મંતવ્ય/ શાળાઓ શરુ કરવાની ઉતાવળ શાંત પડેલા કોરોનાને અશાંત બનાશે? શાળા એટલે માસ કોમ્યુનિટી, તે ન ભુલાય..

સુમસામ સડકો ફરી વ્યસ્ત બની છે. સાંજ ફરી સાધારણ બની ઢળી રહી છે. અને રાત્રે પણ હવે દિવસ ફરી ઉગશે તેવા ભણકારા વાગી જ રહ્યા છે. લોકોએ પણ હવે કોરોનાના ભયને જાણે ઘોળીને

India Mantavya Vishesh
a 144 શાળાઓ શરુ કરવાની ઉતાવળ શાંત પડેલા કોરોનાને અશાંત બનાશે? શાળા એટલે માસ કોમ્યુનિટી, તે ન ભુલાય..

સુમસામ સડકો ફરી વ્યસ્ત બની છે. સાંજ ફરી સાધારણ બની ઢળી રહી છે. અને રાત્રે પણ હવે દિવસ ફરી ઉગશે તેવા ભણકારા વાગી જ રહ્યા છે. લોકોએ પણ હવે કોરોનાના ભયને જાણે ઘોળીને પી લીધો હોય તેમ બિન્દાસ્ત બની ફરી રહ્યા છે. સુસ્ત બનેલા ઘરોમાં ઓફિસ જવાની તૈયારીઓના પગલે ધમાલ વર્તાઈ રહી છે. જો કે, દીવાળી બાદ નવી ટર્મ શરુ થઈ ચુકી હોવા છતાં બાળકોની સુસ્તી હજુ ઉડી નથી. ઘરોમાં મસ્તીની જમાવટ સાધારણ વેકેશન જેવી જ છે. તો બીજી તરફ દેશ અનલોક થયા બાદ તબક્કાવાર નાના-મોટા તમામ વ્યવસાયો મોટાભાગે શરુ થઇ ચુક્યા છે. અને બાકી બચ્યા છે તે શરુ થવાની તૈયારીઓમાં છે. તેવામાં સ્કૂલો ક્યારે અને કેવી રીતે ફરી શરુ કરવી જેવી બાબતો હાલ પણ વિષ્ટામણનો વિષય છે.

@કટાર લેખક – રીના બ્રહ્મભટ્ટની કલમથી…
rina brahmbhatt1 શાળાઓ શરુ કરવાની ઉતાવળ શાંત પડેલા કોરોનાને અશાંત બનાશે? શાળા એટલે માસ કોમ્યુનિટી, તે ન ભુલાય..

જો કે, આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ફરી એકવાર સ્કૂલો શરુ કરવાનો ઈશારો આપ્યો છે. પરંતુ અહીં પેચીદો સવાલ તે જ છે કે, કોરોના અંગે કોઈ જ પ્રકારની આગાહી જ્યાં શક્ય નથી ત્યાં અને અત્યારે કોરોના કેસોની સંખ્યામા થોડી રાહત માંડ થઇ છે ત્યારે હાલ સ્કૂલો ખોલી શકાય ખરી? જી, ના કેમ કે, સ્કૂલ એટલે એક એવી જગ્યા કે, જ્યાં મોટા પ્રમાણમાં એક વ્યવસ્થિત ટોળું એક બિલ્ડીંગનાં એક રુમમાં કે પ્રાંગણ નીચે એકઠું થાય. અહીં અગર કોઈ એક પણ વિધાર્થી, શિક્ષક , પટાવાળો કે મુલાકાતી જેવું એકપણ સંક્રમિત વ્યક્તિ અગર પ્રવેશે તો એક સાથે આ હજારો લોકોને સંક્ર્મણ થવાનો ભય રહેલો છે. તેમાં પણ બાળકો તો પહેલાથી જ કોરોનાનાં સોફ્ટ ટાર્ગેટ ગણવામાં આવે છે.

જાણવુ અત્યંત જરુરી છે કે, દ. કોરિયાએ સ્કૂલો શરુ કરવાનો આવો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ એક જ દિવસમાં સ્થિતિ એવી બગડી કે તત્કાલ સ્કૂલો બંધ કરવી પડી. અને તેથી જ યુરોપ, અમેરિકા અને કેનેડાની અનેક શૈક્ષણિક સંસ્થાનોએ સ્કૂલો આખું વર્ષ પૂર્ણતઃ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અહીં કોમન પીવાનું પાણી, ટોયલેટ, ટેબલ, ખુરશી, સિડી અને કઈ જાણે કેટલીય તેવી ચીજો છે કે, જેનો સ્પર્શ કોણ જાણે કેટલાય કરે છે. અને કોણ જાણે કઈ વ્યક્તિ કોરોના કેરિયર બનીને આવી પડે. માટે જ આ રાહ આસાન નથી…

પરંતુ જેવી કોઈ બાકી રહી ગયેલી પરીક્ષાઓ પુરી થશે કે, શાળા સંચાલકો સ્કૂલો શરુ કરવા મથામણ શરુ કરશે. કેમ કે આ તેમનો વ્યવસાય છે અને વળી ખર્ચાઓ પણ કાઢવાના હોય જ છે. પરંતુ આપણે તે બાબત પણ સારી રીતે જાણીયે છીએ કે, પશ્ચિમની તુલનાએ ભારતની ચિકિત્સા પદ્ધતિ અને સેનેટાઇઝેશન વ્યવસ્થા કેટલી દુરસ્ત છે. કોઈ સ્કૂલ એટલી સમર્થ નથી કે સ્થિતિની તુલનાએ શાળાને સેનેટાઇઝ કરી બાળકોને સુરક્ષિત રાખી શકે. તેથી જ હમણાં જ્યાં સુધી વેક્સીનેશન છુટથી શરુ ન થાય ત્યાં સુધી શાળાઓ ખોલવી એટલે વીંછીનો દાબડો ખોલવા જેવી બાબત છે. અને આમ પણ ફક્ત 10-12 હજાર જેટલા કોરોના કેસોમાં જ ગુજરાત અને તેમાં પણ અમદાવાદની હોસ્પિટલો હાંફવા માંડી હતી. તો એક સ્કૂલ પણ અગર સંક્રમિત થાય તો તંત્ર, બાળકો અને વાલીઓની તો __ લાગી જાય તેમાં કોઈ બેમત નથી.

જો કે, મોટાભાગની સ્કૂલોએ ઓનલાઇન ટીચિંગ શરુ કરી દીધું છે. પરંતુ જયારે વાત સમાજના તમામ સ્તરના બાળકોની થતી હોય ત્યારે સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોના ફયુચર અને શિક્ષણની પણ વાત આવે જ. પરંતુ બદનસીબીએ જેમ આપણે સરકારી હોસ્પિટલોને સજ્જ અને તાલીમબદ્ધ નથી રાખી શક્યા. કઇંક તે જ પ્રકારે સરકારી સ્કૂલોની સ્થિતિ પણ બદથી બદતર છે.

દેશની 40 % થી પણ વધુ સરકારી સ્કૂલોમાં આજે પણ વીજળી, પાણી, રમતના મેદાનો અને વળી કેટલીય સ્કૂલોમાં તો બેસવા માટે ઓરડા પણ નથી. અને આ બાબતનું સમર્થન ખુદ માનવ સંશાધન વિકાસ મંત્રાલય સંબંધિત સંસદીય સમિતિનાં તાજા રિપોર્ટમાં જોવા મળે છે. સમિતિએ સ્કૂલ શિક્ષા વિભાગના બજેટમાં 27 % ના કપાત માટે પણ સરકારની ટીકા કરી છે. આ રિપોર્ટ દ્વારા જાણવા મળે છે કે, કઈ કેટલાય સમય પહેલા દેશમાં શિક્ષાનો અધિકાર લાગૂ કરવામાં આવ્યો હોવા છતાં સરકારી સ્કૂલોની હાલત આટલી દયનિય કેમ છે ?

પ્રાપ્ત માહિતી મુજબ, શિક્ષણ વિભાગે સરકાર પાસે 82, 570 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેને 59, 845 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા. વધુમાં આ રિપોર્ટ મુજબ ફક્ત 56 % સ્કૂલોમાં જ વીજળી છે. તો ઓડિસા અને જમ્મુ જેવા રાજ્યોમાં તો આ આંકડો ફક્ત 30 % જેટલો જ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 57 % સ્કૂલોમાં જ રમત-ગમતનાં મેદાન છે. અને આનાથી પણ મોટા વાત એ છે કે, આજે પણ દેશમાં 1 લાખથી પણ વધારે સરકારી સ્કૂલ તેવી છે કે, જે એકલા એક શિક્ષકના જ દમ પર ચાલી રહી છે.અત્યારે પણ, દેશમાં એકપણ રાજ્ય એવું નથી કે, જ્યાં ફક્ત એકલા એક શિક્ષકથી જ સ્કૂલ ચાલતી ન હોય.

અરે દેશની રાજધાની દિલ્હીમાં જ આવી 13 સ્કૂલ છે. ત્યારે આવા એકાકી શિક્ષક દ્વારા જ કરવામાં આવતા અભ્યાસનું સ્તર કેવું હશે તે કલ્પી શકાય તેમ છે . ખેર અહીં સરકારી સ્કૂલોની આ અવદશા રજુ કરવાનું કારણ તે છે કે, કોરોનાની તણાવભરી સ્થિતિમાં આ સ્કૂલો તેમના બાળકોના ભવિષ્યને કેવી રીતે સંવારી શકશે ?

સમાજના આજે પણ લગભગ 40 % થી ઉપરના લોકો પોતાના બાળકોને આ સરકારી શાળાઓમાં ભણાવે છે. ત્યારે આજે આવી પડેલ આ કપરી સ્થિતિમાં ખાનગી શાળાઓ તો ઓનલાઇન ટીચિંગ કે અન્ય અન્ય રસ્તાઓ શોધી બાળકોનું વર્ષ જેમ તેમ પૂરું કરાવશે. પરંતુ આ સરકારી શાળાઓના બાળકોનું શું ? અને તે સાથે તે પણ ધ્યાન રાખવું જોઈશે કે, સરકારી કે ખાનગી શાળાઓ મા વેક્સીનેશન ન થાય ત્યાં સુધી કોઈપણ રીતે ના ખોલવાંમાં આવે. બાકી સમાજમાં મોટાભાગે અન્ય લોબીઓની જેમ શિક્ષણ માફિયાઓની પણ મીલીભગત હોય છે. જેને લીધે લોકોના બાળકોના અન્ય વાલીઓના હિતોના ભોગે કઈ કેટલીય વાર તેવા નિર્ણયો લેવાતા હોય છે કે જે શાળાઓ માટે જ ફાયદાકારક હોય છે . પરંતુ આ નિર્ણય ખુબ જ સમજી વિચારીને લેવો જોઈશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…