Ambaji Temple/ ચીકી માફિયાઓને ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવાનો કારસો : હેમાંગ રાવલ

ચીકી પ્રસાદમાં કમાણી ખુબ જ હોવાથી આ પ્રકારનો અવિચારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં 25 રૂપિયામાં વેચાતો ચીકી પ્રસાદ એક બોક્ષમાં આપવામાં આવે છે કે જેમાં ચાર નંગ ચીકી હોય છે. આવા જ…

Top Stories Gujarat
Ambaji mohanthal prasad

Ambaji mohanthal prasad: આજરોજ અંબાજી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર પ્રવક્તા હેમાંગ રાવલની આગેવાનીમાં આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓને મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, સ્થાનિકો અને મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીમાં કામ કરતી આદિવાસી મહિલાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા અને સત્તાવાળાઓને સદબુદ્ધિ મળે એ હેતુથી અંબે માતાજીની ધૂન અંબેમાંના ચાચરચોકમાં બોલાવવામાં આવી હતી.

અંબાજી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી મંદિરમાં લાખો – કરોડો ભક્તોની આસ્થાનું એક પવિત્ર સ્થાન છે. આ મંદિરનો વહિવટ ગુજરાત સરકાર હસ્તક કલેક્ટર બનાસકાંઠા કરી રહ્યાં છે. એજ પ્રમાણે ગુજરાતના પ્રતિષ્ઠિત જુદા જુદા મંદિરોનો વહિવટ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ઉપરોક્ત દેવસ્થાન ટ્રસ્ટોમાં વારંવાર ગેરરીતિ, અણવહિવટ અને ધાર્મિક પરંપરા તોડતા અધિકારીઓ પોતાની રીતે મનસ્વિ નિર્ણયો લઈ રહ્યાં છે.

અંબાજી મંદિરમાં દોઢ વર્ષ પહેલાં જે મોહનથાળ પ્રસાદનું પેકેટ 10 રૂપિયામાં મળતું હતું તેના પર ક્રમશ ભાવવધારા સાથે અત્યારે 18 રૂપિયા અને 25 રૂપિયા સુધી કરી નાંખવામાં આવ્યો. એટલે કે 150% નો તોતીંગ ભાવ વધારો મોંઘવારીનું બહાનું કરીને વસૂલવામાં આવી રહ્યો હતો. આ સાથે 6-8 મહિના પહેલા ચીકીનો પ્રસાદ પણ વેચવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. એક તરફ 20 કરોડનો મોહનથાળ પ્રસાદ વેચાય અને બીજી તરફ 1-2 કરોડનો ચીકી પ્રસાદ વેચાતો હતો. ભારતમાં જેમ અવિચારી નોટબંધી અચાનક લાગુ કરવામાં આવી તેમ અવિચારી રીતે છેલ્લા 6 દાયકાથી પરંપરાગત અને કરોડો ભક્તોની આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ વેચવાનો બંધ કરી દેવામાં આવ્યો.

સ્વાભાવિક છે કે, ચીકી પ્રસાદમાં કમાણી ખુબ જ હોવાથી આ પ્રકારનો અવિચારી નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં 25 રૂપિયામાં વેચાતો ચીકી પ્રસાદ એક બોક્ષમાં આપવામાં આવે છે કે જેમાં ચાર નંગ ચીકી હોય છે. આવા જ પ્રકારની એક નંગ ચીકી બજારમાં 2 રૂપિયામાં અનબ્રાન્ડેડ અને 5 રૂપિયામાં બ્રાન્ડેડ કંપનીની વેચવામાં આવે છે કે જેમાં સમગ્ર ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને GST પણ સામેલ હોય છે આનાથી એ સમજી શકાય છે કે, મોહનથાળ પ્રસાદ કરતા ચીકી પ્રસાદમાં વધારે કમાણી હોય છે. ચીકી પ્રસાદના ચસકા એ ધન કમાવવાના નુસખા સાબિત થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલા દાનના નાણાં છેલ્લા 11 વર્ષમાં 21 લાખથી વધુ રૂપિયા VIP મહેમાનો, મંત્રીઓ, અધિકારીઓ, મંત્રીઓના સગાઓ, અધિકારીઓના સગાઓ, સંબંધિઓની ખાવા-પીવાની સરભરા માટે વાપરી નાખવામાં આવ્યાં. જેની માહિતી RTI દ્વારા મેળવવામાં આવેલી છે. અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા 61 મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. 51 શક્તિપીઠ મંદિરનું ઉદઘાટન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ હતું. આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે ભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. થાળ તો ઠીક પરંતુ માતાજીની સાડીઓ પણ રોજ શણગારીને બદલવામાં નથી આવતી.

ઉપરોક્ત 61 મંદિરોમાં માત્ર 35 પુજારી સેવા આપી રહ્યાં છે. મુખ્યમંદિરમાં રોજ સરેરાશ 100થી વધારે સાડીઓ ભેટમાં શ્રધ્ધાળુઓ આપી રહ્યાં છે. માત્ર વહિવટી કુશળતા હોય તો આજ સાડીઓ બાકીના મંદિરમાં માતાજીને ચઢાવી શકાય. એજ પ્રમાણે ગબ્બરમાં લાઈટ અને સાઉન્ડ શો દરમિયાન માતાજીની દિપ આરતી માટે 10 રૂપિયા કોઈપણ જાતના ઠરાવ કે આદેશ વિના ‘શક્તિ સેવા કેન્દ્ર ટ્રસ્ટ’ દ્વારા વસુલવામાં આવી રહ્યાં છે. આ ટ્રસ્ટને અંબાજીની ઘણીખરી મોકાની જમીનો પણ આપી ફાળવી દેવામાં આવ્યાં છે અને તેમાં પણ એક મોટુ કૌભાંડ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા અંબાજી મંદિરના પટાંગણમાં આવેલી યજ્ઞશાળામાં માઈક પર બોલાતા શ્લોક ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યાં છે એમ કહીને માઈક અને સ્પીકર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તેનો પણ ઉગ્ર વિરોધ થયો હતો અને અધિકારીઓએ પાછીપાની કરવી પડી હતી.

લાખો – કરોડો ભક્તોની આસ્થા સમાન અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો અવિચારી નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો સ્થાનિકો, વિવિધ પગપાળા મંડળો અને શ્રધ્ધાંળુઓને સાથે રાખીને ઉગ્ર આંદોલન – ધરણાં – પ્રદર્શન અને આશ્ચર્યજનક દેખાવો કરવામાં આવશે. અંબાજી ખાતે ઉપરોક્ત આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કોર્ડીનેટર જીગર મહારાજ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોર, અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ તુલસીભાઈ જોશી, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પાર્થ રાવલ, કોંગ્રેસ અગ્રણી પ્રકાશ શાહ, NSUI યુવા અગ્રણી ભવાનીસિંહ રાઠોડ અને મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ પણ વાંચો: Ancient Civilisation/ બ્રિટનમાં ચાર હજાર વર્ષ જૂની સભ્યતાના અવશેષો મળ્યા

આ પણ વાંચો: હવામાન વિભાગ/ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા મચાવશે તાંડવ

આ પણ વાંચો: Patan Accident/ પાટણનો હાઇવે બન્યો મોતનો માર્ગ, ત્રણ ટ્રકો અથડાતા બેના મોત