Surendranagar/ સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી ત્રણના મોત

છેલ્લા 6 મહિનામાં 3 ઘટનામાં 9 લોકોનાં મોત

Top Stories Gujarat

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની ગેરકાયદે ધમધમતી ખાણ વધુ એકવાર મજૂરો માટે ‘મોતની ખાણ’ સાબિત થઈ છે. મૂળી તાલુકાના ભેટ ગામે કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદે ખોદકામ કરી કોઈ સેફ્ટી વગર મજૂરોને ઉતારાતા ત્રણ મજૂરોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા છે. છેલ્લા છ મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખાણમાં નવ મજૂરોના મોત નિપજ્યા હોવા છતા ખનીજમાફિયાઓને કોઈનો ડર જ ન હોય તે રીતે બેરોકટોક ખનીજચોરી ચાલતી હોય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસે આ મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળીના ભેટ ગામમાં સરકારી ખરાબામાં કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદે ખાણ ખોદવામાં આવી રહી હતી. જેમાં લક્ષ્મણ ડાભી, વિરમ કેરાળીયા, અને ખોડાભાઈ મકવાણા નામના ત્રણ મજૂરોને ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. આ ત્રણેય યુવકો 200 ફૂટ ઊંડે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે જ ગેસ ગળતર થતા ત્રણેયના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. આરોપીઓએ ખાણમાં ખોદકામ કરતી સમયે મજૂરોને કોઈ સેફ્ટીના સાધનો આપ્યા વગર જ અંદર ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.

મૂળીના ભેટ ગામની સીમમાં સરકારી ખરાબામાં ખાણખનીજ વિભાગ દ્વારા બૂરી દેવાયેલા ખાડાને ફરી ખોદવામાં આવી રહ્યો હતો. જશાભાઈ રધાભાઈ કેરાળીયા, જનકભાઈ જીવણભાઈ અણિયારિયા, ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા અને કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર નામના શખ્સો આ ખોદકામ કરાવી રહ્યા હતા. આ ચારેય શખ્સોએ જ મૃતક યુવાનોને મજૂરી માટે બોલાવ્યા હતા અને કોઈ સેફ્ટીના સાધનો વગર ખોદકામ માટે ખાણમાં ઉતાર્યા હતા.આ અંગે મૂળી પીએસઆઇ બી.ડી.ચુડાસમાએ જણાવ્યું કે, આ લોકો સરકારી ખરાબામાં અગાઉ ખોદેલા ખાડાઓને ખાણ ખનીજ વિભાગ દ્વારા બુરવામાં આવ્યા બાદ એ ખાડાઑ ગેરકાયદેસર રીતે ખોદીને મજૂરોને અંદર ઉતારતા ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. જેમાં એક મૃતક મજૂરના પિતાની ફરિયાદના આધારે ચારેય આરોપીઑ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી એમને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના મૂળી પંથકના ખપાળીયા ગઢ ગામની સીમમાં 24 જાન્યુઆરી 2024ના રોજ કાર્બોસેલ કાઢવા માટે કૂવો ગાળવામાં આવી રહ્યો હતો ત્યારે જ ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જે તે સમયે ઘટનાના 6 દિવસ બાદ પાંચ લોકોની બેદરકારીના કારણે ત્રણ મજૂરોના મોત થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.મજૂરોને કોઈ સેફ્ટી વગર કૂવામાં ઉતાર્યા બાદ ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. મજૂરોના મોત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર લાશનું પીએમ કરાવ્યા વગર જ અંતિમ સંસ્કાર કરાવી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા છ મહિના દરમિયાન બીજી ઘટના 15 ફેબ્રુઆરીના રોજ દેવપરા ગામમાં બની હતી. અહીં કાર્બોસેલના ગેરકાયદે ખનન માટે ખાણમાં જીલેટીન બ્લાસ્ટ કરતા ખાણમાં કામ કરી રહેલા 6 મજૂરોને ગેસગળતર થતા તેઓ ઢળી પડ્યા હતા. જેમાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં વિદ્યાર્થીઓને નમાજ પઢાવાતા ખળભળાટ, મહંત જ્યોતિર્નાથનું નિવેદન આવ્યુ સામે

આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં લાલબત્તી સમાન કિસ્સો! સાપ કરડવાથી 7 વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો: વલસાડમાં જોવા મળ્યા નદી-નાળાઓના તોફાની સ્વરૂપ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત