Rajkot News/ રાજકોટના 1,600થી વધુ કેમિસ્ટો દેશવ્યાપી મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાયા

રાજકોટમાં 1,600થી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો દેશવ્યાપી હડતાળમાં જોડાયા છે. તેઓનું કહેવું છે કે તેમની મુખ્ય ચાર માંગ છે. 2018 અને 2020નો પરિપત્ર રદ કરાય. ઓનલાઇન વેચાણ બંધ કરાય અને ફાર્મસી ચેઇનના જંગી ડિસ્કાઉન્ટ સામે નિયમો વધુ આકરા કરાય.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: દવાઓના ઓનલાઇન વેચાણ પર સરકારે અગાઉ જારી કરાયેલો પરિપત્ર હજી સુધી રદ કરવામાં આવ્યો નથી તેના કારણે કેમિસ્ટ એસોસિયેશને 20મી મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેમા ગુજરાતના 35 હજારથી વધુ કેમિસ્ટો જોડાયા છે અને રાજકોટના પણ 1,600થી વધુ કેમિસ્ટો આ હડતાળમાં જોડાયા છે.

મેડિકલ સ્ટોર્સના કેમિસ્ટોની મુખ્ય ચાર માંગણી

કેમિસ્ટોએ ચાર મુખ્ય માંગણી સાથે વિરોધ કર્યો છે. ઓનલાઇન દવાના વેચાણ પર પ્રતિબંધની માંગ કરી છે. ઓગસ્ટ 2018નું સરકારી જાહેરનામુ પરત ખેંચવાની પણ માંગ છે. આ ઉપરાંત કોરોના વખતે માર્ચ 2020નું જાહેરનામુ રદ કરવા માંગ કરી છે. તેની સાથે કોર્પોરેટ કંપનીઓની ડિસ્કાઉન્ટની નીતિ સામે આકરા નિયમો લાદવામાં આવે, જેથી કેમિસ્ટોએ તેમનો ધંધો બંધ કરાની ફરજ ન પડે.

રાજકોટમાં ઇમરજન્સી સેવા માટે 15 મેડિકલ સ્ટોર ખુલ્લા

રાજકોટમાં ઇમરજન્સી સેવા માટે 15 સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા છે. ઇમરજન્સીમાં દર્દીઓ હેરાન ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. મેડિકલ એસોસિયેશને દર્દીઓ માટે આ સગવડ કરી છે. ગુજરાત કેમિસ્ટ એસોસિયેશનના ઉપપ્રમુખ સત્યેન પટેલે જણાવ્યું હતું કે આ દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર અને સોરઠના છ હજાર મેડિકલ સ્ટોર જોડાવવાના છે. તેમા રાજકોટના 1,600થી વધુ મેડિકલ સ્ટોરનો સમાવશ થાય છે.

ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી દવાઓ ઓનલાઈન વેચાઈ રહી છે, અને કોવિડ-19 રોગચાળા પછી તેમના વેચાણમાં પણ વધારો થયો છે. આજે, દેશમાં આશરે 6 થી 7 ટકા લોકો ઓનલાઈન દવાઓ ખરીદી રહ્યા છે. ઓનલાઈન દવાઓની આડમાં નકલી દવાઓ વેચાઈ રહી છે. માદક દ્રવ્યો અને ગર્ભપાતની ગોળીઓ જેવી ગંભીર દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાઈ રહી છે. અમે 2018 થી સતત ઓનલાઈન દવાઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ અમારી વિનંતી પર ધ્યાન આપવામાં આવ્યું નથી, તેથી અમે હડતાળની જાહેરાત કરી છે.


આ પણ વાંચો : હડતાળના લીધે મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના કારણે અમદાવાદીઓને ભારે હાલાકી

આ પણ વાંચો : વડોદરામાં હડતાળને લઈને કેમિસ્ટ એસોસિયેશનમાં વિભાજન

આ પણ વાંચો : સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન પણ બન્યું હડતાળનો હિસ્સો