Gandhinagar News/ ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બન્યાં સફળ ઉદ્યોગસાહસિક…

ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, 4 વર્ષમાં 120થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા…

Gujarat Gandhinagar

Gandhinagar News: ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, છેલ્લા 4 વર્ષમાં 120થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ હંમેશા આદિજાતિ સમુદાય આત્મનિર્ભરતાના પથ પર અગ્રેસર બને એ સુનિશ્ચિત કર્યું છે. તેમના આ વિઝનને અનુસરીને ગુજરાત સરકાર (Gujarat Government) રાજ્યના આદિજાતિ સમાજના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે અવિરત પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઑન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED ગુજરાત) આદિજાતિ યુવાનો (Tribal Youth)ના કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણાં વર્ષોથી ઉદ્યોગસાહસિકતા તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

• ડાંગના નિવાસી દક્ષાબેન બિરારીએ CEDની તાલીમ અને સખી મંડળના સહયોગથી કરી અંબિકા હળદર ફાર્મની સ્થાપના, ₹80 લાખથી વધુનું છે વાર્ષિક ટર્નઓવર

• વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી તરુણ વસાવાએ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં કાઠું કાઢ્યું, ₹1 કરોડનું વાર્ષિક ટર્નઓવર

• છેલ્લા 4 વર્ષમાં ₹2 કરોડનો ખર્ચ કરીને 1,000થી વધુ આદિજાતિ યુવાનોને આપવામાં આવી ઉદ્યોગસાહસિકતા તાલીમ

• ઉદ્યોગસાહસિકતા તાલીમ માટે રાજ્યભરમાં 42 સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર (SUCs) અને 9 પ્રાદેશિક સેન્ટર કાર્યરત

• વર્ષ 2021-22 થી 2024-25 દરમ્યાન 1300થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી, 223 લાભાર્થીઓને મળી રોજગારની તકો

4 વર્ષમાં 1000થી વધુ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ, ₹2 કરોડનો ખર્ચ, 120 બન્યા સફળ ઉદ્યોગસાહસિક

છેલ્લા ચાર વર્ષો (2021-22 થી 2024-25)માં ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઑન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) દ્વારા 14થી વધુ આદિજાતિ જિલ્લાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ (EDP) અને જાગૃતિ માટેના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેણે હજારો યુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની આ વિશેષ પહેલ દ્વારા દર વર્ષે આદિજાતિ વિસ્તારોના લગભગ 200થી વધુ યુવાનોને વિવિધ ઉદ્યોગસાહસિકતા સંબંધિત વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે, જેના કારણે રાજ્યના આદિવાસી જિલ્લાઓના લગભગ 30થી વધુ તાલીમાર્થીઓ સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે.

આત્મનિર્ભર બનેલા 120થી વધુ યુવાનો હવે સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે

છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ₹2 કરોડ ખર્ચીને 1,000થી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ (Entrepreneurship Training) પૂરી પાડી છે. આમાંથી આત્મનિર્ભર (Self-reliant) બનેલા 120થી વધુ યુવાનો હવે સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે.

તે જ રીતે, કૌશલ્ય વિકાસના પ્રયાસના ભાગરૂપે 2021-22થી 2024-25 દરમિયાન 1,300થી વધુ આદિજાતિ યુવાનો (Youth)ને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં 223 આદિજાતિ યુવાનોને તાલીમ પછી પ્રત્યક્ષ રોજગારની તકો મળી છે.

ગુજરાત સરકારના પ્રયાસો સફળ થયા, આદિજાતિ યુવાનોએ દર્શાવ્યું ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મૉડલ

ગુજરાતમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તાલીમના કારણે પાયાના સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. વલસાડ જિલ્લાના ગુંડલવ GIDCમાં રહેતા શ્રી હિતેશ પટેલે પણ રાજ્ય સરકારના CED થી બિઝનેસ ડેવલપમેન્ટ સંબંધિત તાલીમ મેળવ્યા બાદ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ સંસ્થાની સ્થાપના કરી. રાસાયણિક ઉદ્યોગમાં વપરાતા પ્રોસેસ પંપના નિર્માણમાં તેમની કંપની હવે અગ્રેસર બની ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ અને MERCK જેવા દિગ્ગજ ગ્રાહકો, 15 સભ્યોની ટીમ અને ₹ 3 કરોડનું વાર્ષિક ટર્નઓવર (Turnover) એ દર્શાવે છે કે, પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ માટે કૌશલ્ય આધારિત ઉદ્યોગસાહસિકતા કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ડાંગના આદિજાતિ વસ્તીના દક્ષાબેન બિરારીએ CEDની તાલીમ અને સખી મંડળના સહયોગથી અંબિકા હળદર ફાર્મની સ્થાપના કરીને પરંપરાગત હળદરની ખેતીને આધુનિક એગ્રો-બિઝનેસમાં પરિવર્તિત કરી છે. તેમનું વાર્ષિક ટર્નઓવર હવે ₹ 80 લાખથી વધુ છે, અને સાથે સ્થાનિક મહિલાઓને રોજગારી પણ આપે છે.

અન્ય એક ઉદાહરણ વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી તરુણ વસાવાનું છે, જેમણે JSP પ્લાસ્ટિક્સના માધ્યમથી પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. 15 લોકોને રોજગાર આપતા તેમના યુનિટનું વર્તમાન વાર્ષિક ટર્નઓવર લગભગ ₹1 કરોડનું છે, અને હવે તેઓ સૌર ઊર્જા ઇન્સ્ટોલેશનના નવા વ્યવસાય સાથે પોતાના સાહસને વિસ્તૃત કરી રહ્યા છે.

તો અરવલ્લી જિલ્લાના મેઘરજના જયાબેન વરસતે ગુજરાત સરકારના CEDમાંથી તાલીમ લીધા બાદ જયશ્રી ઑર્ગેનિક ગૃહ ઉદ્યોગ (Gruh Udhyog)ની સ્થાપના કરી છે. આજે તેઓ 25 લોકોને રોજગારી આપીને ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતા (Women Entrepreneurship)નું શક્તિશાળી મૉડલ રજૂ કરી રહ્યા છે.

આદિજાતિ સમુદાયના આર્થિક સશક્તિકરણ માટે ગુજરાતનું ઉદ્યોગસાહસિકતા તાલીમ મૉડલ શું છે?

ગુજરાત સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ મૉડલમાં 42 સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર્સ, એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ, ઉદ્યોગ-આધારિત બ્રિજ અભ્યાસક્રમો અને સ્પેશ્યલાઇઝ્ડ કૌશલ્ય વિકાસ (Skill Development) કેન્દ્રોનો સમાવેશ થાય છે. આધુનિક સાધનો, સ્માર્ટ વર્ગખંડો અને સ્થાનિક ઉદ્યોગો સાથેની ભાગીદારી દ્વારા આ કેન્દ્રોને એટલા સક્ષમ બનાવવામાં આવ્યા છે કે તાલીમ ઉદ્યોગસાહસિકતા અને રોજગારીમાં પરિવર્તિત થઈ શકે.

આ તાલીમ અભ્યાસક્રમો રાસાયણિક પ્રક્રિયા, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો અને સિલાઈ, બ્યુટી (Beauty) અને વેલનેસ, લોજિસ્ટિક્સ, આઇટી અને ડેટા એન્ટ્રી (IT, Data Ectry) તથા નવીનીકરણીય ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આ કોર્સ માટેનો અભ્યાસક્રમ સ્થાનિક આર્થિક સંભાવનાઓ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના નવા રમતગમત મંત્રી, જયરામ ગામિત આદિવાસી પૃષ્ઠભૂમિના મહેનતુ નેતા

આ પણ વાંચો: ગુજરાતમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી અને વિકાસ કાર્યોનું લોકાર્પણ

આ પણ વાંચો: પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ: આદિવાસી સમાજનો વિજય