending

નવરાત્રી તહેવાર ગુજરાત સહિત દુનિયાભરમાં લોકપ્રિય બન્યો છે. નવરાત્રી તહેવાર પર ગુજરાતના રાજકોટમાં તલવાર રાસ વિશેષ રીતે અલગ તરી આવે છે. રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ નવરાત્રી તહેવાર પર અનોખો તલવાર રાસ જમતી જોવા મળે છે. તલવાર રાસ પર્વની ઉજવણીની સાથે મહિલાઓને સશક્ત બનાવી પોતાનું રક્ષણ કરવા સજ્જ કરવા માટેનો એક પ્રયાસ છે.

રાજકોટમાં ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મહિલાઓ માટે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાનો તલવાર રાસના આયોજન પાછળનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓના રક્ષણનો છે. તલવાર રાસમાં મહિલાઓને તલવાર બાજીની તાલીમ આપવામાં આવે છે. ભગીની સેવા ફાઉન્ડેશનના પ્રમુખ કાદમ્બરી દેવી જાડેજા રાણી સાહેબ કહે છે કે તેમની સંસ્થાએ 300થી વધુ યુવતીઓને તલવારબાજીની તાલીમ આપી છે. આજે કહેવાતા મહાનુભાવો મહિલા અનામત અને મહિલા સશક્તિકરણની ફકત વાતો કરી રહ્યા છે. ત્યારે મહિલાઓ પણ પોતાની આત્મરક્ષા પ્રત્યે વધુ સભાન બની છે. સમાજમાં પ્રવર્તી રહેલા દૂષણનો સામનો કરવા મહિલાઓ અને યુવતીઓ તલવાર બાજી જેવા અન્ય કરતબોની પણ તાલીમ લઈ રહી છે.

ભગીની સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી તલવાર રાસનું આયોજન કરવામાં આવે છે. તલવાર રાસમાં 10 વર્ષની યુવતીથી લઈને 60 વર્ષની મહિલાઓ ભાગ લે છે. તલવાર રાસમાં ભાગ લેનાર તમામને દરરોજ 2 થી 3 કલાક તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે. તલવાર રાસની તાલીમ લેનાર મહિલા જણાવે છે કે તેમણે ક્યારેય તલવાર ચલાવી નહોતી. આ સંસ્થાએ પદ્ધતિસર તલવારની તાલીમ આપી. મહિલા કહે છે કે આજે તેઓ તલવારબાજીમાં નિપુણ બન્યા છે અને તેઓ પુરુષો કરતાં પણ વધુ સારી તલવાર બાજી કરી શકે છે.

રાજકોટના ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરાતા તલવાર રાસનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. સામાન્ય રીતે તલવાર બાજી રાજપૂત-ક્ષત્રિય પરિવારની પરંપરા છે. તલવાર બાજી એક મુશ્કેલ કસરત છે જે મોટાભાગે પુરુષો કરતા હોય છે. શહેરના રણજીત વિલાસ પેલેસમાં યુવતીઓ અને મહિલાઓને તલવાર રાસની તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 26 વર્ષથી કાર્યરત ભગીની સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટે મહિલાઓને સશક્ત બનાવવા તલવાર રાસનું આયોજન હાથ ધર્યું.