Surat News: સુરતમાં ખાખીને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે હોય છે. પંરતુ જ્યારે રક્ષકો જ ભક્ષક બને ત્યારે નાગરિકો કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે? સુરતના લીબાયત વિસ્તારમાં એક વેપારીએ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે પોલીસે તેની સાથે મારપીટ અને જાતિસુચક અપશબ્દો કહ્યાં છે. એટલુ જ નહી તેની સાથે થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.
મફત નાસ્તો ના આપતા વેપારી સાથે પોલીસે (Police) કરી મારપીટ
સુરત (Surat)માં પોલીસની ગુંડાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વેપારી દાવો કર્યો છે કે તેણે પોલીસને મફતમાં નાસ્તો ના આપતા પોલીસ કર્મીએઓએ તેની સાથે મારપીટ અને જાતિસુચક અપશબ્દો કહીને તેનુ્ં અપમાન કર્યું હતું એટલુ જ નહીં પરંતુ વેપારીને થર્ડ ડીગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું. વેપારીના જણાવ્યા અનુસાર, મફતમાં પોલીસને નાસ્તો ના આપતા તેની સાથે પોલીસે મારપીટ કરી હતી અને થર્ડ ડીગ્રી ટોર્ચર (Third Degree Torture)કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં વેપારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital)માં દાખલ કરવામાં આવ્યા, જ્યાં MLC નોંધાતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોએ સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી છે.
મફતમાં ચા-નાસ્તો ન આપતા વેપારીને ટાર્ગેટ કર્યાનો આક્ષેપ
ભોગ બનનાર વેપારીના જણાવ્યા અનુસાર, લીંબાયત (Limbayat)પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ વારંવાર તેમની હોટલ પર આવી મફતમાં ચા-નાસ્તો લેતા હતા. વેપારીએ આ પ્રકારની મફત સુવિધા આપવાનો ઇનકાર કર્યા બાદ પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીનું કહેવું છે કે ત્યારબાદ તેમને સતત દબાણ અને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
રાત્રે દુકાનેથી ઉઠાવી લઈ જઈ મારપીટ કર્યાનો દાવો
વેપારીએ પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમને રાત્રિના સમયે દુકાનેથી બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ તેમને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અટકાયત દરમિયાન જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વેપારીનું અપમાન કરવામાં આવ્યું હતું.
રોકડ રકમ, લાંચ અને DVR અંગે પણ ગંભીર આરોપ
વેપારીના આક્ષેપ મુજબ, હોટલના ગલ્લામાંથી આશરે 10 હજાર રોકડા લઈ લેવાયા હતા. ઉપરાંત, તેમના વિરુદ્ધ કેસ ન કરવા બદલ 50 હજારની લાંચ માંગવામાં આવી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ, ઘટનાના પુરાવા ન રહે તે માટે હોટલનું CCTV DVR પણ સાથે લઈ જવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
સ્મીમેર હોસ્પિટલમાં MLC નોંધાતા મામલો ગંભીર બન્યો
મારપીટના કારણે વેપારીને શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં MLC (Medico-Legal Case) નોંધાતા મામલો તબીબી દસ્તાવેજોમાં નોંધાયો છે, જેના કારણે સમગ્ર ઘટનાને વધુ ગંભીરતાથી જોવામાં આવી રહી છે.
વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં
ઘટનાથી જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં પોલીસ કર્મચારીઓ ડંડા સાથે ગલીઓમાં દોડતા જોવા મળતા હોવાના દાવા થઈ રહ્યા છે. મામલો ચર્ચામાં આવતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લીધી છે. ડીસીપી ડૉ. કાનન દેસાઈ (DCP Kanan Desai)એ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ તપાસ ચાલુ છે અને વેપારી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ફરી ખાખી પર લાગ્યો ડાઘ, સુરતમાં પોલીસ કર્મચારીઓ પર લાગ્યા ગંભીર આક્ષેપ
આ પણ વાંચો: જયપુરમાં CM કાફલાના રૂટ પર હોબાળો; પોલીસકર્મીએ લારીવાળી યુવતી પર ગરમ પાણી ફેંક્યું
આ પણ વાંચો: પોલીસે હેવાનીયતની હદ વટાવી, યુવાનોને ઢોર માર માર્યો, પત્ની સાથે દુર્વ્યવહારનો આક્ષેપ
