તારતમ સાગર એ મહામતી શ્રી પ્રાણનાથજી દ્વારા દેશ અને વિદેશમાં ધર્મના પ્રચાર માટે અપાયેલી ઉપદેશોનો સંગ્રહ છે, જેમાં પ્રણામી ધર્મના સંપૂર્ણ સિદ્ધાંતો અને ફિલસૂફી છે. ચૌદ કૃતિઓના આ પવિત્ર સંકલનમાં વૈદિક ગ્રંથો, કતેબ (સામી ગ્રંથો- કુરાન, તોરાહ, દાઉદ અને બાઇબલના ગાન સાથે) પરમધામ સર્વોચ્ચ પરમધામનું વર્ણન છે જેને મુસ્લિમ અર્શે અઝીમ (લાહુત) અને ક્રિશ્ચિયન સર્વોચ્ચ સ્વર્ગ કહેવામાં આવે છે. અને તે બધાના રહસ્યોને ટાંકીને તેની રચના કરવામાં આવી છે. આ તમામ સંયોજને કારણે જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ પ્રણામી આસ્થાના અનુયાયીઓ ભગવાનની જેમ આ પવિત્ર ગ્રંથની પૂજા કરે છે.

તારતમ સાગર
નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજના સિદ્ધાંતો તથા બ્રહ્મજ્ઞાનને અનુસરીને તેમના મુખ્ય શિષ્ય મહામતિ શ્રી પ્રાણનાથજીએ તેમની જ આજ્ઞાથી દેશ વિદેશમાં પરિભ્રમણ કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. તે સમયે તેઓએ પોતાના ઉપદેશોથી અનેક આત્માઓને જાગૃત કર્યા. તે ઉપદેશોનો સંગ્રહ તારતમ સાગર નામથી પ્રસિદ્ધ છે. તેમાં ધર્મના સંપૂર્ણ સિદ્ધાંત તથા દર્શન સમાવિષ્ટ છે. નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી અને મહામતિ શ્રી પ્રાણનાથજીના જીવન ચરિત્રના ઐતિહાસિક ગ્રન્થને સંપ્રદાયમાં વીતક કહેવામાં આવે છે. આજે અનેક વીતક પદ્ય તથા ગદ્ય રૃપે ઉપલબ્ધ છે.
શ્રી તારતમ સાગર ગ્રન્થ રાસ, પ્રકાશ, ષટ્ઋતુ, કલશ, સનંધ, કિરંતન, ખુલાસા, ખિલવત, પરિક્રમા, સાગર, સિનગાર, સિંધી, મારફત સાગર, ક્યામતનામા જેવા ૧૪ અવાન્તર ગ્રન્થોનો સંગ્રહ છે. એમાં કુલ ૧૮૭૫૮ ચોપાઈઓ સંકલિત છે. આ વિશાળકાય ગ્રન્થમાં ધર્મના સિદ્ધાંત, દર્શન, સાધના પદ્ધતિ તથા માન્યતાની સાથોસાથ પરબ્રહ્મ પરમાત્માના, ધામ, સ્વરૃપ, નામ તથા લીલાઓનું વિશદ વર્ણન છે. તેમાં ધર્મમાં પ્રચલિત વિવિધ મતમતાન્તરો અને બાહ્ય આડંબરોનો ઉલ્લેખ કરી તેમનાથી મુક્ત થઈ ધર્મના શુદ્ધ સ્વરૃપને અનુસરવાની પ્રક્રિયાની સાથોસાથ એક ઉદાત, સુશિક્ષિત તથા સ્વસ્થ સમાજની રચનાની વાતો કરવામાં આવી છે.
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં નિર્દિષ્ટ તત્ત્વજ્ઞાન
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં તારતમ જ્ઞાન તથા પ્રેમલક્ષણા ભક્તિનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલ છે. તારતમ જ્ઞાન દ્વારા આત્મા, પરમાત્મા તથા પરમધામની પિછાણ થાય છે અને પ્રેમલક્ષણા ભક્તિના દ્વારા તેમનો અનુભવ થાય છે. તારતમ જ્ઞાન યથાર્થ જ્ઞાન છે. જગતની નશ્વરતા, પાતાલથી સતલોક પર્યંતની પરિવર્તનશીલતા સહિત સમગ્ર ક્ષર બ્રહ્માંડની જાણકારીની સાથોસાથ અવિનાશી પરમધામનું તારતમ્ય યથાર્થ રૃપે સમજાવવાને કારણે એને તારતમ જ્ઞાન કહેવામાં આવ્યું છે.
આ સંપૂર્ણ બ્રહ્માંડ તથા એમના સંચાલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાવાળા વિભિન્ન વિભૂતિઓ દેવી દેવતાઓથી લઈને ભગવાન નારાયણ સુધી બધા વ્યષ્ટિ તથા સમષ્ટિ જગત પરમાત્માના ક્ષર સ્વરૃપમાં આવે છે. સમગ્ર બ્રહ્માંડ ક્ષર કહેવાય છે. આવા અનંત બ્રહ્માંડોનું સર્જન કરવાવાળા પરમાત્માનું બીજુું સ્વરૃપ કાર્યબ્રહ્મ અથવા અક્ષરબ્રહ્મ કહેવાય છે. જેમાં પ્રણવ બ્રહ્મ, ગોલોકધામ, કેવલ બ્રહ્મ, સત્સ્વરૃપ વગેરે બધા સમાવિષ્ટ છે. અક્ષર બ્રહ્મને તેમના કાર્ય માટે પ્રેરણા તથા નિર્દેશન પ્રદાન કરવાવાળા પરમાત્માનું મૂળ સ્વરૃપ છે તે અક્ષરથી પણ ઉત્કૃષ્ટ અક્ષરાત્ પરતઃ પરઃ હોવાથી તેને અક્ષરાતીત, ઉત્તમ પુરુષ, પરમસત્ય વગેરે શબ્દોના દ્વારા નિર્દેશ કરેલ છે. સમ્પ્રદાયમાં તેમને જ શ્રી કૃષ્ણજી અથવા શ્રી રાજજીના નામથી પોકારવામાં આવે છે.
બ્રહ્મના ત્રણ સ્વરૃપની જેમ ચેતના(જીવ) ના પણ ત્રણ સ્વરૃપ કહેવામાં આવ્યા છે. તે છે જીવસૃષ્ટિ, ઈશ્વરીસૃષ્ટિ તથા બ્રહ્મસૃષ્ટિ. જીવસૃષ્ટિનું કાર્યક્ષેત્ર ક્ષર જગત હોવાથી તેમનો મુખ્ય સંબંધ પણ ક્ષરબ્રહ્મ અર્થાત્ ભગવાન નારાયણ તથા અન્ય ક્ષર વિભૂતિયોની સાથે છે. ઈશ્વરીસૃષ્ટિનો સંબંધ કાર્યબ્રહ્મ અક્ષર બ્રહ્મ સાથે છે. અને બ્રહ્મસૃષ્ટિનો મૂળ સંબંધ અક્ષરાતીત બ્રહ્મ શ્રી કૃષ્ણજી અર્થાત્ શ્રી રાજજી સાથે છે. જીવસૃષ્ટિ નશ્વર ખેલનું મુખ્યપાત્ર છે. બ્રહ્માત્માઓ અથવા ઈશ્વરી આત્માઓ જગતનો ખેલ જોવા માટે છે. જીવસૃષ્ટિને નશ્વર જગત પ્રિય લાગે છે. તેમને સામાન્ય રીતે પરમાત્માની પ્રત્યે જરાપણ રુચિ હોતી નથી. જ્યારે બ્રહ્મસૃષ્ટિ તથા ઈશ્વરી સૃષ્ટિ યાત્રિકોની જેમ જગતની યાત્રાનો આનંદ લે છે. પરંતુ તેઓ પણ માયા મોહના પ્રભાવમાં આવીને સ્વયંને, પોતાના સ્વામી પરમાત્મા તથા પોતાના ધામ પરમધામને પણ ભૂલી ગઈ. તેઓને જાગૃત કરવા માટે તારતમ જ્ઞાનનું અવતરણ થયું છે. એના દ્વારા જાગૃત થયેથી હૃદયમાં પ્રેમભાવ પ્રગટ થશે. પ્રેમથી પરમાત્માનો અનુભવ થશે. પ્રેમ બ્રહ્મનું જ સ્વરૃપ છે. પરમાત્મા પ્રત્યે અનન્ય ભાવને પતિવ્રતા ભાવ કહેવામાં આવ્યો છે. ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મની ઐશ્વર્ય લીલાના પાત્રો છે તથા બ્રહ્મસૃષ્ટિ પ્રેમલીલાના પાત્ર છે. તેઓને નશ્વર જગતનો ખેલ જોતાં જોતાં જળકમળવત્ રહેવાનું હોય છે, પરંતુ જાગૃત થયા પછી જ આ સંભવ છે. એટલા માટે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં આત્મ જાગૃતિ ઉપર વિશેષ બળ આપવામાં આવ્યું છે.
ધાર્મિક સ્વરૃપ
શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમાં દીક્ષિત વ્યક્તિને સુંદરસાથ કહેવામાં આવે છે. પૂજાપાઠ, ધ્યાન, ચિંતન, સત્સંગ વગેરે એમનો નિત્યક્રમ છે. સુંદરસાથની સંખ્યા તથા તેમની ભૌતિક ક્ષમતાના આધારે જુદા જુદા ક્ષેત્રોમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરોનું નિર્માણ થયું છે. આવા સાર્વજનિક મંદિર તથા ગૃહ મંદિરમાં સિંહાસન પર પૂર્ણબ્રહ્મ પરમાત્માના પ્રતીકના રૃપે તેમનું વાઙ્મય સ્વરૃપ શ્રી તારતમ સાગર ગ્રન્થને પધરાવવામાં આવે છે. આ વાઙ્મય સ્વરૃપને વાઘા વસ્ત્ર મુકુટ, બંશી, હાર વગેરેથી સુશોભિત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વર્ણવેલ અષ્ટવિગ્રહ મધ્યે વાઙ્મય સ્વરૃપની પૂજા જ્ઞાનની પૂજા છે. એટલા માટે જન્મ મરણાદિ જુદા જુદા પ્રસંગોમાં તારતમ સાગરનો પાઠ પારાયણ કરવામાં આવે છે.
સુંદરસાથ નિયમિત રૃપે દર્શન કરવા મંદિર જાય છે અને મંદિરમાં પધરાવેલા શ્રી તારતમ સાગરની ન્યૂનતમ પાંચ ચોપાઈઓનો પાઠ કરવો પોતાનું કર્તવ્ય સમજે છે. પોતાની અનુકૂળતા મુજબ દૈનિક વાણી ચર્ચા અથવા સાપ્તાહિક તથા પાક્ષિક સત્સંગમાં સામેલ થવા માટે પણ ઉત્સુક રહે છે. તીર્થસ્થાનોની સાથોસાથ જુદા જુદા ક્ષેત્રના મંદિરોમાં પણ પર્વો ઉત્સવો મનાવવામાં આવે છે.
વિશેષતા
સુંદરસાથની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ પરસ્પર મળે ત્યારે વર્ણ-વર્ગ, નાના-મોટા વગેરેનો ભેદભાવ રાખ્યા વગર પરસ્પર હાથજોડીને એક બીજાને પ્રણામ કરે છે. અભિવાદન તથા પ્રતિ અભિવાદન બંનેમાં પ્રણામ શબ્દનો પ્રયોગ થાય છે. આ સમ્પ્રદાયમાં ધુમ્રપાન, તમાકુ, મદ્યપાન માંસાહાર વગેરેને હંમેશાં ત્યાજ્ય ગણવામાં આવ્યા છે તથા દીર્ઘ કર્મકાંડની જાળથી ઉપર રહી પ્રેમલક્ષણા ભક્તિદ્વારા પૂર્ણબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. મહાત્માઓના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કારને બદલે ભૂમિ સંસ્કાર અથવા સમાધિ આપવામાં આવે છે જેથી તેમના શિષ્યો ત્યાં એકત્રિત થઈ પ્રાર્થના કરી શકે.
પવિત્ર ધર્મસ્થળ

જામનગર
નવતનપુરી ધામ, જામનગર એ પ્રણામી ધર્મનું તીર્થસ્થળ છે કારણ કે દેવચંદ્ર જીને અહીં દિવ્ય જ્ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એવું માનવામાં આવે છે કે એકવાર દેવચંદ્રે દાંત સાફ કર્યા અને દાતણ ને જમીનમાં દબાવી દેતા એક વિશાળ વૃક્ષ ઉગી નીકળ્યું હતું. આજે, 400 વર્ષ પછી પણ હયાત છે. અને તેને ખીજડા વૃક્ષ કહેવામાં આવે છે અને આ મંદિરને ખીજડા મંદિર કહેવામાં આવે છે.

સુરત
પ્રાણનાથે સુરત પ્રચારમાં 17 મહિના વિતાવ્યા. આ સમય દરમિયાન તેમને ગાદી પતિ બનાવવામાં આવ્યા અને અને અહીં જ તેમને તેમના શિષ્યોએ મહામતી સ્વામી પ્રાણનાથની ઉપાધી સાથે પૂજા-અર્ચના કરી હતી. ત્યારથી, સૈયદપુરાની આ સંસ્થા શ્રી મહા મંગલપુરી ધામ અથવા વધુ જાણીતા મોટા મંદિર તરીકે ઓળખાય છે.

પન્ના
જ્યાં પ્રાણનાથ મહારાજા છત્રસલને મળ્યા, તેમણે તેમને આશીર્વાદ આપ્યા અને જલપૂકાર નામની તલવાર રજૂ કરી. આ તલવારથી છત્રસલે મુઘલ સૈન્યને પરાજિત કરી હતી. પ્રાણનાથે પણ પન્નાની ભૂમિને હીરાની ઉપજના આશીર્વાદ આપ્યા હતા, જેણે છત્રસાલને ઔરંગઝેબ સામે લડવા માટે નાણાં પૂરા પાડ્યા હતા. વિંધ્યાચલ પર્વતમાળા પર નવું નીલમણિ સ્થાપવા બદલ અભિનંદન આપતાં પ્રાણનાથે પણ આ ભૂમિ પસંદ કરી હતી અને ત્યાં શ્રી શ્રીનો ધ્વજ લહેરાવ્યો હતો. ધ્વજ આજે પણ જોઇ શકાય છે. પ્રણનાથ 11 વર્ષ પન્નામાં રહ્યા અને પોતાનો મૃતદેહ પરમધામ માટે અહીં છોડી દીધો. આ સ્થાન મુક્તિપીઠ તરીકે ઓળખાય છે અને ત્યાં સ્થાપિત મંદિરને પદ્માવતીપુરી ધામ કહે છે. આજે પણ મધ્યપ્રદેશના પન્ના જીલ્લામાં આ ધાર્મિક સ્થળનું અતિ મહત્વ છે.
દાર્જિલિંગ
પશ્ચિમ બંગાળનું સૌથી મોટું સ્થળ એટલે કાલિમપોંગ. પ્રણામી ધર્મનું એક વિશાળ મંદિર, દાર્જિલિંગમાં સ્થિત છે. સંપ્રદાયના પ્રચારમાં ફાળો આપવા બદલ મંદિરનું નામ ગુરુ મંગલદાસ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય
આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત
આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત
આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ
આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ
