અફઘાનિસ્તાન પર કબજા મેળવ્યા બાદ હજી પણ વૈશ્વિકમાં તાલિબાનોને સત્તા આપવા મામલે અનેક દેશો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે ત્યારે અફઘાનિસ્તાન પર શાસન સંભાળવાની તૈયારી કરનાર તાલિબાને ફંડ્સને લઈને તેઓ ચીન પર નિર્ભર હોવાનું જણાવ્યું છે,કારણ કે ચીન તેમના સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે. તાલિબાનમાં નંબર 2 ની પોઝિશન પર રહેલા મુલ્લા અબ્દુલ ગનિ બરાદરે થોડાં દિવસ પહેલાં જ બેઈજિંગની મુલાકાત કરી હતી. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત કરી હતી. હવે આ મુલાકાતનો હેતુ ગુરૂવારે આપેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિયન ડોલર (લગભગ 200 લાખ કરોડ રૂપિયા)ની ખનીજ સંપત્તિ છે, જેના પર દુનિયાની ફેક્ટરી તરીકે સ્થાપિત થવા માગે છે ચીન
તાલિબાન ચીનને વિશ્વાસ અપાવી ચુક્યું છે કે તેઓ ઉઇગર મુસ્લિમોના કટ્ટરપંથી તત્વોને અંકુશમાં રાખશે. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરૂદ્ધ નહીં કરવામાં આવે. જો કે તાલિબાને ભારત સહિત સમગ્ર દુનિયાને એવો વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરૂદ્ધના ષડયંત્ર માટે નહીં થાય.
તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે ઈટાલીના અખબાર ‘લા રિપબ્લિકા’ને ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેઓએ તાલિબાન અને ચીનના નજીકના સંબંધો અંગે ખુલાસો કર્યો છે. મુઝાહિદે કહ્યું- અફઘાનિસ્તાનની ઈકોનોમી ઘણી જ ખરાબ હાલતમાં છે. અમારે દેશ ચલાવવા માટે ફંડ્સની જરૂરિયાત છે. હાલ અને શરૂઆતી તબક્કામાં અમે ચીનની મદદતી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર જીત મેળવી તે સાથે જ આખા દેશ પર કબજો જમાવી લીધો. 31 ઓગસ્ટ સુધીમાં તમામ વિદેશી સૈનિક અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યાં. જે બાદ અફઘાનિસ્તાનના તમામ ફોરેન ફંડ્સને અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ ફ્રીઝ કરી દીધા. ચીન આ તકનો લાભ ઉઠાવતા જોવા મળી રહ્યું છે. એક સવાલના જવાબમાં મુઝાહિદે કહ્યું- ચીન અમારો સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે. તેઓ અમારા માટે બુનિયાદી અને સારી તક લાવી રહ્યાં છે. ચીને વાયદો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને તેઓ તેને ફરીથી ઊભું કરશે. સિલ્ક રૂટથી તેઓ વિશ્વમાં પ્રભાવ વધારવા માગે છે. આ રૂટથી અમે પણ દુનિયા સુધી અમારી પહોંચ બનાવી શકીએ છીએ. અમારા દેશમાં તાંબાની ખાણ છે. ચીન તેને આધુનિક રીતે ફરીથી શરૂ કરશે. અમે દુનિયાને અમારું તાંબુ વેંચી શકીશું. તાલિબાન રાજમાં મહિલાઓની સ્થિતિના સવાલ પર જબીઉલ્લાહે કહ્યું- અમે વાયદો કરી ચુક્યા છીએ કે તેઓને શિક્ષણનો હક્ક મળશે. તેઓ નર્સ, પોલીસ કે મંત્રાલયમાં કામ કરી શકશે. તેઓને મંત્રી નહીં બનાવવામાં આવે.
