World News: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે, જ્યારે તેના જવાબમાં ઈરાને ખાડીના કેટલાક દેશોમાં અમેરિકી હિતોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા અને વૈશ્વિક વેપાર અંગે ચિંતા વધી છે.
અમેરિકા- ઈરાન (US-Iran) વચ્ચે ઘર્ષણ વધ્યું
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ દાવો કર્યો છે કે તેણે ઈરાનના 140 સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાના જણાવ્યા મુજબ આ કાર્યવાહી હોર્મુઝ (Hormuz)ની ખાડીમાં વેપારી જહાજ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. હુમલામાં ઈરાનની મિસાઇલ અને ડ્રોન સાઇટ્સ, નૌકાદળની સુવિધાઓ, સંચાર નેટવર્ક અને તટીય સર્વેલન્સ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાનું કહેવું છે કે આ હુમલાનો હેતુ હોર્મુઝમાંથી પસાર થતા વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
ઈરાનનો દાવો – ગલ્ફ દેશોમાં અમેરિકી હિતોને બનાવ્યા નિશાન
અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને દાવો કર્યો છે કે તેણે બહેરીન (Bahrain), કુવૈત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આવેલા અમેરિકી સૈન્ય હિતો પર મિસાઇલ હુમલા કર્યા છે. ઈરાનના જણાવ્યા મુજબ કૂવૈતમાં અમેરિકી પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ, અને રડાર સાઇટને નિશાન બનાવવામાં આવી હતી. જ્યારે બહેરીનમાં અમેરિકી કમ્યુનિકેશન અને રડાર સિસ્ટમ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાનના સંસદ સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું કે હવે એકતરફી સમજૂતીઓનો સમય પૂરો થઈ ગયો છે.
અમેરિકી રક્ષા મંત્રીની ચેતવણી

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર નિવેદન આપતાં કહ્યું કે ઈરાને ખોટો નિર્ણય લીધો છે અને હવે તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકાનું કહેવું છે કે જો વેપારી જહાજો અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા પર ફરી હુમલો થશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વ પર શું પડશે અસર?
અમેરિકા અને ઈરાન વચ્ચેનો વધતો સૈન્ય સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે. હોર્મુઝ જળમાર્ગમાંથી વિશ્વના મોટા ભાગનો કાચા તેલનો પુરવઠો પસાર થાય છે. જો આ વિસ્તારમાં સંઘર્ષ વધુ વધશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, વૈશ્વિક વેપાર પર અસર, શિપિંગ ખર્ચમાં વધારો અને અનેક દેશોમાં મોંઘવારી વધવાની શક્યતા છે. સાથે જ મધ્ય પૂર્વમાં સુરક્ષા સંકટ વધુ ઘેરું બનવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Iranનો સીઝફાયર પ્રસ્તાવ, પરંતુ Donald Trumpએ મૂકી કઠિન શરત
આ પણ વાંચો: Iran જંગમાં UAE અને કતારનો મિસાઇલ ભંડાર ખતમ થવાની તૈયારીમાં હોવાનો ચોંકાવનારો દાવો
આ પણ વાંચો: US Vs Iran/ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે યુદ્ધ નહીં કરી શકે, US સંસદે બાંધી દીધા હાથ
