Gujarat News : પશ્ચિમ પ્રશાંત મહાસાગર (Pacific Ocean)માં સર્જાયેલું શક્તિશાળી ‘ડૉલ્ફિન’ (Dolphin) વાવાઝોડું (Dolphin Typhoon)જાપાનના દાઇતો અને રયુક્યુ ટાપુઓ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને હવામાન એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આ વાવાઝોડાથી ભારતને કોઈ સીધો ખતરો નથી. તેમ છતાં તેની આડઅસર દેશના ચોમાસાની ગતિવિધિઓ અને વરસાદની પેટર્ન પર થોડા સમય માટે જોવા મળી શકે છે.
175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે પવનો

મળતી માહિતી મુજબ, ડૉલ્ફિન વાવાઝોડું (Dolphin Typhoon)હાલમાં મિનામીદાઇતો દ્વીપથી આશરે 540 કિલોમીટર દૂર છે અને લગભગ 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડામાં સતત પવનની ઝડપ આશરે 175 કિમી પ્રતિ કલાક નોંધાઈ રહી છે, જ્યારે તેના ઝાપટા 210 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
જાપાનમાં ભારે વરસાદ અને વિશાળ મોજાંની આગાહી
હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે ગુરુવાર સુધીમાં વાવાઝોડું દાઇતો દ્વીપોની નજીક અને ત્યારબાદ શુક્રવારે ઓકિનાવા વિસ્તાર તરફ આગળ વધશે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં 100થી 200 મિમી વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ 350 મિમી સુધી વરસાદ નોંધાઈ શકે છે. દરિયામાં 10થી 11 મીટર ઊંચા મોજાં ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
શું ભારત અને ગુજરાતના વરસાદ પર પડશે અસર?
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સર્જાતા અત્યંત શક્તિશાળી ચક્રવાતો ઘણી વખત વાતાવરણમાં રહેલી ભેજ અને ઊર્જાનો મોટો હિસ્સો પોતાની તરફ ખેંચી લે છે. તેના કારણે બંગાળની ખાડીમાં બનતી હવામાન પ્રણાલીઓ પર અસર થઈ શકે છે અને ભારતના કેટલાક વિસ્તારોમાં થોડા દિવસ માટે ચોમાસાની ગતિ ધીમી પડી શકે છે.
તેના પરિણામે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે અથવા વરસાદમાં અસ્થાયી વિરામ જોવા મળી શકે છે. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે વાવાઝોડું નબળું પડ્યા બાદ ચોમાસું ફરી સક્રિય બનવાની શક્યતા રહેશે.
IMDએ શું સ્પષ્ટ કર્યું?
ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ડૉલ્ફિન વાવાઝોડું (Dolphin Typhoon)ભારત તરફ આગળ વધી રહ્યું નથી, તેથી દેશને કોઈ સીધો ખતરો નથી. જોકે આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ અને વરસાદના વિતરણમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને વિભાગ સમયાંતરે નવી આગાહી અને અપડેટ જાહેર કરશે.
હાલમાં લોકો માટે ગભરાવાની જરૂર નથી, પરંતુ હવામાન વિભાગ દ્વારા જાહેર થતી સત્તાવાર આગાહીઓ પર નજર રાખવી જરૂરી છે.
