World News/ ટ્રમ્પના હેલિકોપ્ટર સુરક્ષા પર સવાલ: પેસેન્જર પ્લેન સાથે ટળ્યો અકસ્માત, સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ

Trumpને લઈ જતું Marine One હેલિકોપ્ટર પેસેન્જર વિમાનની ખૂબ નજીક પહોંચી જતા ટ્ર્મ્પની સુરક્ષાને લઈ ચર્ચા. સદનસીબે અકસ્માત ટળ્યો, પરંતુ FAA અને NTSBએ તપાસ શરૂ કરી.

World Breaking News
Trump

World News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Trump)ને લઈ જઈ રહેલું Marine One હેલિકોપ્ટર વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાનની ખૂબ નજીક પહોંચી જતાં એર ટ્રાફિક સુરક્ષા પર ફરી સવાલો ઊભા થયા છે. ટેકનિકલ ખામીના કારણે એર ટ્રાફિક કંટ્રોલ સુધી મહત્વનો રેડિયો સંદેશ યોગ્ય રીતે ન પહોંચતાં બંને એરક્રાફ્ટ વચ્ચે નિર્ધારિત સુરક્ષા અંતર ઘટી ગયું હતું. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના બની નહોતી અને બંને એરક્રાફ્ટ સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હતા.

Trumpના હેલિકોપ્ટર સાથે શું બન્યું?

આ ઘટના મંગળવારે બપોરે લગભગ 2:33 વાગ્યે બની હતી. ડોનાલ્ડ ટ્રમ્પનું મરીન વન હેલિકોપ્ટર વ્હાઇટ હાઉસ નજીકના એલિપ્સ વિસ્તારમાંથી જોઈન્ટ બેઝ એન્ડ્ર્યૂઝ માટે રવાના થયું હતું. તે દરમિયાન એનવોય એરનું એક પેસેન્જર વિમાન રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ (Ronald Reagan Airport)પરથી ટેકઓફ કરી રહ્યું હતું. થોડા જ સમયમાં બંને એરક્રાફ્ટ એકબીજાની ખૂબ નજીક આવી ગયા હતા. અમેરિકન અધિકારીઓએ આ ઘટનાને “લોસ ઓફ સેપરેશન” એટલે કે વિમાનો વચ્ચે નિર્ધારિત સુરક્ષિત અંતર ઘટી જવાની ઘટના તરીકે વર્ણવી છે.

બંને એરક્રાફ્ટ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના નિયમો અનુસાર આ વિસ્તારમાં ઉડતા બે એરક્રાફ્ટ વચ્ચે ઓછામાં ઓછું 1.5 માઈલનું આડું અંતર અને 500 ફૂટનું ઊભું અંતર જાળવવું ફરજિયાત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને એરક્રાફ્ટ એકબીજા તરફ સીધા આગળ વધી રહ્યા નહોતા, પરંતુ તેમની વચ્ચેનું જરૂરી સુરક્ષા અંતર ઘટી ગયું હતું. જોકે આ ઘટનામાં ટ્રમ્પ, હેલિકોપ્ટરના ક્રૂ અથવા પેસેન્જર વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને કોઈ ઈજા પહોંચી નહોતી.

રેડિયો કમ્યુનિકેશનમાં ખામીથી સર્જાઈ સ્થિતિ

અહેવાલ મુજબ મરીન વનની પાયલટ ટીમે ટેકઓફ પહેલાં એર ટ્રાફિક કંટ્રોલને જરૂરી માહિતી આપવા પ્રયાસ કર્યો હતો. જોકે રેડિયો કમ્યુનિકેશનમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે આ સંદેશ યોગ્ય રીતે પ્રાપ્ત થયો નહોતો. આ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલે પેસેન્જર વિમાનને ટેકઓફ માટે મંજૂરી આપી દીધી હતી. પરિણામે બંને એરક્રાફ્ટ વચ્ચેનું સુરક્ષિત અંતર ઘટી ગયું અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી.

2025ની દુર્ઘટના બાદ ફરી સુરક્ષા પર સવાલ

આ ઘટનાની તપાસ હવે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા કરવામાં આવી રહી છે. આ ઘટના એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે જાન્યુઆરી 2025માં આ જ રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ નજીક સૈન્ય હેલિકોપ્ટર અને પેસેન્જર વિમાન વચ્ચે થયેલી ટક્કરમાં 67 લોકોના મોત થયા હતા. તે અકસ્માત બાદ એર ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરની ઘટનાએ ફરી એકવાર અમેરિકાની રાજધાનીના વ્યસ્ત એરસ્પેસમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા જગાવી છે.


આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા રોકવાના દાવા પર ઈરાનનો પલટવાર; કહ્યું ‘ટ્રમ્પનો દમ નીકળી ગયો’

આ પણ વાંચો: અમેરિકાના વિદેશ મંત્રી રૂબિયોની મોટી જાહેરાત: ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ભારતની મુલાકાત, ભારત-અમેરિકા ટ્રેડ ડીલને મળી શકે છે ગતિ

આ પણ વાંચો: ઈરાન સાથેની શાંતિ ડીલ પહેલા ઈઝરાયલનો લેબેનોન પર મોટો હુમલા, ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા વધી