Gujarat News : ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ (Heatwave) સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સરેરાશ તાપમાનમાં આશરે 2 ડિગ્રી સુધીનો વધારો નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જ્યારે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.
સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં 43.5 ડિગ્રી, અમદાવાદમાં 43.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને ભુજમાં પણ તાપમાન 42 ડિગ્રીથી વધુ રહ્યું હતું.
સુરત શહેરમાં સામાન્ય કરતાં 6.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા હીટવેવ (Heatwave)જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસા, દીવ અને ભુજમાં પણ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે બફારાનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહી શકે છે. રાજકોટમાં 42 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રી અને ભૂજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 53 ટકા અને સાંજે 22 ટકા નોંધાયું હતું, જેના કારણે દિવસ દરમિયાન તીવ્ર ગરમી (Heatwave) નો અનુભવ થયો હતો.
જોકે, લોકોને હવે ગરમીમાંથી થોડી રાહત (Relief From The Heat)મળવાની આશા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. આગામી છ દિવસ દરમિયાન ગરમીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે.
બીજી તરફ ચોમાસાને લઈને પણ સારા સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ બની રહી છે અને 26 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસી શકે છે. આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતાં લગભગ ચાર દિવસ વહેલું પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
