Indira Gandhi/ દેશનાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી નથી રહ્યાં, નમસ્તે કહ્યું એટલામાં જ મારી ગોળી

31 ઓક્ટોબર 1984ની સાંજે સમાચાર આવ્યા કે દેશનાં વડાપ્રધાન ઈન્દિરા ગાંધી નથી રહ્યાં. ઈન્દિરાના બે શીખ રક્ષકે તેમને ગોળી મારી દીધી. દેશની જનતા સ્તબ્ધ રહી ગઈ. એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીને તેમના મૃત્યુની અપેક્ષા હતી. તેઓ ઘણીવાર તેમના ડૉક્ટર કૃષ્ણ પ્રસાદ માથુરને કહેતાં હતાં કે તેમનું અકસ્માતમાં અચાનક મૃત્યુ થશે. તેમનું આ નિવેદન પણ સાચું સાબિત થયું. જોઈએ અહેવાલ

Mantavya Exclusive Mantavya Vishesh
The Prime Minister of the country, Indira Gandhi, is not there, I was shot as soon as I said namaste

મામલો 38 વર્ષ જૂનો છે. પંજાબમાં શીખ આતંકવાદ ચરમસીમા પર હતો. તેનું નેતૃત્વ જરનૈલ સિંહ ભિંડરાંવાલે કરી રહ્યો હતો. તે પણ સુવર્ણ મંદિરમાં બેસીને. 5 જૂન, 1984ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ શીખ આતંકવાદને ખતમ કરવા માટે ઓપરેશન બ્લૂ સ્ટાર શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ભિંડરાંવાલે સહિત ઘણા લોકો ઓપરેશનમાં મૃત્યુ પામ્યા હતા. ઓપરેશનમાં સુવર્ણ મંદિરના કેટલાક ભાગોને નુકસાન થયું હતું. આ કારણે શીખ સમુદાયનો એક વર્ગ ઈન્દિરાથી નારાજ થઈ ગયો.

ઑપરેશન બ્લૂ સ્ટાર પછી ઇન્ટેલિજન્સ બ્યૂરોને ઇન્દિરા ગાંધીની હત્યાના કાવતરા વિશે સતત ઇનપુટ્સ મળી રહ્યા હતા, જેના કારણે પૂર્વ RAW ચીફ આરએન કાવને PMના સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા હતા. આ પછી, બિઅંત સિંહ જેવા શીખ ગાર્ડને ઈન્દિરા ગાંધીની સુરક્ષા ટુકડીમાંથી હટાવીને દિલ્હી પોલીસને પરત મોકલવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ તેમના લેખ ‘શી હેન્ડપિક્ડ હિમ, હી શૂટ હર ડેડ’માં લખે છે, ‘ઇન્દિરા ગાંધી વિચારતાં હતાં કે શીખ ગાર્ડ્સને હટાવવાથી લોકોમાં તેમની શીખવિરોધી છબિ ઊભી થશે, તેથી તેમણે દિલ્હી પોલીસને તેમના શીખ રક્ષકોને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો, જેમાં બિઅંત સિંહનો પણ સમાવેશ થાય છે.’

31 ઓક્ટોબર 1984ની ઠંડી સવાર અને સારોએવો તડકો નીકળ્યો હતો. ઈન્દિરા માટે એ ખૂબ જ વ્યસ્ત શિડ્યૂલ સાથેનો દિવસ હતો. પીટર ઉસ્તીનોવ તેમના પર ડોક્યુમેન્ટરી બનાવવા આવ્યા હતા. પૂર્વ બ્રિટિશ પીએમ જેમ્સ કાલાહાન સાથે બપોરે એક બેઠક નક્કી કરવામાં આવી હતી. આ પછી પ્રિન્સેસ તેમની સાથે ડિનરનો કાર્યક્રમ હતો.

કૃષ્ણ પ્રસાદ માથુર, જેઓ 1966માં વડાપ્રધાન બન્યા પછી ઈન્દિરાના ડૉક્ટર હતા. તેમણે જણાવ્યું કે તેઓ ઈન્ટરવ્યૂ માટે તૈયાર થઈ રહ્યા હતા. બ્યૂટિશિયન તેમનો મેકઅપ કરવામાં વ્યસ્ત હતી. સવારના 9 વાગ્યા હતા. તૈયાર થયા પછી ઈન્દિરા ગાંધી 1 સફદરજંગ રોડ ખાતેના તેમના ઘરેથી તેમની ઓફિસ, 1 અકબર રોડ પરની બાજુમાં આવેલા બંગલા પર જવા નીકળ્યાં. અહીં પીટર ઉસ્તીનોવ તેમની રાહ જોઈ રહ્યો હતો.

કોન્સ્ટેબલ નારાયણ સિંહ તેમને તડકાથી બચાવવા માટે છત્રી લઈને તેમની બાજુમાં જતો હતો. તેમની પાછળ જ પીએ આરકે ધવન અને અંગત સેવક હતા. તેઓ હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે બ્લેક બોર્ડર સાથે કેસરી રંગની સાડી પહેરી હતી. તેમણે સાડી સાથે મેચ થતાં કાળાં સેન્ડલ પણ પહેર્યાં હતાં.

કેમેરામાં ફોટોજેનિક થવા માટે તેમણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું નહોતું. (એ દરમિયાન ધમકીઓ મળવાને કારણે, તેમને બુલેટપ્રૂફ જેકેટ પહેરવાનું કહેવામાં આવ્યું હતું.) ઈન્દિરા ગાંધી 1 અકબર રોડને જોડતા વિકેટ ગેટ પર પહોંચ્યા કે તરત જ તેમણે ધવનના કાનમાં કંઈક કહ્યું.

ઈન્દિરા ગાંધીના સિક્યોરિટી ગાર્ડ સબ-ઈન્સ્પેક્ટર બિઅંત સિંહ ગેટ પર ઊભો હતો અને કોન્સ્ટેબલ સતવંત સિંહ સંત્રી બૂથ પર સ્ટેનગન લઈને ઊભો હતો. હંમેશની જેમ ઇન્દિરા આગળ આવીને બિઅંત અને સતવંતને નમસ્કાર કર્યા. દરમિયાન બિઅંતે તેની 0.38 બોરની સરકારી રિવોલ્વર ઈન્દિરા ગાંધી તરફ તાકી હતી. પછી ઈન્દિરાએ કહ્યું, ‘શું કરી રહ્યા છો?’ સેકન્ડના મૌન વચ્ચે બિઅંત સિંહ ફાયર કરે છે. ગોળી ઈન્દિરાના પેટમાં વાગી. આ પછી બિઅંતે ઈન્દિરા ગાંધી પર વધુ 4 ગોળી ચલાવી.

બિઅંત સિંહની બીજી બાજુ, એક અન્ય શીખ ગાર્ડ, 22 વર્ષનો સતવંત સિંહ તેની સ્ટેનગન લઈને ઊભો હતો. આ બધું જોઈને સતવંત ડરી ગયો. પછી બિઅંત બૂમો પાડે છે – ‘ગોળી મારો.’ આ સાંભળીને સતવંત 25 ગોળી ઈન્દિરા ગાંધીની છાતીમાં ઉતારી દે છે.

આ દરમિયાન ધવન સ્ટેચ્યૂની જેમ ઊભો રહ્યો. એ ઘટનાને યાદ કરતાં ધવન કહે છે, ‘જ્યારે હું એ દિવસ વિશે વિચારું છું ત્યારે હું પાગલ થઈ જાઉં છું. હું એ વિશે વિચારવાનો પ્રયત્ન પણ નથી કરતો.” તેઓ કહે છે કે ઇન્દિરા ગાંધી જમીન પર પડ્યાં પછી પણ સતવંતે ગોળીબાર ચાલુ રાખ્યો હતો.

દરમિયાન ધવન અને અન્ય સુરક્ષાકર્મીઓ લોહીથી લથપથ ઈન્દિરા તરફ દોડ્યા. બિઅંત અને સતવંતે કોઈ પસ્તાવો કર્યા વગર બંદૂકો છોડી દીધી. બિઅંતે કહ્યું, ‘મારે જે કરવું હતું એ મેં કર્યું. હવે તમારે જે કરવું હોય એ કરો.
ત્યાં સુધીમાં ITBPના જવાનો આવી પહોંચ્યા હતા. તેમણે બિઅંત અને સતવંત સિંહને પકડી લીધા. આ દરમિયાન બિઅંત સિંહને રહસ્યમય રીતે ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું.

કુલદીપ નય્યર પોતાના પુસ્તક ‘એક જિંદગી કાફી નહીં હૈ’માં લખે છે, ‘ધવને એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ફોન કર્યો, પરંતુ સામેની બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં. તેમણે આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં.’ વડાપ્રધાનના ઘરે તહેનાત એમ્બ્યુલન્સનો ડ્રાઇવર એ સમયે ચા પીવા ગયો હતો. હવે ધવન એમ્બેસેડર લાવવાનું કહે છે. ધવન અને સુરક્ષાકર્મી દિનેશ ભટ્ટ ઈન્દિરા ગાંધીને એમ્બેસેડરની પાછળની સીટ પર સૂવડાવી દે છે.

એટલામાં જ સોનિયા ગાંધી દોડીને આવે છે અને બૂમ પાડે છે – ‘મમ્મી! ઓહ ગોડ, મમ્મી!’ એ દિવસને યાદ કરતાં સોનિયા ગાંધી કહે છે, ‘જ્યારે મેં ગોળીબારનો અવાજ સાંભળ્યો, ત્યારે મને લાગ્યું કે આ દિવાળીના બચેલા ફટાકડા છે, પરંતુ આ કંઈક અલગ હતું. જ્યારે હું બહાર દોડી ત્યારે મેં જોયું કે તેમનું (ઇન્દિરા ગાંધી) શરીર ગોળીઓથી લથબથ હતું. મારાં સાસુ આવી ઘટના વિશે જાણતાં હતાં. તેમણે આ વિશે અમારી સાથે વાત કરી હતી. તેમણે રાહુલ સાથે વાત કરી અને કેટલીક ખાસ સૂચનાઓ પણ આપી.

ધવન અને અન્ય સુરક્ષા કર્મચારી દિનેશ ભટ્ટ એમ્બેસેડરમાં સોનિયા સાથે બેસે છે. સોનિયા પાછળની સીટ પર બેઠા અને ઈન્દિરા ગાંધીનું માથું પોતાના ખોળામાં રાખ્યું. ઈન્દિરા ગાંધીને એઈમ્સમાં લઈ જવામાં આવ્યાં. ઓફિસનો સમય હોવાથી રોડ પર ખૂબ જ ટ્રાફિક હતો, જેના કારણે AIIMS પહોંચવામાં સમય લાગી રહ્યો હતો. આ દરમિયાન કારમાં આખા માર્ગમાં શાંતિ છવાઈ ગઈ હતી. ઈન્દિરા ગાંધીના શરીરમાંથી સતત લોહી વહેતું હતું, જેના કારણે સોનિયાનો ગાઉન લોહીથી લથબથ થઈ ગયો હતો.

સાડા નવની આસપાસ કાર એઈમ્સ પહોંચે છે. ફરજ પરના જુનિયર ડોકટરોને આંચકા સાથે સમજાયું કે દર્દી કોણ છે અને ટોચના સર્જનો અને ગુલેરિયા, એમએમ કપૂર અને એસ બલરામ જેવા ડોકટરો મિનિટોમાં ત્યાં પહોંચી ગયા. ઈન્દિરા ગાંધી પર તરત જ ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરવામાં આવ્યો. ઈન્દિરાના હૃદયમાં નાની-નાની હિલચાલ થઈ રહી હતી. નાડીમાં ધબકારા નહોતા.

ડોકટરોએ તરત જ રક્તસ્ત્રાવ બંધ કરવાનો પ્રયાસ કર્યો. બહારથી સપોર્ટ આપવામાં આવ્યો. સર્જનોએ તેમની છાતી અને પેટનું ઓપરેશન કર્યું. આ દરમિયાન રક્તદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. આ પછી એઈમ્સની બહાર રક્તદાતાઓની મોટી ભીડ એકઠી થઈ ગઈ. ઓ-નેગેટિવ રક્તની 88 બોટલ ચડાવવામાં આવી હતી, પરંતુ કંઈ કામ ન આવ્યું.
કુલદીપ નય્યર તેમના પુસ્તક ‘એક જિંદગી કાફી નહીં હૈ’માં લખે છે, ‘એઈમ્સનો વીઆઈપી વિભાગ બંધ હોવાથી ત્યાં કોઈ સ્ટ્રેચર ન હતું, તેમને વ્હીલ ચેર પર કેઝ્યુઅલ્ટી વિભાગમાં લઈ જવામાં આવ્યાં હતાં. અહીં ડોક્ટરોની ટીમ તૈયાર હતી. દરમિયાન ઇન્દિરાનું અવસાન થયું હતું છતાં તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને તેમના ધબકારા ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડોકટરોએ જણાવ્યું હતું કે ગોળીઓ તેમના લિવરની જમણી બાજુને વીંધી ગઈ હતી. તેમના મોટા આંતરડામાં લગભગ 12 છિદ્રો હતાં અને તેમના નાના આંતરડાને ખરાબ રીતે નુકસાન થયું હતું. તેમના એક ફેફસામાં પણ ગોળી વાગી હતી અને એની અસરને કારણે તેમની કરોડરજ્જુ પણ તૂટી ગઈ હતી. તેમના શરીર પર 30 ગોળીનાં નિશાન હતાં અને ઈન્દિરાના શરીરમાંથી 31 ગોળી કાઢી નાખવામાં આવી હતી.

રાજીવ ગાંધી પણ ત્યાં સુધીમાં દિલ્હી પહોંચી ગયા હતા. રાજીવ ગાંધી એ સમયે ચૂંટણીપ્રચાર માટે પશ્ચિમ બંગાળ ગયા હતા. તેમને પણ બીબીસી રેડિયો પરથી આ માહિતી મળી હતી. આ પછી બપોરે 2:23 વાગ્યે ઈન્દિરા ગાંધીના મૃત્યુની ઔપચારિક જાહેરાત કરવામાં આવી. જ્યારે બીબીસીએ આ સમાચાર કેટલાક કલાકો પહેલાં જાહેર કર્યા હતા.

બંધારણીય ધારાધોરણો મુજબ, જ્યારે કોઈ વડાપ્રધાન કાર્યાલયમાં કોઈપણ કારણસર મૃત્યુ પામે છે, ત્યારે બીજાને તાત્કાલિક શપથ લેવી પડે છે, નહીંતર સરકારનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે, તેથી ઓલ ઈન્ડિયા રેડિયોને રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે શપથ લેવાના હતા એની થોડી મિનિટો પહેલાં જ જાહેરાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ત્યાં સુધીમાં એઈમ્સમાં સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. ધીરે ધીરે સમાચાર એ પણ ફેલાઈ ગયા કે ઈન્દિરા ગાંધીને બે શીખે ગોળી મારી દીધી હતી, જેના કારણે વાતાવરણ બદલાવા લાગ્યું. રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાંજે હોસ્પિટલમાંથી પરત ફરી રહેલા લોકોએ કેટલાક વિસ્તારોમાં તોડફોડ શરૂ કરી હતી. ધીરે ધીરે દિલ્હી શીખ રમખાણોની આગમાં લપેટાઈ ગયું. રાત પડતાં સુધીમાં દિલ્હી સહિત દેશનાં ઘણાં શહેરોમાં શીખવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.