Janmashtami Special: 16મી ઑગષ્ટ અર્થાત્ આજરોજ જન્માષ્ટમીનો પાવન તહેવાર મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે અને ભક્તો ઉપવાસ રાખીને વિષ્ણુ ભગવાનના આ મોહક લાલજી સ્વરુપની ઉપાસના કરે છે. કૃષ્ણ મંદિરોમાં છપ્પન ભોગ ધરાવવામાં આવે છે. કાન્હા માટે, તમામ ઘરોમાં ભાત-ભાતના વ્યંજનો અને પકવાનો બનાવવામાં આવે છે. પંજરીથી માંડીને પંચામૃત સુધી, પરંપરાગત પ્રસાદને પણ ભાવથી તૈયાર કરવામાં આવે છે. પરંતુ, બાળગોપાળને જે સૌથી વધુ પ્રિય છે શુદ્ધ તાજો માખણ-મિસરીનો પ્રસાદ!! જો તમે પણ જન્માષ્ટમીએ શુદ્ધ તાજી માખણ-મિસરી બનાવીને ભગવાનને અર્પણ કરવા ઈચ્છતા હો તો આ રહી એની રેસિપી

માખણ-મિસરી શી રીતે બનાવશો?
સામગ્રી
1/2 કપ મલાઈ, ચપટી કેસર, 4-5 મોટી ચમચી મિસરી (દળેલી ખડી સાકર), 6-7 બરફના ટુકડા અને 2થી 3 ફુદીનાના તાજા પાન

બનાવવાની વિધિ
સૌપ્રથમ, મિક્સરમાં આઇસ ક્યુબ્સ અને મલાઈ નાખીને પીસી લો. આમ કરવાથી, થોડી જ વારમાં માખણ બનવા લાગશે, જેને જારમાંથી કાઢી લો. જો તમે ઈચ્છો તો મિક્સરની જગ્યાએ ઝેરણીની મદદથી વલોણું કરીને પારંપરિક રીતે પણ માખણ કાઢી શકો છો. જ્યારે માખણ તૈયાર થઇ જાય ત્યારે, એમાં કેસર અને મિસરી (દળેલી ખડી સાકર) ઉમેરો. ત્યારબાદ, તુલસીના પાનથી સજાવીને આ પ્રસાદ કાન્હાને અર્પણ કરી શકો છો. આ ઉપરાંત, સુંદર રીતે સજાવેલી માટીની નાનકડી મટકી કે કુલડીમાં પણ લાલાને માખણ-મિસરીનો પ્રસાદ ધરાવી શકાય.

માખણ-મિસરી શા માટે ખાસ છે?
એવી માન્યતા છે કે, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાળસ્વરુપમાં માખણ ચોર તરીકે પ્રસિદ્ધ હતા. પોતાના બાળસખાઓ સાથે મળીને નટખટ કાનુડો ગોપીઓના ઘરેથી માખણની ચોરી પણ કરતો હતો! આ પણ એમની બાળલીલાઓ પૈકીની એક સુંદર લીલા છે કેમ કે, એમને માખણ અને મિસરી અતિ પ્રિય હતા. એમની માતા યશોદા પણ એમને ઘણા પ્રેમથી માખણ-મિસરી ખવડાવતા હતા.
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર
આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત
