બ્લાસ્ટ/ હાલોલના પ્રતાપપુરામાં કેમિકલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોની હાલત ગંભીર

પ્રતાપપુરા ગામે આવેલી પ્યુરિટી કેર કંપનીમાં બોયલર બ્લાસ્ટ થતાં જ અંદાઝે પાંચ કી.મી. દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા

Gujarat
halol હાલોલના પ્રતાપપુરામાં કેમિકલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 લોકોની હાલત ગંભીર

હાલોલના પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી કેમિકલ બનાવતી પ્યુરિટી કેર નામની કંપનીમાં બોયલરમાં પ્રચંડ બ્લાસ્ટ થતા કંપનીમાં કામ કરતા ૩ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને હાલોલ રેફલર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પ્રતાપપુરા ગામે આવેલી પ્યુરિટી કેર કંપનીમાં બોયલર બ્લાસ્ટ થતાં જ અંદાઝે પાંચ કી.મી. દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની કંપનીઓના છાપરા પણ ઉડી ગયા હતા અને દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. તેમજ આ પ્યુરિટી કેર કેમિકલ બનાવતી કંપનીમાં આજે સવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઈ હતી.

આ થયેલા બ્લાસ્ટમાં કંપનીમાં કામ કરતા ત્રણ કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલમાં લઇ ગયા બાદ વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીમાં બ્લાસ્ટ થતા કંપની સંચાલકો અને કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. જોકે ઓટોમેટિક પ્લાન્ટ હોવાથી પ્લાન્ટ હજી પણ ચાલુ છે, જેથી તંત્ર પ્લાન્ટ બંધ કરવા અવઢવમાં મુકાઈ ગયું છે.ત્યારેકંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ કી.મી. દૂર સુધી ધડાકાના અવાજ સંભળાયા હતા.

ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસ ની કંપનીઓના છાપરા પણ ઉડી ગયા હતા અને દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત કામદારોના કપડા અને બુટ હવામાં ઉડ્યા હતા. આ બનાવને પગલે હાલોલ મામલતદાર, ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિકોએ આ કેમિકલ કંપનીઓ સામે વિરોધ પણ નોંધાવ્યો છે અને આ કેમિકલ કંપનીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.