World News : વિશ્વ રાજકારણમાં ફરી એકવાર તણાવ(Tension)ની સ્થિતિ ઊભી થઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને લઈને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અહેવાલો અનુસાર, આજે રાત્રે કોઈ મોટો અને ખતરનાક વિકાસ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા આજે રાત્રે તેના પર ફરી હુમલો કરી શકે છે. સાથે જ ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ હુમલો થશે તો તે દરેક સ્તરે જોરદાર જવાબ આપશે અને વધુ આધુનિક તથા ઘાતક હથિયારોનો ઉપયોગ કરશે.
આ તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો અમેરિકા પર હુમલો કરવામાં આવશે તો યુએસ સૈન્ય “અભૂતપૂર્વ શક્તિ અને તાકાત સાથે” જવાબ આપશે. તેમના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા(Tension)નો માહોલ વધુ ગાઢ બન્યો છે.
તણાવ વધવાનું મુખ્ય કારણ ઓમાનના અખાતમાં બનેલી ઘટના છે, જ્યાં યુએસ સૈન્યએ એક ઈરાની જહાજ કબજે કર્યું હતું. અમેરિકા મુજબ જહાજ નાકાબંધીનો ભંગ કરી રહ્યું હતું, જ્યારે ઈરાને આ કાર્યવાહી ને “ચાંચિયાગીરી” ગણાવી છે.
આ ઘટનાના પગલે ઈરાને ડ્રોન હુમલાઓ દ્વારા પ્રતિક્રિયા આપી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. હાલ સૌથી મોટી ચિંતા એ છે કે યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થવાની નજીક છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ સમજૂતી નહીં થાય, તો પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધ તરફ વળી શકે છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે જો આ સંઘર્ષ વધશે, તો તેનો પ્રભાવ માત્ર અમેરિકા અને ઈરાન પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વિશ્વ, ખાસ કરીને ગલ્ફ વિસ્તાર અને વૈશ્વિક તેલ બજાર પર પણ ગંભીર અસર પડી શકે છે.
