Ahmedabad News: શહેરમાં વાયરલ ઈન્ફેક્શનના કેસો વચ્ચે H1N1 એટલે કે સીઝનલ સ્વાઈન ફ્લૂના બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સીઝનલ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા બે દર્દીઓના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કેસ નોંધાતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ અને ઓક્સિજન સહિતની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે.
અમદાવાદમાં H1N1 ની અન્ટ્રી, આરોગ્ય મંત્રીએ યોજી સમીક્ષા બેઠક
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ તેમજ સીઝનલ ફ્લૂ (Swine Flu) સામેની આગોતરી સજ્જતાની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Health Minister Praful Pansheriya)ના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોના તબીબી અધિક્ષકો, મેડિકલ કોલેજોના ડીન તેમજ જિલ્લા અને મહાનગરપાલિકાઓના વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ઝાડા-ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, મલેરિયા, ચિકનગુનિયા, કમળો અને સામાન્ય સીઝનલ ફ્લૂ જેવા રોગોની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. H1N1ના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં આઇસોલેશનની સુવિધા, દવાઓ, ઓક્સિજન અને અન્ય જરૂરી આરોગ્ય સેવાઓને સજ્જ રાખવામાં આવી છે.
નાગરિકોએ ચિંતા ન કરવા આરોગ્ય મંત્રીની અપીલ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં H1N1ના કેસ નોંધાઈ રહ્યા છે અને આ શહેરોમાંથી ફ્લાઇટ, ટ્રેન અને બસ મારફતે ગુજરાતમાં લોકોનું સતત આવાગમન રહે છે. તેમણે જણાવ્યું કે હાલ રાજ્યમાં H1N1નો કોઈ ગંભીર ઉપદ્રવ નથી અને નોંધાયેલા દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)માં બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે જરૂરી આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ તાવ, ઉધરસ અથવા ફ્લૂ જેવા લક્ષણો જણાય તો સાવચેતી રાખવા અને જરૂર જણાય તો તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:24 કલાકમાં જ અમદાવાદમાં કોરોનાના 24 કેસ, મે મહિનામાં 89 કેસ, 76 એક્ટિવ કેસ, 2 દર્દી સારવાર હેઠળ
આ પણ વાંચો:શું દુનિયામાં નવો વાઇરસ ફેલાઈ રહ્યો છે? જાપાને કેમ રાષ્ટ્રીય મહામારી જાહેર કરી
