પશ્ચિમ બંગાળના પુરલિયામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યો છે. મોદીએ કહ્યું કે દીદી (મમતા) બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે, સોનાર બાંગ્લા હોબે. પીએમ મોદીએ કહ્યું કે 2જી મે પછી હવે ખેલા સમાપ્ત થશે અને વિકાસની પટકથા શરુ થશે.
તેમણે મમતા બેનર્જીની ઈજાને લઈને પણ કહ્યું કે દીદી પણ ભારતની એક બેટી છે, તેમની ઈજાની અમને પણ ચિંતા છે અને ઈશ્વરને કામના કરીએ છીએ કે તેઓ જલદી સ્વસ્થ થાય. પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકારે સસ્તા ચોખા મોકલ્યા તો ટીએમસીના ટોલબાજોએ તેમાં પણ ગોટાળો કરી દીધો. અહીંની ભરતી પરીક્ષાઓમાં ટીએમસી સરકારે જે ખેલ ખેલ્યો છે, તેને ઠીક કરવામાં આવશે.
મોદીએ કહ્યું કે પુરુલિયાની ધરતી ભગવાન રામ અને માતા સીતાના વનવાસનું પણ સાક્ષી છે. અહીં અજુધ્યા પર્વત છે, સીતા કુંડ છે, અને અજુધ્યા નામથી ગ્રામ પંચાયત છે. કહે છે કે જ્યારે માતા સીતાને તરસ લાગી હતી ત્યારે રામજીએ જમીન પર બાણ છોડીને પાણીની ધારા કાઢી હતી. આજે પુરુલિયામાં પાણીનું સંકટ મોટી સમસ્યા છે. અહીંના ખેડૂતો, આદિવાસી-વનવાસી ભાઈ બહેનોને એટલું પાણી પણ નથી મળતું કે તેઓ ખેતી કરી શકે. મહિલાઓને પાણી માટે ખુબ દૂર જવું પડે છે.
દૂર થશે જળસંકટ
પીએમ મોદીએ કહ્યું કે પુરુલિયા સહિત સમગ્ર ક્ષેત્રમાં વિકાસની અનેક સંભાવના છે. તે માટે આ ક્ષેત્રની કનેક્ટિવિટીમાં સુધારો કરવો પડશે. અમારી પ્રાથમિકતા પશ્ચિમ બંગાળના દરેક ક્ષેત્રને રેલવેથી જોડવાનો છે. તેમણે કહ્યું કે અહીં જેવું જળ સંકટ દેશના અન્ય ભાગોમાં પણ રહ્યું છે. જ્યાં જ્યાં ભાજપને સેવાની તક મળી ત્યાં સેકડો કિમી લાંબી પાઈપ લાઈન બિછાવવામાં આવી. તળાવ બનાવવામાં આવ્યા. ત્યાં હવે જળસંકટ દૂર થઈ રહ્યું છે. ત્યાં ખેડૂતો અલગ અલગ પાક લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2જી મે બાદ જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે, ત્યારે અમે એવી સુવિધાઓનું નિર્માણ કરીશું જે તકોની શોધમાં લોકોનું પલાયન રોકી શકશે. પીએમ મોદીએ કહ્યું કે તમારો ઉત્સાહ દેખાડી રહ્યો છે કે ટીએમસીનો પરાજય નિશ્ચિત છે. આ વખતે બંગાળની ચૂંટણીમાં સિંડિકેટવાળાની હાર થશે. આ વખતે બંગાળમાં કટમનીવાળાની હાર થશે.
DBT અને TMC નો અર્થ
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારની નીતિ છે, DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પશ્ચિમ બંગાળમાં દીદી સરકારની દુર્નિતિ છે TMC એટલે કે ટ્રાન્સફર માય કમિશન.