LIFESTYLE: વિવાહ એક પવિત્ર બંધન છે, પરંતુ જયારે તમારો જીવનસાથી તમારી સાથે બેવફાઇ કરી રહ્યો હોવાનું માલૂમ પડે ત્યારે તમે એક દુ:ખદ સ્વપ્ન જોતા હો એવી પીડાનો અનુભવ તમને થાય છે. ચાહે તમે ડૅટિંગ કરી રહ્યા હો, તમારી સગાઇ થઇ હોય કે લગ્ન થઇ ચૂક્યાં હોય, પ્રેમમાં વિશ્વાસઘાત કરવો એ સંબંધ તોડવા બરાબર છે. આવા સંજોગોમાં તમે નમતુ જોખીને પણ તમારા સંબંધને નિભાવ્યાં કરવાનું પસંદ કરો તો પણ તમારા બંને વચ્ચે હવે પહેલા જેવું આત્મીય જોડાણ કે સંવેદનાઓનું ટકવું લગભગ અસંભવ પ્રતીત થાય છે.
ચલચિત્રોમાં અનેકવાર પુરૂષ પાત્રોને જ એકથી વધુ મહિલાઓ સાથે સંબંધ બાંધનાર ‘દગાબાજ’ તરીકે દર્શાવવામાં આવે છે. જો કે, હાલનાં દાયકામાં, પોતાના પાર્ટનર સાથે બેવફાઇ કરવાની સ્પર્ધામાં હવે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી થવા લાગી છે!
અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ‘નેશનલ ઓપિનિયન રિસર્ચ સેન્ટર (NORC)’ દ્વારા વર્ષ 2022માં કરવામાં આવેલા ગ્લૉબલ સોશિયલ સર્વે (GSS) માં આ અંગે ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આ સર્વેક્ષણ દરમિયાન, 20 ટકા પુરુષો અને 13 ટકા મહિલાઓએ તેઓ પોતાના જીવનસાથીને દગો આપતાં હોવાની વાત સ્વીકારી હતી. આ ઉપરાંત, બ્રિટનની રિસર્ચ અને ડેટા ઍનાલિટિક્સ ફર્મ ‘YouGov’ દ્વારા 1,000 થી વધુ પરિણીત વ્યક્તિઓને આવરી લેતા એક સર્વેક્ષણમાં પણ કંઇક આ જ પ્રકારના પરિણામો જોવા મળ્યાં હતા. જે પૈકીના 20 ટકા પુરુષો અને 10 ટકા મહિલાઓએ પોતાના જીવનસાથી સાથે દગો કર્યાની વાત બેધડક સ્વીકારી હતી.
છેલ્લા કેટલાક દશકાઓમાં, બેવફાઇ કરનારી મહિલાઓની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ છે. 2010ના આંકડાઓ અનુસાર, પત્નીઓ દ્વારા પોતાના પતિને દગો આપવાની પ્રવૃત્તિમાં 20 વર્ષ પહેલાની સરખામણીએ, 40 ટકા નો વધારો નોંધાયો છે! પરંતુ, આવા ચિંતાજનક આંકડાઓની વચ્ચે પણ એક પાયાનો પ્રશ્ન ઊભો થાય કે આખરે મહિલાઓ દગો શા માટે કરે છે?

1- એકલતા
પુરુષોની સરખામણીએ મહિલાઓ અત્યંત ભાવુક હોય છે. એવામાં, પોતાના સાથી દ્વારા તરછોડાવાના કારણે કે ભાવનાત્મક અંતર વધવાના કારણે એ ખાલીપો અનુભવે છે અને મનોમન કોઇ અન્ય વ્યક્તિની સાથે ભાવનાત્મક કે રોમૅન્ટીક સંબંધોથી બંધાવાની કલ્પનાઓ કરવાનું શરુ કરી દે છે! આ પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થવાના ભિન્ન-ભિન્ન ઘણા સંજોગો હોઇ શકે છે. ખાસ કરીને એવી મહિલાઓ કે જેમના જીવનસાથી ઘરથી દૂર રહીને સતત યાત્રાઓ કર્યા કરતા હોય, લાંબા સમય સુધી કામધંધામાં વ્યસ્ત રહેતા હોય કે પછી કોઇ બીમારીથી ગ્રસિત હોય, તેવી મહિલાઓમાં આવી પ્રવૃત્તિ તરફનો ઝુકાવ વધારે જોવા મળે છે.

2- આત્મસન્માનમાં કમી
જ્યારે કોઇ સ્ત્રી એના અંગત જીવનમાં આત્મસન્માનની કમી સામે ઝઝૂમી રહી હોય, ત્યારે એની આવી કફોડી મનોદશામાં, હૂંફ અને સન્માન જેવી ભાવનાઓની ભૂખ ભાંગવા માટે એ બહારની વ્યક્તિઓ પર નિર્ભર થવાના માર્ગે ચાલી નીકળે છે.
3- લાગણીઓની ઝંખના
અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, પોતાના પતિ સાથે દગો કરનારી સ્ત્રીઓ પોતાની ભાવનાત્મક જરુરિયાતોને પૂરી કરવા માટે આવું કરે છે. અહિંયા, જાતીય સંબંધ (સેક્સ) ને આ સમીકરણ સાથે કોઇ જ લેવાદેવા નથી. જો કે સંબંધની પ્રકૃતિ ચાહે ગમે તે હોય, શારીરિક કે ભાવનાત્મક પરંતુ,અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવાની તથા એની પાસેથી સહાનુભૂતિ, સન્માન, પ્રશંસા અને સંગાથ મેળવવાની અભિલાષા દરેક સ્ત્રીના હૈયામાં હોય જ છે. ખાસ કરીને ત્યારે, જ્યારે આ બધું એને વર્તમાન સંબંધ દ્વારા સ્હેજ પણ ન મળતું હોય!

4- ક્રોધ અથવા પ્રતિશોધ
કેટલીક સ્ત્રીઓ પોતાના મનના માણીગરની એક આદર્શ છબી સાથે નવા સંબંધમાં ડગલાં માંડે છે. પરંતુ જ્યારે એમનો સાથી, અપેક્ષાઓની કસોટી પર સાચો પુરવાર નથી થતો તથા પોતાની સ્ત્રીની દરેક આકાંક્ષા અને ઇચ્છાને પૂરી કરવામાં ઉણો ઉતરે છે, ત્યારે પતિ-પત્નીના સંબંધમાં તિરાડ ઊભી થાય છે. આ ઉપરાંત, જીવનસાથીના લગ્ન પહેલાના પ્રણયસંબંધ જેવા કોઇ અન્ય કારણોસર પણ સ્ત્રી નારાજ થઇ શકે છે, પરિણામે પ્રતિશોધ લેવા પોતે પણ બેવફાઇ કરવા લાગે છે.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
