આમ આદમી પાર્ટીએ સ્થાનિક ચૂંટણી ૫૦૪ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર પાડી પ્રથમ તબક્કામાં તો આ બન્ને પક્ષોને પાછળ રાખી દીધા: પરિણામ આવે તે ખરૂં !!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાના એંધાણ છે. મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ થઈ ચુકી છે. રાજકીય પક્ષો પણ પોતાની રીતે સાબદા – તૈયાર થઈ ગયા છે. કોંગ્રેસના નેતાઓએ ભલે સંગઠન હોય કે ન હોય પણ તમામ જિલ્લાઓનો પ્રવાસ શરૂ કર્યો છે. સ્થાનિક સ્તરે જ પસંદગી થશે તેવી વાતો થાય છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાનો પ્રવાહ પણ હજી અટક્યો નથી. સાથે સાથે ભાજપે ચૂંટણીની તૈયારીઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા કવાયત શરૂ કરી છે અને નવા સંગઠનની રચના પણ કરી નાખી છે. અત્યારથી જ જે તે જિલ્લાના પ્રધાનો અને પ્રભારી પોતાના મત વિસ્તારમાં ગોઠવાઈ ગયા છે અને પેજ પ્રમુખો અને પેજ સમિતિઓ રચવાનીકામગીરીમાં લાગી ગયા છે.
ભાજપમાં અત્યાર સુધી બુથ સમિતિ પણ હવે પેજ સમિતિ
ભાજપ સ્થાનિક ચૂંટણીઓ હોય કે પેટા ચૂંટણી કે પછી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય તે તમામ બાબતોને સમાન મહત્વ આપ્યું છે. અત્યાર સુધી તો ‘ભાજપ બુથ સમિતિઓના આધારે ચૂંટણી લડતું હતું, પરંતુ હવે પેજ સમિતિઓના સહારે ચૂંટણી લડવાની યોજના ઘડી કાઢી છે. તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. કૃષિ કાયદાના ફાયદા સમજાવવાના બહાને ભાજપના નેતાઓએ ગ્રામ્ય વિસ્તારોમાં આડકતરો પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
સમીકરણ પરિવર્તનનો પવન
દક્ષિણ ગુજરાત, અમદાવાદ સહિતના સ્થળો અને તેમાંય ખાસ કરીને છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી અને ઓવૈસીની પાર્ટી બીટીપી વચ્ચે થયેલું જોડાણ પણ વિવિધ વિસ્તારોમાં ઘુસમારી આદિવાસી પછાત મુસ્લિમ મતોનું ધૃવિકરણ રચવાની વેતરણમાં છે. જ્યારે કચ્છ જેવા અમુક જિલ્લાઓમાં વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ પોતાનો દાવ ખેલી રહ્યા છે ત્યાં પોતાનું પછાત વર્ગનું જે સંગઠન ચાલે છે તેના નેજા હેઠળ મુસ્લિમ સમાજનો સાથ લઈ પોતાના ઉમેદવારો ઉતારવાની વેતરણમાં છે. આ બધા પક્ષો અને સંગઠનો તો માત્ર ચૂંટણીમાં પોતાની તાકાત બતાવવામાં વ્યસ્ત છે. હજી ઉમેદવારો માટે સ્થાનિક સ્તરે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દરેક બેઠક પર અમૂક સ્થળે દાવેદારોની સંખ્યા વધારે છે, તો અમુક સ્થળે આ સંખ્યા ઓછી પણ છે.
નામ તો નક્કી ઉપરથી જ થાય
બીજી વાત એ પણ છે કે ભલે નામોની પેનલ સ્થાનિક સ્તરે નક્કી થાય પણ આ પક્ષોને ઉમેદવારોની આખરી બહાલી તો દિલ્હીથી મેળવવાની હોય છે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારો જાહેર ભલે પ્રદેશ સ્તરેથી થાય તે જુદી બાબત છે પણ તેમના ઉમેદવારી પત્રક સાથે જોડવાના ચીહ્નની માગણી કરતા પત્રો તો પ્રદેશ સમિતિઓમાં જ આપતા હોય છે. પક્ષનું સંસદીય બોર્ડ જ નામ નક્કી કરતું હોય છે અને કેટલાક મત વિસ્તારો એવા હોય છે કે જ્યાં ભાજપ – કોંગ્રેસના ઉમેદવારની પસંદગીની રાહ જોતું હોય છે, તો કોંગ્રેસ ભાજરના ઉમેદવારની પસંદગીની રાહમાં હોય છે.
થોડાનાં છેલ્લે જાહેર આ કારણે થાય
આ ઉપરાંત બીજી એક બાબત એ પણ છે કે ૩૦ થી ૩૫ ટકા બેઠકોના ઉમેદવારોના નામો છેલ્લી ઘડીએ અને મોટા ભાગેતો ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ થતા હોય છે. જેથી બળવાખોરીને બહુ અવકાશ રહે નહિ હોય, પરંતુ ઉમેદવારોની પસંદગીના લિસ્ટનું પેપર જ લીક થયું હોય તો આયારામ ગયારામનો ખેલ કે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી પોતે જે પક્ષના ઉમેદવારને હરાવવાનો ખેલ પણ શરૂ થઈ જાય છે. જો કે આ પ્રકારની પ્રવૃતિ કોંગ્રેસમાં વધુ પ્રમાણમાં થાય છે. ભાજપમાં પણ કોંગ્રેસમાંથી આયાત થયેલા સભ્યો આગેવાનોની સંખ્યા વધી પછી તેમાં પણ આ દુષણ ઘુસી ચુક્યું હોવાની વાત ખુદ ભાજપના વર્તુળો પણ સહર્ષ સ્વીકારે છે.
આમ આદમીની ગુજરાતમાં એન્ટ્રી
ટુંકમાં ભાજપ-કોંગ્રેસ એ બે મુખ્ય પક્ષો જેમાં એક પક્ષ ૪૦ વર્ષ જૂનો છે, તો બીજાે પક્ષ ૧૩૬ વર્ષ જૂનો છે. તે બન્ને પક્ષો ઉમેદવારોની પસંદગી બાબતમાં મગનું નામ મરી પાડી શક્યા નથી. તેવે સમયે દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આતીશીજીએ આવીને પત્રકાર પરિષદ બોલાવીને સ્થાનિક ચૂંટણીઓના આમ આદમી પાર્ટીના ૫૦૪ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી. જેમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાએ તમામ ક્ષેત્રો આવી જાય છે. તમામ પક્ષોને આમ આદમી પાર્ટીએ વિચારકર્તા કરી દીધા છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી તે પહેલા ૧૦ થી વધુ જિલ્લાની અને તેમાંય ખાસ કરીને મહાનગરોની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી તે સાવ નાની વાત નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન તો છે જ ૨૦૧૪ની ચૂંટણીમાં આઠ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ મૂક્યા હતા અને ત્યારથી તેનું સંગઠન છે. મહાનગરોમાં તો તેમણે શહેર સમિતિ પણ બનાવી છે.
આમ આદમીની ઉમેદવારો નક્કી કરવામાં ખાસ ઝડપ
સુરત – અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને વાચા આપતા આવેદનપત્રો પણ આપ્યા છે રેલીઓ પણ કાઢી છે એટલે તેની પાસે ઘણા આગેવાનોનું જૂથ પણ અસ્તિત્વમાં છે આમ આદમી પાર્ટી પાસે અત્યારે ગુજરાતમાં કોઈ સ્તરે પોતાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે જ નહિ તેમને ઉમેદવારો શોધવાના છે અને આમ આદમી પાર્ટીના દિલ્હી સ્થિત આગેવાનોનો તો એવો દાવો પણ છે કે તેમનો પક્ષ ગુજરાતમાં તમામ સ્તરે મોટાભાગની બેઠકો પર ચૂંટણી લડવાનો છે ગુજરાતના તમામ મહાનગર, નગરો, જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યકરોની ફોજ તૈયાર કરી દીધી છે આમ આદમી પાર્ટીના આગેવાનોનો દાવો પણ છે કે તેઓ કોઈ પક્ષથી ગુજરાતને મુક્ત કરો કે ક્લીન સ્વીપ મેળવવાના દાવા સાથે નહીં પણ દિલ્હી મોડલના પ્રચાર સાથે અથવા તો સ્થાનિક સ્તરે લોકોને જે કોઈ સુવિધાઓ આપી શકાય તે આપવાની અને પાણી વિજળી રસ્તા જેવી મહત્વની સુવિધાઓ કે અમુક વિસ્તારોમાં સિટીબસ સેવા વ્યવસ્થીત બનાવવાના ઈરાદા સાથે ચૂંટણી લડવાની છે પહેલું લિસ્ટ પણ લોકોમાંથી પસંદ કર્યું છે બાકીના ઉમેદવારોનું લિસ્ટ પણ લોકોમાંથી – મતદારોમાંથી જ પસંદ કરવાનું છે. આ સંજાેગોમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક પ્રકારનો પડકાર ઉભો કર્યો છે ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી ત્યાં ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી આમ આદમી પાર્ટીએ નગારે ઘા દીધો છે.
ગુજરાતમાં પહેલી વખત કોંગ્રેસ-ભાજપ સિવાયનાં રાષ્ટ્રીય પક્ષો
ઘણા માને કે ન માને અને અત્યારે ભલે ઘણા લોકો આમ આદમી પાર્ટીને ભાજપ કે કોંગ્રેસની બી ટીમ તરીકે ગણાવતા હોય પણ એક વાત નક્કી છે કે એન્ટીઈન્કમ્બન્સીના લાભ લેવા ગુજરાતના સ્થાનિક ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આ પક્ષ કોઈ સ્થળે સત્તા મેળવે કે ન મેળવે પણ અમૂક સ્થળે કીંગ મેકર તો બનશે જ. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ‘આપ’ એ ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ઠોનું આશ્રય સ્થાન તો બનશે જ અને જે મતદારો ભાજપની વિરુધ્ધમાં છે પણ કોંગ્રેસને મત આપવા માગતા નથી અને જે લોકો કોંગ્રેસની વિરુધ્ધમાં છે પરંતુ સાથો સાથ ભાજપને પણ માનતા નથી તેવા મતદારો માટે આમ આદમી પાર્ટી યોગ્ય વિકલ્પ બનશે. ભલે ગુજરાતમાં ત્રીજુ કે ચોથુ પરિબળ ચાલતું ન હોવાનો ઈતિહાસ હોય પરંતુ આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસની મતબેન્કમાં તો ચોક્કસ ભાગ પડાવશે તે નક્કી છે ઓવૈસી વસાવાનું જાેડાણ માત્ર કોંગ્રેસને નુકસાન શકશે પણ આમ આદમી પાર્ટ તો ભાજપ કોંગ્રેસ બન્નેને નુકસાન પહોંચાડશે તે નક્કી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…