Jamnagar News: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દંડૂકો પછાડીને થાકી ગયા કે વ્યાજખોરને નહીં છોડાય, પરંતુ વ્યાજખોર એવી બલા છે જેની ચોટલી હજી સુધી કોઈના હાથમાં આવી નથી. હવે જ્યાં સુધી વ્યાજખોરોની ચોટલી હાથમાં આવે નહીં ત્યાં સુધી આ ત્રાસ તો રહેવાનો જ.
જામનગરમાં આવો વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. તેમા વ્યાજખોરે ધુતારપર ગામના ખેડૂતે લીધેલી રૂ. 25.50 લાખની રકમ ભરી ન શકતા અવેજ પેટે લીધેલા દસ્તાવેજનો ઉપયોગ કરી જામકંડોરણાના આરોપી શખ્સે બારોબાર જમીન બીજાને વેચી નાખી હતી. તેના પગલે મામલો હવે પોલીસ પાસે પહોંચ્યો છે. આ ઉપરાંત જલારામનગરના રીક્ષા ડ્રાઇવરે 11 જણા સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ દાખલ કરી છે.
જામનગરના ધુતારપર ગામમાં રહીને ખેતી કરતાં કાંતિભાઈ મોહનભાઈ સાંઘાણી (47)ને આરોપી ઘનાભાઈએ રૂ. 25.50 લાખ માસિક ત્રણ ટકાના વ્યાજે આપ્યા હતા. આના અવેજ પેટે ફરિયાદીએ પોતાની માલિકીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આરોપી પાસે નાણા ધીરધારનું લાઇસન્સ હોવા ન છતાં વ્યાજે રૂપિયા આપી અને ફરિયાદીએ લીધેલી રકમ ભરી ન શકતા આરોપીએ ફરિયાદીએ અવારનવાર ફોન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતો હતો. તેની સાથે આરોપીએ ફરિયાદી પાસેથી અવેજ પેટે લીધેલ દસ્તાવેજથી જમીન બીજાને બારોબાર વેચી દઈ ગુનો કર્યો હતો.
આ બનાવનો આખો ઘટનાક્રમ પહેલી ઓગસ્ટ 2018થી 24 મે 2019 વચ્ચેનો છે. આ બનાવને લઈને ખેડૂત કાંતિભાઈ સંઘાણીએ વ્યાજખોરોની ધમકી છતાં પણ પોલીસમાં જવાની હિંમત દાખવી હતી. તેમણે ઘના કેશવજી પટેલ સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ 5, 39, 40(એ),42(એ) હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
જ્યારે બીજા કિસ્સામાં રીક્ષાચાલકની માતાને કેન્સર હોઈ અને ધંધામાં નુકસાની આવતા રૂપિયાની જરૂરત ઊભી થઈ હતી. આથી તેણે જુદા-જુદા લોકો પાસેથી જુદા-જુદા સમયે પાંચથી 20 ટકા જેટલા વ્યાજે રૂપિયા ઉધાર લીધા હતા. દરમિયાન આરોપી દ્વારા વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ગુજરાત મની લેન્ડર્સ એક્ટ મુજબ આ કુલ 11 આરોપી અનિરુદ્ધસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ઝાલા, સુરેશ આહીર, હિતેશ ગોપીયાણી, સલીમ સમા, રાજુભાઈ જાડેજા, રઘુભા જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસની તપાસ પીએસઆઇ જાડેજા કરી રહ્યા છે.
ગૃહરાજ્યમંત્રીના આદેશના પગલે જામનગર જિલ્લામાં વ્યાજખોરીને દૂષણને ડામવા માટે એસપીના માર્ગદર્શન હેઠળ લોકદરબાર સહિતની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમા ભોગ બનનારને આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતના દરેક જિલ્લામાં પોલીસે વ્યાજખોરોની સામે કાર્યવાહી શરૂ કરી હોવા છતાં પણ વ્યાજખોરી બંધ થતી નથી.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
