Ahemdabad/ અમદાવાદમાં પ્રથમ જ વરસાદે તંત્રની પોલ ખોલી, રોડ ધસતાં ટ્રેલર ફસાયું

અમદાવાદના વંદે માતરમ વિસ્તારથી ન્યુ રાણીપને જોડતા મુખ્ય માર્ગ પર ગત મોડી રાત્રે અચાનક રસ્તો બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. વરસાદના કારણે રોડ ધસી પડતાં સર્જાયેલા ભુવામાં એક ટ્રેલર ફસાઈ ગયું હતું, જેને પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો.

Gujarat Ahmedabad Breaking News
rain

Ahemdabad News: અમદાવાદમાં ચોમાસાના પ્રથમ જ નોંધપાત્ર વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના વંદે માતરમથી ન્યુ રાણીપને જોડતા મુખ્ય માર્ગ પર રોડ અચાનક ધસી જતાં એક ભારે ટ્રેલર રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયું હતું. આ ઘટનાના કારણે માર્ગ પર લાંબો સમય સુધી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ વરસાદ (Rain)માં રોડ ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો

મળતી માહિતી મુજબ, ગત રોજ મોડી રાત્રે અંદાજે 3:30 વાગ્યે ટ્રેલર પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક રોડનો એક ભાગ બેસી ગયો હતો. પરિણામે ટ્રેલરના પૈડાં રસ્તામાં ધસી જતાં વાહન ત્યાં જ અટવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ ટ્રાફિકને ડાયવર્ટ કરી ટ્રેલરને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તંત્રની કામગીરી પર ઉભા થયા સવાલ

આ ઘટનાએ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. દર વર્ષે ચોમાસા પહેલાં રોડની મરામત, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ અંગે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં પ્રથમ જ વરસાદમાં રોડ ધસી જવાની ઘટના સામે આવતાં તંત્રની કામગીરી પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો દિવસ દરમિયાન આ પ્રકારની ઘટના બની હોત તો મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત. સદનસીબે ઘટના મોડી રાત્રે બનતાં જાનહાનિ ટળી હતી. હાલ તંત્ર દ્વારા રોડનું સમારકામ અને માર્ગને ફરી વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં શહેરના અન્ય માર્ગો અને નબળા વિસ્તારોની તાત્કાલિક તપાસ કરી જરૂરી સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો:અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો: આરોપીને પકડવા દરમિયાન ગોળીબાર, JCP શરદ સિંઘલ ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ બહાર 600 ગ્રામ સોનાની લૂંટ: પોલીસની ઓળખ આપી વેપારીના કર્મચારીઓને કારમાં બેસાડી લૂંટ ચલાવી, CCTVના આધારે તપાસ શરૂ

આ પણ વાંચો:અમદાવાદ જિલ્લામાં મેઘમહેર: ધંધુકા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ