જન્મ જયંતિ/ આજે શીખોના 10મા ધર્મગુરૂ ગોવિંદસિંહની જન્મ જયંતિ, તેમનું જીવન આજે પણ પ્રેરણારૂપ

આજે શીખોના 10મા ધર્મગુરૂ ગોવિંદસિંહની જન્મ જયંતિ છે, શીખો ગુરૂગોવિંદસિંહની જન્મ જયંતિ પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે, આ દિવસે શીખ ધર્મના લોકો પ્રભાત ફેરીનું આયોજન કરે છે

Trending
13 3 આજે શીખોના 10મા ધર્મગુરૂ ગોવિંદસિંહની જન્મ જયંતિ, તેમનું જીવન આજે પણ પ્રેરણારૂપ

“ચિડિયો સે મેં બાજ લડાઉ, ગીદો કો મે શેર બનાઉ, સવા લાખ સે એક લડાઉ, તભી ગોંવિદ સિંહ નામ કહાઉ” આ પક્તિ સાંભળીને તમને ગુરૂ ગોવિંદસિંહની યાદ આવી જશે. આજે શીખોના 10મા ધર્મગુરૂ ગોવિંદસિંહની જન્મ જયંતિ છે. શીખો ગુરૂગોવિંદસિંહની જન્મ જયંતિ પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ દિવસે શીખ ધર્મના લોકો પ્રભાત ફેરીનું આયોજન કરે છે. ગુરૂદ્વારાઓમાં ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવે છે અને ગુરબાનીનો પાઠ કરવામાં આવે છે. ગુરૂ ગોવિંદસિંહજીની શિક્ષા આજે પણ લોકો માટે પ્રેરણા રૂપ છે.

આજે ગુરૂગોવિંદસિંહની  જન્મ જ્યંતિ મનાવાઈ રહી છે. ગુરૂગોવિંદસિંહ જ્ઞાન, સૈન્ય ક્ષમતા અને વિઝનનો સમનવય છે. તેમનું સંપૂર્ણ જીવન લોકોની સેવા માટે સમર્પિત હતું. તેમના વિચાર અને શિક્ષાઓ આજે પણ લોકો માટે પ્રેરણારૂપ છે. ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી મીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજી છે. ગુરૂ ગોવિંદસિંહની માતાનું નામ ગુજરી હતું. તેમના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર હતું. તેમની 3 પત્ની હતી માતા જીતો, માતા સુંદરી અને માતા સાહિબ દેવન. તેમના 4 સંતાનો હતાં- અજીત સિંહ, જીઇહાર સિંહ, જોરાવર સિંગ, ફતેહ સિંહ.

ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો ત્યારે લુધિયાણાના મુસ્લિમ પીર ભીખનશાહે પશ્ચિમને બદલે પૂર્વ તરફ મુખ રાખી સિજદા કરી અને આ અવતારી બાળકનાં દર્શન કરવા નીકળી પડયા. તે પટના પહોંચ્યા ત્યારે ગોવિંદરાય માત્ર તેર દિવસના હતા. ભીખનશાહે તેમની પાસે માટીના બે કુંજા રાખ્યા. જે બે કોમના પ્રતીક હતા. બાળક ગોવિંદરાયે બંને કુંજા પર પોતાના નાના નાના સુંદર હાથ મૂકયા. ભીખનશાહે સૌને વધામણી આપી આ તો સૌના ગુરુ આવ્યા છે. આમ, ગોવિંદરાયે જન્મથી જ ધાર્મિક રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો. માત્ર નવ વર્ષના હતા ત્યારે કાશ્મીરી પંડિતોનાં સમગ્ર દેશની પ્રજાના ધર્મના રક્ષણ માટે પિતાને બલિદાન આપવા પ્રેરણા આપી. જયારે તેમને ખાતરી થઈ કે માત્ર ભકિત કે બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભકિત સાથે શકિતનો સુમેળ સાઘ્યો અને એક એવી પ્રજા તૈયાર કરવાની શરૂઆત કરી જે અન્યાય અને અત્યાચારનો સામનો પૂરી શૂરવીરતાથી કરે.  દેશની ભીરુ પ્રજાને શૂરવીરતાના પાઠ ભણાવવા તેમણે એલાન કર્યું. તેમનું મૃત્યું 7 ઓક્ટોમ્બર 1708માં થયું હતું.

જીવનમાં ઉતારવા જેવી ગુરૂ ગોવિંદસિંહની 10 વાતો   

1. ધર્મ દી કિરત કરની-
પોતાના જીવનમાં ઈમાનદારી પૂર્વ કામ કરતા રહેવું

2. દસવંડ દેના-
પોતાની કમાણીનો 10મો ભાગ દાનમાં આપવો

3.ગુરૂબાની કંઠ કરની-

ગરૂબાનીને મોઢે કરી લેવી

4. કમ કરન વીચ દરીદાર નહીં કરના-
ખૂબ મહેનતથી પોતાનું કામ કરવું અને કામ અંગે લાડ લડાવશો નહીં

5.ધન,જવાની,તૈ કુલ જાત દા અભિમાન નૈ કરના-

પોતાની જવાની,જાતિ અને ધર્મ પર ક્યારેય અભિમાન કરવું નહીં

6.દુશ્મન નાલ સામ, દામ, ભેદ, અદિક ઉપાય વર્તને અતે ઉપરાંત યુદ્ધ કરના-
દુશ્મન સાથે યુદ્ધ કરતા પહેલાં સામ, દામ, દંડ, ભેદનો સહારો લો અને અંતિમ તબક્કામાં જ આમને-સામને યુદ્ધ કરવું.

7.કીસી દિ નિંદા,ચુગલી,અતૈ ઈખા નૈ કરના-
કોઈની ચુગલી અને નિંદાથી બચો અને કોઈની ઈર્ષા કરવાની જગ્યાએ મહેનત કરો.

8. પરદેસી, લોખાન, દુખી, ઇપંગ, માનુખ દિ યથાશત્ક સેવા કરની-
કોઈ પણ વિદેશી નાગરિક, દુખી વ્યક્તિ, વિકલાંગ અને જરૂરીયાતમંદ લોકોની મદદ જરૂર કરવી

9. બચન કરકૈ પાલન-
તમે કરેલા વાયદાને પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરો.

10. શસ્ત્ર વિદ્યા અતૈ ઘોડે દી સવારી દા અભ્યાસ કરના-
પોતાને સુરક્ષિત રાખવા હથિયારો અને ઘોડેસવારીનો અભ્યાસ કરો. આજના સંદર્ભમાં નિયમિત કસરત કરો.