National News/ વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ પર કેટલો ખર્ચ થયો? સંસદમાં રજૂ થયા સત્તાવાર આંકડા

વર્ષ 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) 13 દેશોના સત્તાવાર વિદેશ પ્રવાસો પર અંદાજે ₹74.5 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે સંસદમાં જણાવ્યું. જાણો કયા દેશ પર કેટલો ખર્ચ થયો.

Top Stories NATIONAL India
PM Modi

PM Modi Foreign Visit Cost 2026 Parliament Data: વર્ષ 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર વિદેશ પ્રવાસોનો ખર્ચ સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે. સરકારી માહિતી મુજબ, ફેબ્રુઆરીથી જુલાઈ 2026 વચ્ચે વડાપ્રધાને કુલ 13 દેશોની મુલાકાત લીધી હતી. આ તમામ પ્રવાસો પર અંદાજે ₹74.5 કરોડનો ખર્ચ નોંધાયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રવાસોનો મુખ્ય હેતુ ભારતના વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા, વેપાર વધારવા અને વૈશ્વિક રોકાણકારોને ભારત તરફ આકર્ષવાનો હતો.

કયા દેશની મુલાકાત પર કેટલો ખર્ચ થયો?

સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ અલગ-અલગ દેશોના પ્રવાસ પર થયેલો ખર્ચ અલગ રહ્યો છે. ફેબ્રુઆરીમાં મલેશિયાની મુલાકાત (PM Modi)માટે આશરે ₹5.57 કરોડ, જ્યારે ઇઝરાયલ પ્રવાસ માટે લગભગ ₹11.92 કરોડનો ખર્ચ થયો હતો.

મે મહિનામાં વડાપ્રધાને યુરોપ અને ખાડી ક્ષેત્રના અનેક દેશોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન યુએઈ પર આશરે ₹1.97 કરોડ, નેધરલેન્ડ્સ પર ₹3.60 કરોડ, સ્વીડન પર ₹6.33 કરોડ, ઇટાલી પર ₹4.23 કરોડ અને નોર્વેની મુલાકાત માટે સૌથી વધુ ₹17.46 કરોડનો ખર્ચ નોંધાયો હતો.

જૂન અને જુલાઈના પ્રવાસોનો ખર્ચ

જૂન મહિનામાં સ્લોવાક રિપબ્લિકના પ્રવાસ માટે અંદાજે ₹4.77 કરોડ અને સેશેલ્સની મુલાકાત માટે લગભગ ₹8.22 કરોડ ખર્ચાયા હતા. ફ્રાન્સ પ્રવાસના કેટલાક બિલોની પ્રક્રિયા પૂર્ણ ન થતાં તેનો ખર્ચ હજુ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવ્યો નથી.

જુલાઈ દરમિયાન ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતો પણ યોજાઈ હતી. ઇન્ડોનેશિયા પ્રવાસ પર આશરે ₹3.87 કરોડ, ઓસ્ટ્રેલિયા પર ₹1.18 કરોડ અને ન્યૂઝીલેન્ડ માટે લગભગ ₹5.43 કરોડનો ખર્ચ નોંધાયો છે.

આંકડામાં થઈ શકે છે ફેરફાર

સરકારે જણાવ્યું છે કે કેટલાક પ્રવાસોના અંતિમ બિલ હજુ પ્રક્રિયામાં હોવાથી રજૂ કરાયેલા ખર્ચના આંકડા પ્રાથમિક છે. હોટલ, સુરક્ષા અને અન્ય સેવાઓના અંતિમ હિસાબ બાદ ખર્ચમાં થોડો ફેરફાર થઈ શકે છે.

વિદેશી રોકાણ વધારવામાં પ્રવાસો મહત્વપૂર્ણ: સરકાર

સંસદમાં સરકારે એવો પણ દાવો કર્યો કે વડાપ્રધાનના વિદેશ પ્રવાસો(PM Modi) અને આર્થિક કૂટનીતિના પ્રયાસોથી ભારતને મોટો ફાયદો થયો છે. સરકારી માહિતી અનુસાર, એપ્રિલ 2021થી ડિસેમ્બર 2025 દરમિયાન દેશમાં અંદાજે 381.8 અબજ અમેરિકી ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું છે.

સરકારનું કહેવું છે કે વિવિધ દેશો સાથેના વ્યૂહાત્મક સંબંધો, વેપાર સહયોગ અને રોકાણકારો સાથેની બેઠકઓના પરિણામે ભારત વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક બન્યું છે. વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ દેશમાં વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ મજબૂત રહ્યો હોવાનું સરકારે જણાવ્યું છે.


આ પણ વાંચો: 12 વર્ષ પૂર્ણ થતાં PM Modiની ભાવુક પોસ્ટ- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે’

આ પણ વાંચો:અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ PM મોદીને આપ્યું વ્હાઇટ હાઉસનું આમંત્રણ, દિલ્હીમાં મોટું મંથન

 

આ પણ વાંચો:PM Modi ને સવાલ પૂછનાર નોર્વેના પત્રકાર હેલી લિંગના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયાં સસ્પેન્ડ