Gujarat Weather News: ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 19 થી 22 જુલાઈ સુધી ગુજરાતના અનેક જીલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે. અગમચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો છલકાતા હાઈ એલર્ટ
જળ સંપતિ વિભાગના અહેવાલ મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. (કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ), જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે.
આ સિવાય રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે.
કચ્છ, ભાવનગગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર, દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ અપાયું છે.
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો
આ પણ વાંચો: કેબલ ના વાયરો નાખતો ઈસમ વ્યાજખોરી માં કરોડપતિ બન્યો
